ફરિયાદોનો ધોધ: મશીનરીઓ હાંફી ગઈ: રાજમાર્ગો પર વહેતી ગંદકી: પદાધિકારીઓ મીટીંગોમાં મસ્ત: શહેરીજનો ત્રાહિમામ
રાજકોટ
ગત સપ્તાહે શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે આખા રાજકોટમાં ડ્રેનેજની મેઈન લાઈન ચોકઅપ થઈ ગઈ છે. લાઈનો કલીયર કરવામાં કરોડો ‚પિયાના ખર્ચે વસાવવામાં આવેલી મશીનરીઓ પણ નાકામ નિવડી રહી છે. શહેરભરમાં ડ્રેનેજો ઉભરાતી હોવાનો ધોધ વહી રહ્યો છે છતા મહાપાલિકાના પદાધિકારીઓ મીટીંગો બોલાવવામાં જ મસ્ત છે. શહેરીજનો ઉભરાતી ડ્રેનેજના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. ચાર-ચાર દિવસ સુધી ડ્રેનેજની ફરિયાદો ઉકેલાતી ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગત સપ્તાહે શુક્રવાર અને શનિવારના રોજ રાજકોટમાં એક સામતા પડેલા ૧૮ ઈંચ વરસાદમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે લોકોએ ડ્રેનેજના મેઈન હોલના ઢાંકણાઓ ખોલી વરસાદી પાણીનો તેમાં નિકાલ કરવામાં આવતા ધુળ સહિતનો કચરો ડ્રેનેજ લાઈનમાં ફસાઈ ગયો છે. જેના કારણે શહેરના ૮૦ ટકાથી વધુ વિસ્તારોમાં ડ્રેનેજની મેઈન લાઈન ચોકઅપ થઈ ગઈ છે. મેઈન લાઈન ૮ થી ૧૦ ફુટ ઉંડી હોય છે અને તેને સાફ કરવા માટે થવું ફરજીયાત છે. પાણી ઉતર્યા બાદ જ આ લાઈન સાફ કરવા માટે માણસ કે મશીનરી મેઈન હોલમાં ઉતારી શકાય છે. હાલ ભારે વરસાદના કારણે ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ ગઈ હોવાના કારણે પુરતા પ્રમાણમાં થતું નથી. આટલું જ નહીં ડ્રેનેજ લાઈનનું પાણી બહાર કાઢવામાં આવે તો અંદરથી જમીનમાંથી પાણી નિકળે છે. જેના કારણે સમસ્યાનો નિકાલ આવતો નથી અનેક જગ્યાએ બબ્બે ત્રણ-ત્રણ પંપ મુકી પાણી ઉલેચવામાં આવે છે પરંતુ હવે મશીનની પણ કેપેસીટી પુરી થઈ ગઈ છે અને મશીનો પણ હાંફી ગયા છે. શહેરભરમાં ડ્રેનેજ અંગેની ફરિયાદોનો ધોધ છુટી રહ્યો છે. છતાં કોઈ અસરકારક કામગીરી કરવાને બદલે મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ મીટીંગ બોલાવવામાં જ મસ્ત છે. કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક ફિલ્ડમાં રહી ડ્રેનેજની ફરિયાદનો નિકાલ કરવા માટેની કામગીરી કરે છે પરંતુ મેઈન લાઈનમાં જેટીંગ મશીન ઉતારી જે લાઈન ચોકઅપ થઈ છે તે કલીયર કરાવ્યા વિના સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય તેવું નથી. ચાર-ચાર દિવસ પહેલા ડ્રેનેજ અંગે નોંધાયેલી ફરિયાદો હજી હલ ન થતા લોકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડ્રેનેજના ગંધાતા પાણી હાલ રાજમાર્ગો પર વહી રહ્યા છે. આટલું જ નહીં ઘરના ડ્રેનેજ કનેકશનમાં પાણીનો પણ વ્યવસ્થિત નિકાલ ન થતો હોવાના કારણે ઘરના ડ્રેનેજ કનેકશન પણ હાલ ભારે દુર્ગંધ મારી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ડ્રેનેજના પાણી પાછા ફરી ઘરમાં આવી રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. હાલ ત્રણેય ઝોનમાં મુખ્યત્વે ડ્રેનેજની ફરિયાદનો ઝડપી નિકાલ કરવા માટે તંત્ર ધંધે લાગ્યું છે.