ભારતની સરહદીય સુરક્ષા માટે અફઘાનિસ્તાનની ભૂમિ વ્યૂહાત્મક રીતે ભારત માટે ખુબજ ઉપયોગી છે. અત્યારે ધણીધોરી વગરના બની રહેલા અફઘાનિસ્તાનમાં તાલીબાનોના ઉપદ્રવથી ધમરોળાયેલો આખો પ્રદેશ હવે અમેરિકા અને નાટોના સૈન્યથી પણ ખાલી થવાનું છે ત્યારે તાલીબાનોને છુટોદોર મળવાની પરિસ્થિતિમાં ભારત માટે હવે સાવચેતીના દિવસો આવી ગયા છે. અત્યાર સુધી તાલીબાનોને પડખામાં લેનારા ચીનને પણ જાણે કે બ્રહ્મજ્ઞાન લાદ્યુ હોય તેમ અફઘાનિસ્તાનમાં ડ્રેગન શાંતિની વાતો કરવા લાગ્યું છે. ચીનની અફઘાનિસ્તાન પ્રત્યેની રૂચી અને ભૂમિકા વધારવાના પ્રયાસો ભારત માટે મનોમંથનનો વિષય છે. અફઘાનિસ્તાનથી અમેરિકન દળો પાછા જવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે ચીનને એકાએક અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપનાની ચળ ઉઠી છે. આ જ ચીન અગાઉ તાલીબાનોને પડખામાં લેવાની રૂચી ધરાવતું હતું. હવે પ્રથમવાર ચીનનું વલણ અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના માટે ઉજાગર થયું છે. બેઈઝીંગ સત્તાવાળાઓએ અફઘાનિસ્તાનમાં પુન: શાંતિની સ્થાપના થઈ જાય તે માટે ચીનની કોઈપણ ભૂમિકા માટે તૈયારી દર્શાવી છે.
રાજદ્વારી રીતે ભારત માટે ચીનની આ બાજી પર સતત નજર રાખવી જરૂરી છે. કેમ કે, ચીન સંપૂર્ણપણે પાકિસ્તાનના સમર્થનમાં છે અને પાકિસ્તાનનો પ્રભાવ અફઘાનિસ્તાનમાં રહે તે માટે ચીનનું વલણ હોય તે સ્વાભાવિક છે તેવા સંજોગોમાં અફઘાનિસ્તાનના આંતર માળખાકીય વિકાસ માટે કરોડો ડોલરનું મુડી રોકાણ કરનાર ભારત માટે અફઘાનિસ્તાનમાં મૈત્રીભર્યું વાતાવરણ અનિવાર્ય બન્યું છે.
નવીદિલ્હીના સત્તાવાળાઓ અફઘાનિસ્તાનને ખાસ મિત્ર રાષ્ટ્રનો દરજ્જો આપી ચૂક્યા છે તેવા સંજોગોમાં ભારત માટે શત્રુ ગણાતા ચીન અને પાકિસ્તાનનો પ્રભાવ અફઘાનિસ્તાનમાં વધે તે ભારતના હિતમાં નથી. અફઘાનિસ્તાનને બેઠુ કરવા માટે ભારત અનેકવિધ ક્ષેત્રોમાં કરોડો ડોલરનું રોકાણ કરી એક બાદ એક પરિયોજનાઓ આગળ વધારી રહી છે ત્યારે ભારત માટે પણ અફઘાનિસ્તાનની શાંતિની સ્થાપના માટેની મહત્વની ભૂમિકા ઉભી થઈ છે. 2018-19માં ભારત અને ચીને અફઘાનિસ્તાનના વિકાસ માટે વુહાન ખાતે એક મંત્રણા કરી હતી પરંતુ 2019 સુધીમાં તેમાં કોઈ પ્રગતિ થઈ નહોતી પરંતુ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની સમાપ્તીને લઈ ચીનના પેટમાં ચૂક ઉપડી હતી અને ભારત સાથે અણગમો વ્હોરી લીધો હતો.
અફઘાનિસ્તાનમાં વિવિધ ક્ષેત્રના વિકાસ માટે ભારતે 3 બીલીયન ડોલરનું રોકાણ કર્યું છે. અફઘાનિસ્તાનમાં ભારતના સહયોગથી વિકાસને એક નવી દિશા મળી છે. 2018-19માં ચીને પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ કાશ્મીરની ઘટના બાદ તેનું વલણ બદલાયું હતું. હવે અમેરિકા, રશિયા, ફ્રાન્સના પ્રયાસોમાં ચીન પણ મેદાનમાં આવ્યું છે.
તાજેતરમાં અફઘાનિસ્તાનના મહમદ હનીફ અતમારે ગઈકાલે સોમવારે ચીનના વાંગ ઈ સાથે ટેલીફોનિક ચર્ચા કરી હતી. બીજી તરફ અફઘાનિસ્તાનના વમીદ ઉલ્લા મોહીને પણ ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એક યાદીમાં બેઈઝીંગ અને કાબુલ વચ્ચે શાંતિની સમગ્ર પ્રદેશમાં સ્થાપના થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. અમેરિકા પોતાના દળો અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનું મન મનાવી ચૂક્યું છે. સપ્ટેમ્બર મહિના સુધીમાં બાકી રહેલા 2500 થી 3500 સૈનિકો પાછા ખેંચાઈ જશે ત્યારે રેઢાપટ જેવા અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ ઉભો કરવા ચીને દાણો દબાવી દીધો છે. ભારત માટે વ્યૂહાત્મક રીતે ખુબજ અગત્યનું અફઘાનિસ્તાન ભારતના શત્રુના હાથમાં ન જવું જોઈએ. અફઘાનિસ્તાન સરહદ માટે ભારત વિરોધી તત્ત્વો ભારતની ચિંતાનો વિષય બની શકે છે. અમેરિકા હવે અફઘાનિસ્તાન છોડી રહ્યું છે ત્યારે ચીનનો અફઘાનિસ્તાન પર ડોળો છે. અફઘાનિસ્તાનના ઘણા ક્ષેત્રોમાં ભારતનું બાંધકામ ચાલી રહ્યું છે. ચીન ક્યારેય લાભ વગર રસ જ ન લે. રેઢા પટ જેવા અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવા ચીનના પેટમાં સડવડાટ ઉભો થયો છે. ત્યારે ભારત માટે સજાગ થવું અનિવાર્ય બન્યું છે.
લદ્દાખને હિમાચલ સાથે જોડતી ટનલ ટૂંક સમયમાં જ થઈ જશે તૈયાર
લદ્દાખ અને લેહના સરહદીય વિસ્તારોમાં વિષમ વાતાવરણના કારણે વર્ષમાં મોટો ભાગનો સમય શેષ વિશ્ર્વથી સમગ્ર વિસ્તાર સંપર્ક વિહોણુ બની જાય છે. હવે લેહ અને લદ્દાખના વિસ્તારોમાં બારે મહિના સંપર્ક શરૂ રહે તેવા દિવસો દૂર નથી. સરકાર દ્વારા સિન્કુન લાપાસ વિસ્તારમાં લદ્દાખ અને હિમાચલ પ્રદેશ વચ્ચે જોડતી સુરંગનું કામ પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. સરકાર પાસે આવેલી બે પરિયોજનાઓમાંથી એકમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અને રાષ્ટ્રીય ધોરી માર્ગ વિકાસ કોર્પોરેશનની દરખાસ્તોમાં ડીઆરઓ પાસે 4.25 કિ.મી. અને એન.એચ.આડી.ની. 12.7 કિ.મી.ની ટનલ બનાવવાનો પ્રસ્તાવ આવ્યો છે. સુરક્ષા મંત્રાલયે બન્ને દરખાસ્તને વિચારણામાં લીધી છે. જો કે હજુ કઈ પરિયોજનાને અમલીય બનાવવી તે નિર્ણય કરવામાં આવ્યો નથી પરંતુ સિંકુલાપાસ, લદ્દાખ અને હિમાચલપ્રદેશને જોડતી કોઈપણ એક ટનલ ચાલુ કરવામાં આવશે. આ ટનલ શરૂ થઈ જતાં ચીન સરહદ પરનો લેહ અને લદ્દાખનો વિસ્તાર હિમાચલ પ્રદેશ સાથે જોડાઈ જશે. ડી.આર.ઓ. દ્વારા અગાઉ નિમુ પદમ દાલચાની મનાલીથી લેહ સુધીની પરિયોજનાની દરખાસ્ત મુકવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં જ લદ્દાખ અને હિમાચલપ્રદેશને જોડતી આ ટનલનું નિર્માણ થશે તો લદ્દાખ અને લેહનું બારે મહિના સંપર્ક શક્ય બનશે.