ભારતનું દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફનું પગલું ચીનને ધકેલી રહ્યું છે પાછળ

ભારત આત્મનિર્ભરતાના પંથે આગેકૂચ કરી રહ્યું છે. જેમ જેમ આ પંથ ઉપર ભારતની ગતિ વધી રહી છે. તેમ તેમ ચીનની વૈશ્વિક માર્કેટમાંથી પીછેહટ થઈ રહી છે. ખાસ કરીને એપના બિઝનેસમાં ભારતના મોટાભાગના યુઝર્સને ચાઈનાએ તેના ચક્રવ્યૂમાં સમેટી લીધા હતા. પણ ભારતે આવા એપ બેન કરી યુઝર્સને તેના ચક્રવ્યૂમાંથી છોડાવ્યા છે. ઉપરાંત બેન થયેલા એપના વિકલ્પ પણ ભારતે જ મૂકીને ચાઇનના એપની ગરજ સારી છે.

છેલ્લા 2 વર્ષમાં ભારતે ચીનના 300 જેટલા એપ બેન કર્યા છે. જેના કારણે ચીનને મોટી લપડાક લાગી હતી. અધૂરામાં પૂરું ભારતના વિકલ્પોએ ચીની એપનું સ્થાન લઈ લેતા ચીનના પેટમાં તેલ રેડાયું છે. ભારતે આત્મનિર્ભર બનવા વર્ષો પહેલાથી ઝુંબેશ શરૂ કરી છે. ખાસ કરીને દુશ્મનને પોષતા એવા ચાઈનાની વસ્તુઓ વાપરી ભારત જ તેને આર્થિક રીતે મજબૂત કરી રહ્યું હતું. તેઓ ભારતમાંથી પૈસા કમાઈને તે પૈસાની લ્હાણી દુશ્મન દેશને કરતું હતું. પણ ભારતના આત્મનિર્ભર બનવાના પગલાંએ ચાઈનાને ધોબી પછાડ આપી છે.

ભારતમાં હવે ચાઈનીઝ વસ્તુઓનો વપરાશ મોટા પ્રમાણમાં ઘટી ગયો છે. ખાસ કરીને ચાઈનીઝ એપનો ઉપયોગ તો નહિવત જેવો જ થઈ ગયો છે. સામે ભારતનાં એપ માર્કેટને તેનો ભરપૂર લાભ મળ્યો છે. બીજા ક્ષેત્રોમાં વાત કરીએ તો ઘણા ક્ષેત્રોમાં અનેક દેશોએ ચીનની ચાલબાઝીથી કંટાળી ચીની પ્રોડક્ટ ઉપર એન્ટી ડમપિંગ ડ્યુટી લાદી છે. જેનો લાભ પણ ભારતની પ્રોડક્ટને મળી રહ્યો છે. ચીન અને ભારત અનેક ક્ષેત્રોમાં કટ્ટર હરીફ રહ્યા છે. ત્યારે વૈશ્વિક માર્કેટમાં ચીનની બાદબાકીથી ફાયદો ભારતને જ થવાનો છે.

બીજું કે ભારતનું અર્થતંત્ર અત્યારે પૂરબહારમાં ખીલેલુ છે. સામે ચાઇનાનું અર્થતંત્ર ડગુમગુ હાલતમાં છે. ચીન ભારતની પ્રગતિ જોઈ શકતું ન હોય ભારતના અર્થતંત્રને ડગાવવા માટે રોડા નાખી રહ્યું છે. એક અંદાજ મુજબ ચીન આ કારણોસર જ સરહદે ફંફાડા મારી પોતાનો રોષ ઠાલવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.