અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમમાં ખુરશી રીપેરીંગ જેવી સામાન્ય બાબતે ચડભડ થતાં વોર્ડ નં.૫નાં ભાજપનાં કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાનાં પતિ અરવિંદ ભેસાણીયાએ ડે.ઈજનેર મહેશ જોષીને ફડાકો ખેંચી લીધો: કર્મચારીઓમાં ભારે રોષ
સતાધારી પક્ષ ભાજપનાં નેતાઓ અને નગરસેવકોની દાદાગીરી દિવસેને દિવસે વધી રહી છે. શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર આવેલા અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમમાં ખુરશી રીપેરીંગની સામાન્ય બાબતે ચડભડ થતાં વોર્ડ નં.૫નાં ભાજપનાં કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાનાં પતિદેવ અરવિંદ ભેસાણીયાએ વોર્ડનાં ડે.ઈજેનર મહેશ જોષીને ફડાકા ઝીંકી દેતા કોર્પોરેશનનાં કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. કર્મચારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને ઉગ્ર રજુઆત કરાયા બાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવમાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.૫નાં ભાજપનાં કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાનાં પતિદેવ અરવિંદભાઈ ભેંસાણીયાએ પુષ્ટિ પંચામૃત મહોત્સવ ધાર્મિક કાર્યક્રમ માટે ૧૪ જુનથી ૧૬ જુન દરમિયાન અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમ બુક કરાવ્યું છે. અહીં ઓડિટોરીયમમાં ખુરશી તુટેલી હોવાનાં કારણે તેઓએ ૧૦ દિવસ પૂર્વે વોર્ડનાં ડે.ઈજનેર મહેશ જોષીને ખુરશી રીપેરીંગ કરાવવા માટે જણાવ્યું હતું. દરમિયાન આજ સુધી ખુરશી રીપેરીંગ ન થતાં આજે સવારે અરવિંદ ભેસાણીયા અને ડે.ઈજનેર મહેશ જોષી વચ્ચે ઉગ્ર ચડભડ થઈ હતી. બંને હુકારે-તુકારે અને ગાળાગાળી પર આવી જતાં અરવિંદભાઈએ ડે.ઈજનેર મહેશ જોષીને ફડાકો ઝીંકી દીધો હતો. આ વાત કોર્પોરેશનનાં કર્મચારી આલમમાં વાયુવેગે ફરી વળી હતી. દરમિયાન રોષે ભરાયેલા કર્મચારીઓ આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને ઉગ્ર રજુઆત કરી હતી. કમિશનરને જવાબદાર સામે ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે. વાયુ વાવાઝોડાની અસરનાં કારણે સમગ્ર તંત્રને હાઈ એલર્ટ પર મુકી દેવામાં આવ્યું હોય આજે કર્મચારીઓએ મારમારવાની ઘટના બાદ વિજળીક હડતાલ પાડવાનું મોકુફ રાખ્યું હતું. દરમિયાન અરવિંદ ભેસાણીયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે.
ડેપ્યુટી ઈજનેર જોષી અમારા કામોની ફાઈલો દબાવી રાખે છે: ભેસાણીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન ભાજપનાં નગરસેવિકા દક્ષાબેન ભેસાણીયાનાં પતિદેવ અરવિંદભાઈ ભેસાણીયાએ જણાવ્યું હતું કે, હું ખુરશી રીપેરીંગ અંગે શાંતીથી રજુઆત કરતો હતો દરમિયાન ડે.ઈજનેરે હુંકારા તુંકારા કરતા મારે હાથ ઉપાડવાની જરૂર પડી હતી. ૧૦ દિવસ પહેલા જ ખુરશી રીપેરીંગ માટે રજુઆત કરવામાં આવી હતી છતાં આજ સુધી તેઓએ કોઈ કામગીરી કરી ન હતી. વોર્ડ નં.૫નાં ડે.ઈજનેર મહેશ જોષી છેલ્લાં ઘણા સમયથી અમારા કામોની ફાઈલો દબાવીને રાખે છે. આ વાતથી સિટી ઈજનેર પણ વાકેફ છે. ઓડિટોરીયમમાં ખુરશી તુટેલી હોવાનો વિડીયો પાંચ દિવસ પહેલા જ મેં મેયર, ડે.મેયર, શાસક પક્ષનાં નેતા, ઈસ્ટ ઝોનનાં સિટી ઈજનેર સહિતનાં લોકોને મોકલ્યો હતો. આજે જયારે ફડાકા મારવાની ઘટના બની તે તમામ રેકોર્ડીંગ ઓડિટોરીયમનાં સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલું છે. મહેશ જોષી પણ મને મારવા માટે દોડયા હતા.
એફઆઈઆર બાદ ૨૪ કલાકમાં ધરપકડ કરવા પણ સીપી સાથે વાત કરી છે: મ્યુનિ.કમિશનર
ભાજપનાં નગરસેવિકાનાં પતિએ જે રીતે વોર્ડ નં.૫નાં ડેપ્યુટી ઈજનેર પર હાથ ઉઠાવ્યો છે તે ઘટનાથી ખુદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની લાલઘુમ થઈ ગયા છે. આ ઘટનામાં જવાબદાર સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. કમિશનરે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ ઘટના ખુબ જ ખરાબ છે અને સભ્યતા વિનાનું વર્તન છે. તમામ કામ એક નિયત કરેલી પ્રક્રિયા બાદ જ થતાં હોય છે જો કામ ન થતું હોય તો સીટી ઈજનેર, ડીએમસી, મ્યુનિ.કમિશનર કે પદાધિકારીઓને રજુઆત કરવી જોઈએ. કોઈ કર્મચારી પર હાથ ઉઠાવવો તે ખુબ જ ખરાબ વાત છે. આ ઘટના સંદર્ભે મેં પોલીસ કમિશનર સાથે પણ વાત કરી છે અને એફઆઈઆર બાદ ૨૪ કલાકમાં જ જવાબદારીનો ધરપકડ કરવા જણાવ્યું છે.