પાકિસ્તાનને ચીનનો ‘ઠેંગો’
ઈમરાનખાનનો ચાર દિવસીય ચીન પ્રવાસ એળે ગયો !! છ અરબડોલરની આર્થિક સહાય મુદ્દે કોઈ વાતચીત નહીં !!
દેવામાં ડુબાયેલા પાકિસ્તાનને ચીને ‘ઠેંગો’ માર્યો હોય તેમ વડાપ્રધાન ઈમરાનખાનના પ્રવાસના ચોથા દિવસે પણ ચીન નાણાકીય સહાય મુદ્દે મૌન રહ્યું છે. ડ્રેગનનો ભરોસો પાકિસ્તાનને ભારે પડયો હોય તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન ગત શુક્રવારથી ચીનના પ્રવાસે છે. તેઓએ ચીનના રાષ્ટ્રપતિ શી.જિનપિંગ સાથે મુલાકાત કરી ઘણા મહત્વના મુદ્દે ચર્ચાઓ કરી છે. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ભારત સાથે સંકળાયેલા મુદાઓ પર પણ ઈમરાનખાને શી.જિનપીંગ સાથે મહત્વની ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અત્યાર સુધીમાં પાકને નાણાકીય સહાય પુરી પાડવા પર બંને દેશોના વડા વચ્ચે કોઈ વાતચીત જ થઈ ન હોવાનું પણ જાણવા મળ્યું છે.
પાકિસ્તાન હાલ, વિદેશી ભંડોળની મોટી આર્થિક તંગીમાંથી ગુજરી રહ્યું છે. પાકે સાઉદી અરેબિયા તેમજ ચીન સહિતના કેટલાક દેશો પાસે સહાય માટે ખોળો પાથર્યો હતો. જેના પરીણામ સ્વરૂપ ચીન પાકિસ્તાનને છ અરબ ડોલરની આર્થિક મદદ કરવા પર સહમત થયું હતું પરંતુ અંતમાં ચીને ‘ઠેંગો’ માર્યો હોય તેમ હજુ સુધી ઈમરાન ખાન સાથે કોઈ ચર્ચા કરી નથી.
પાકિસ્તાન આર્થિક તંગીમાંથી બહાર આવવા આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની મદદ લઈ શકે છે પરંતુ રાહત પેકેજ આપવાને લઈ આઈએમએફે પાકિસ્તાન સામે કડક શરતો રાખી છે આથી આઈએમએફ પાસેથી ઓછામાં ઓછી સહાય લેવી પડે અને મિત્ર દેશો પાસેથી જ મોટી સહાય મળી રહે તેવું પાક પીએમ ઈમરાન ખાન ઈચ્છી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા મુજબ મુલાકાત દરમિયાન ઈમરાનખાને શી.જિનપીંગને કહ્યું કે, પાકિસ્તાન સરકાર સમક્ષ મોટી આર્થિક તંગી ઉભી થઈ છે. પાકિસ્તાન હાલ રાજકોષીય ખાદ્ય અને ચાલુ ખાતાની ખાદ્યમાંથી ગુજરી રહ્યું છે જેની સામે શી.જિનપીંગે આશ્વાસન આપતા કહ્યું કે, ચીન પાકિસ્તાન સાથેના પોતાના સંબંધોને રાજનૈતિકરૂપથી પ્રાથમિકતા આપતું આવ્યું છે અને નવી સરકારને પણ સમર્થન આપ્યું છે.