સ્માર્ટ સિટીના દાવા પોકળ: અધિકારીઓ અને ડ્રેનેજ કોન્ટ્રાકટરની મીલી ભગતના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત
એક તરફ રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી બનવાના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ શહેરના ગોકુલધામ વિસ્તારમાં ડ્રેનેજના ગંધાતા પાણી બે-બે કિલોમીટર સુધી વહી રહ્યા હોવા છતાં ડ્રેનેજની ઉભરાતી કુંડીઓ સાફ કરવાની તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવતી નથી. જેના કારણે વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નિકળે તેવી પણ દહેશત જણાઈ રહી છે.
ડ્રેનેજની ફરિયાદોના નિકાલ માટે મહાપાલિકા દ્વારા તગડી ઓન સાથે કોન્ટ્રાકટ આપવામાં આવે છે પરંતુ અધિકારીઓ અને શાસકો જાણે ડ્રેનેજના કોન્ટ્રાકટરોને છાવરી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના વોર્ડ નં.૧૩માં ગોકુલધામ રોડ પર ડ્રેનેજના ગંધાતા પાણી બે-બે કિલોમીટર સુધી પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે અનેકવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં મહાપાલિકા તંત્ર કે કોન્ટ્રાકટર દ્વારા લોકોને ડ્રેનેજના ગંધાતા પાણીમાંથી મુકિત આપવા માટે કોઈપણ જાતની તસ્દી લેવામાં આવતી નથી.
તંત્રએ જાણે ઉનાળાની સીઝનમાં ઘેર-ઘેર સ્વિમીંગપુલ બનાવી આપવાનું અભિયાન ઉપાડયું હોય તેમ ડ્રેનેજના પાણી લોકોના ઘર પાસે ભરાઈ રહ્યા છે. આ અંગે વોર્ડ નં.૧૩ના જાગૃત કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે અધિકારીઓને રજુઆત કરી હોવા છતાં તેનું કોઈ જ પરીણામ આવ્યું નથી.