10 હજારથી વધુ લોકોને ઉભરાતી અને છલકાતી ગટરના ત્રાસમાંથી મુક્તિ મળશે: સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ
સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 20 પૈકી 14 દરખાસ્તોને બહાલી રૂ.11.27 કરોડના વિકાસ કામોને લીલીઝંડી અપાઇ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 20 પૈકી 14 દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓને આર્થિક તબીબી સહાય ચૂકવવાની તમામ 6 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે. હવે આવી દરખાસ્તો દર સ્ટેન્ડિંગમાં મોકલવાના બદલે એક સાથે બે મહિને મોકલવાનું નોટિંગ કરવામાં આવ્યું છે. રૂ.11.27 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 20 પૈકી 14 દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. જ્યારે આર્થિક તબીબી સહાયની 6 દરખાસ્તો હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. 2020માં મહાપાલિકાની હદમાં ભળેલા વોર્ડ નં.9ના મુંજકા વિસ્તારમાં સુએજ પમ્પીંગ સ્ટેશન માટે ડ્રેનેજ નેટવર્કના કામ માટે રૂ.3.20 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામ ઓડેદરા ક્ધસ્ટ્રક્શન કંપનીને 13.13 ટકા વધુ સાથે સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 12,840 રનિંગ મીટરની પાઇપલાઇન બિછાવવામાં આવશે. જ્યારે 245 આરસીસી એનપીથ્રી ક્લાસ પાઇપલાઇન તથા 1392 ચોરસ મીટર રોડ રિસ્ટોરેશનના કામનો પણ સમાવેશ થાય છે.
આ નેટવર્ક ઉભું કરવામાં આવ્યા બાદ મુંજકામાં આવેલા ડેકોરા વેસ્ટ હિલ્સ, ઓરમ એલીવેર્સ ફ્લેટ, શાંતિ નિકેતન, જગજીત ઓરમ, વિર સાવરકર આવાસ યોજના, મરીન હિલ્સ તથા ફિલ્ડ માર્શલ રોડ અને તેને લાગૂ વિસ્તારમાં વસવાટ કરતા અંદાજે 10 હજારથી વધુ લોકોને આગામી દિવસોમાં ઉભરાતી અને છલકાતી ખૂલ્લી ગટરના ત્રાસમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આરોગ્ય કેન્દ્રોમાં મૂકવામાં આવેલા ટેલીવિઝન ખરીદીના રૂ.16.61 લાખનો ખર્ચ, વોડૃ નં.11માં મોટા મવા વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇનના ચરેરામાં મેટલીંગ કરવા માટે રૂ.13.15 લાખ, વોર્ડ નં.10માં જ્ઞાનજીવન અને જીવનનગર સોસાયટીમાં પેવિંગ બ્લોક રિપેરીંગ તથા રોડ લેવલીંગના કામ માટે રૂ.18.28 લાખ, વોર્ડ નં.1માં ગાર્ડન હેતુના અનામત પ્લોટ પર કપાઉન્ડ વોલ તથા ચેઇન લીક જાળી નાંખવાના કામ માટે રૂ.47.24 કરોડનો ખર્ચ, જ્યારે વોર્ડ નં.15માં રામનગર શાકમાર્કેટ પાસે કોર્પોરેશનના ખૂલ્લા પ્લોટમાં ચાર આંગણવાડી બનાવવા માટે રૂ.40.33 લાખ અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં પેવિંગ બ્લોક રિપેરીંગ અને રોડ લેવલીંગ માટે રૂ.27.35 લાખ સહિત કુલ રૂ.11.27 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.
તઘલખી નિર્ણય: આર્થિક તબીબી સહાયની દરખાસ્તો દર બે મહિને મોકલવાનો ફતવો
6 દરખાસ્તો પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગ: નવા પ્રમુખના સૂચન બાદ સિસ્ટમમાં મોટો ફેરફાર
કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારજનોને નિયમાનુસાર વિવિધ બિમારીઓમાં થતા ખર્ચ પેટે આર્થિક તબીબી સહાય ચૂકવવામાં આવે છે. માનવતાના ધોરણે આ પ્રકારની દરખાસ્તોની બહું ચર્ચા કર્યા વિના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેને મંજૂર કરી દેવામાં આવતી હોય છે. દરમિયાન નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આજે ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં સૂચન કર્યું હતું કે દર વખતે સ્ટેન્ડિંગમાં જે આર્થિક તબીબી સહાયની દરખાસ્તો આવે છે. તેના બદલે એક સાથે દર બે મહિને આવી દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવે તેવી નવી સિસ્ટમ શરૂ કરવાનું જણાવ્યું હતું. જેનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા સ્વિકાર કરી લેવામાં આવ્યો હતો.
આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આર્થિક તબીબી સહાયની અલગ-અલગ 6 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ તથા અધિકારીઓના પરિવારજનોએ બિમારીમાં સારવાર લેવા માટે કરેલો રૂ.8.61 લાખનો ખર્ચ મંજૂર કરવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પરંતુ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવતા તમામ 6 દરખાસ્તો એક ઝાટકે પેન્ડિંગ રાખી દેવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવતી નથી. પરંતુ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવતા આગામી દિવસોમાં શાસકોએ કર્મચારીઓના રોષનો ભોગ પણ બનવું પડે તેવું હાલ દેખાઇ રહ્યું છે.
કોઠારિયાનો સ્વાતિ મેઇન રોડ એક વર્ષમાં જ ટનાટન થઇ જશે
શહેરના વોર્ડ નં.18માં કોઠારિયા વિસ્તારમાં સ્વાતિ પાર્ક મેઇન રોડની હાલત ગામડાંથી પણ ખરાબ હોવાના કારણે અહિં દર વર્ષે ચક્કાજામ લોકો કરે છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા રૂ.5.34 કરોડના ખર્ચે આશરે દોઢ કિલોમીટરની લંબાઇ ધરાવતા આ રોડને ડિઝાઇન રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. ટુંક સમયમાં વર્ક ઓર્ડર આપતાની સાથે જ કામગીરી શરૂ થશે. એક વર્ષમાં સ્વાતિ પાર્ક મેઇન રોડ ટનાટન થઇ જશે.