અરૂણાચલ પ્રદેશની સરહદમાં ઘુસી ચીને ૧.૨૫ કિ.મી. જેવડો રોડ બનાવી નાખ્યો !
ભારતની સીમામાં અવાર-નવાર ઘુસપેઠ કરીને ક્ષેત્ર પચાવવાનો પ્રયાસ કરવાનો ચીનનો લુચ્ચો પ્રયાસ ઝડપાઈ ગયો છે. અરૂણાચલ પ્રદેશના તુતીંગ વિસ્તારમાં ચીનના સૈન્યએ સરહદ ઓળંગીને ૧.૫ કિ.મી. અંદર રોડ બાંધવાનું કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું છે. અલબત આ કારસ્તાનને સૈન્યએ અટકાવી દીધું છે.
આઈટીબીટીના જવાનોએ અરૂણાચલ પ્રદેશમાં માર્ગ બાંધવાની ચીનના પ્રયાસને અટકાવ્યો હતો. ત્યારબાદ ચીનના સૈનીકો માર્ગ બનાવવાના સાધનો સ્થળ પર છોડી ચાલ્યા ગયા હતા. આ સ્થળે માર્ગ કાચા છે. પ્રધાનમંત્રી યોજના હેઠળ કોઈ ગામમાં માર્ગ બનાવવો હોય તો ગામની વસ્તી ઓછામાં ઓછી ૧૦૦ હોવી જરૂરી છે. ગામમાં માત્ર ૧૬ પરિવારો જ રહે છે. પરિણામે વિસ્તારમાં માર્ગ બનાવવા માટે અધિકારીઓ પોલીસીથી બંધાયેલા હોવાનું બહાનું આગળ ધરી દે છે.
અ‚ણાચલ પ્રદેશમાં જે સ્થળે ચીન દ્વારા માર્ગ નિર્માણ માટે પ્રયાસ કરાયો હતો તે સ્થળ ભૌગોલીક રીતે ખૂબજ અટપટુ અને મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. હાલ આ સ્થળે આઈટીબીટીના જવાનો મોરચો સંભાળી રહ્યાં છે. ચીને ૧.૨૫ કિ.મી. લાંબો માર્ગ ભારતીય સરહદની અંદર બાંધી લીધો હોવાનો ઘટસ્ફોટ થયા બાદ સરકાર સફાળી જાગી ગઈ છે.
ભારતીય સરહદમાં ચીન અવાર-નવાર ઘુસણખોરીનું કારસ્તાન કરતું આવ્યું છે. એક વર્ષ પહેલા જ ડોકલામ વિવાદ સમયે બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તંગદીલી જોવા મળી હતી. બન્ને દેશોએ સૈન્ય ગોઠવ્યું હતું. ભારત અને ચીન વચ્ચે નાનુ છમકલુ થઈ જાય તેવા પણ એંધાણ હતા. ત્યારબાદ બન્ને દેશોના વડાઓએ મામલો સમાધાન સુધી પહોંચાડયો હતો. અલબત અરૂણાચલ પ્રદેશ પર દાવેદારી ઠોકતુ ચીન ફરીથી ત્યાં ઘુસપેઠ કરી રહ્યું છે. જે ખૂબજ ચિંતાનો વિષય સરકાર માટે બની ગયો છે.