ભાદર પાઈપલાઈન રિપેરીંગ અને ગુરુકુલ પમ્પીંગ સ્ટેશન પર જીએસઆર સમ્પની સફાઈના બહાના તળે પાણીકાપ ઝીંકાયો
વોર્ડ નં.૧૩ પાર્ટ, ૧૪ પાર્ટ અને ૧૭ પાર્ટમાં હજારો લોકો ગુરૂવારે તરસ્યા રહેશે
ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ અનરાધાર મહેર ઉતારી શહેરની જળજરૂરીયાત સંતોષતા તમામ જળાશયોને ઓવરફલો કરી દીધા હતા. જોકે રાજકોટવાસીઓના નશીબમાં જ જાણે પાણીનું સુખ ન હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીના પરીણામો આવ્યાને હજી માંડ એક પખવાડીયુ થયું છે ત્યાં મહાપાલિકા દ્વારા શહેરીજનો પર પાણીકાપના કોરડા વિંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરની ચારેય બેઠકો પર કમળને જીતાડવાનું ઈનામ જાણે ભાજપના શાસકો રાજકોટવાસીઓને આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સફાઈના બહાનાતળે આગામી ગુરુવારે શહેરના ત્રણ વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે.
આ અંગે રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની એક યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટ શહેરને પાણી પુરુ પાડતા ભાદર પાણી યોજના અંતર્ગત ભાજપ પાઈપલાઈન રીપેરીંગ તથા ગુ‚કુલ પમ્પીંગ સ્ટેશન પર જીએસઆર સમ્પ સફાઈ કામગીરી સબબ આગામી તા.૪/૧/૨૦૧૮ને ગુરુવારના રોજ જયુબેલી પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં.૧૩ પાર્ટ, ૧૪ પાર્ટ અને ૧૭ પાર્ટમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. ભરશિયાળે મહાપાલિકા દ્વારા પાણી કાપના કોરડા વિંઝવાનું શરૂ કરવામાં આવતા ગૃહિણીઓમા ભારે નારાજગી વ્યાપી જવા પામી છે.