ઢેબર રોડ પર કોર્પોરેશન બેંક પાસે બાકી વેરો વસુલવા સીલીંગની કાર્યવાહી કરાતા ‚ા.૫૨ લાખની વસુલાત: વાવડીમાં ૧૬૨ અને કોઠારીયામાં ૩૮ બાકીદારોએ ભર્યો વેરો

નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા જોરશોરથી ટેકસ રીકવરીની કામગીરી શ‚ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા બાકી વેરો વસુલવા જયુબેલી શાકમાર્કેટ પાસે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું એટીએમ સીલ કરી દેવામાં આવ્યું હતું. જયારે ભુપેન્દ્ર રોડ પર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની શાખાને સીલ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત શહેરના વોર્ડ નં.૭માં ભુપેન્દ્ર રોડ પર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી રૂ.૧ કરોડ ૭૧ હજારનો બાકી વેરો વસુલવા સવારે ૧૧:૫૦ કલાકે બેંકની બ્રાંચને સીલ કરી દેવામાં આવી હતી. જયારે જયુબેલી શાકમાર્કેટ પાસે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી રૂ.૧.૮૯ કરોડનો બાકી વેરો વસુલવા બેંકનું એટીએમ સીલ કરાયું છે.

ઢેબર રોડ પર કોર્પોરેશન બેંક પાસેથી બાકી માંગણાની રકમ વસુલવા માટે સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા રૂ.૫૨ લાખની વસુલાત થવા પામી છે. અન્ય બે બેંક પાસેથી ૧૭ લાખ અને સરકારી યુનિટ પાસેથી ૪૦ લાખની વસુલાત થઈ છે. આજે સેન્ટ્રલ ઝોનમાં ૪ મિલકતો સીલ કરાઈ હતી અને ૧૧ને નોટીસ ફટકારવામાં આવી છે.

વેસ્ટ ઝોનમાં વાવડી વિસ્તારમાં આજે ૧૬૨ અરજદારોએ વેરા પેટે રૂ.૪૨.૫૦ લાખ જમા કરાવ્યા છે. વીટીએલ ટાવર અને પીજીવીસીએલ બાકી વેરો ભરપાઈ કરી દીધો હતો. ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૮માં કોઠારીયા વિસ્તારમાં ૩૮ બાકીદારોની મિલકત સીલ કરાતા રૂ.૩૦ લાખની જયારે વોર્ડ નં.૪,૫,૬,૧૫ અને ૧૬માં ૨૨ મિલકતોની સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા ૩૩ લાખની વસુલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.