રાષ્ટ્રીય કામધેનુ આયોગના અઘ્યક્ષ ડો. વલ્લભ કથીરીયા બનાસ ડેરી અને દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે
રાષ્ટ્રીય કામધેનુ આયોગ, નવી દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી ડો. વલ્લભભાઇ કથીરિયાએ બનાસકાંઠા જિલ્લાની એક દિવસની મુલાકાત દરમ્યાન એશીયાની નંબર વન બનાસ
ડેરી અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. બનાસ ડેરીની મુલાકાત દરમ્યાન આયોગના અધ્યક્ષશ્રી ડો. વલ્લભભાઇ કથીરિયાએ બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી સાથે યુ.એસ.ટી. પ્લાન્ટ , ચીઝ પ્લાન્ટ સહિત ડેરીના વિવિધ પ્લાન્ટોની મુલાકાત લઈ ડેરીના વિકાસની વિગતો મેળવી હતી. પાલનપુર બનાસ ડેરી ખાતે યોજાયેલ
બેઠકમાં આયોગના અધ્યક્ષશ્રી ડો. વલ્લભભાઇ કથીરિયાએ બનાસકાંઠા જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓની સરાહના કરતાં જણાવ્યું કે, બનાસ ડેરીનું સહકારી માળખું સમગ્ર દેશ માટે
રોલ મોડેલ અને પ્રેરણારૂપ છે. તેમણે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવામાં બનાસ ડેરીનું બહુ મહત્વનું યોગદાન છે. દેશી ગાયોના સંવર્ધન માટે કરવામાં આવી રહેલી ડેરીઓની પ્રવૃત્તિઓની તેમણે પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીના કર્તવ્યનિષ્ઠ અને વિઝનરી નેતૃત્વના કારણે બનાસ ડેરી ખુબ ઝડપથી પ્રગતિના સોપાનો સર કરી રહી છે. આયોગના અધ્યક્ષશ્રીએ ગૌશાળાઓ સાથે એમ.ઓ.યુ. કરવા અને ગોબર ગેસ પ્લાન્ટની સ્થાપના કરવા જણાવ્યું હતું. ગોબર અને ગૌમૂત્રમાંથી ખેડુતો પૂરક આવક મેળવી શકે તેવી વ્યવસ્થા વિકસાવવા પણ તેમણે કહ્યું હતું. ગાયના ગોબરમાંથી ગણેશજીની મૂર્તિ બનવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારાઆંકડાઓ સાથે બનાસ ડેરીની વિકાસયાત્રાની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સાથ અને સહકારથી દેશી ગાયોના સંવર્ધનનું કામ બનાસ ડેરી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેમાં ખુબ સારી સફળતા પણ મળી છે. તેમણે કહ્યું કે, દેશમાં દેશી ગાયોની સંખ્યા ઘટી રહી છે તેવા સમયે બનાસકાંઠા જિલ્લામાં દેશી કાંકરેજી ગાયોની સંખ્યામાં વધારો થયો છે. ચેરમેનશ્રીએ કહ્યું કે, બનાસ ડેરી થકી ગાયનું સંવર્ધન હાથ ધરાતા હવે જિલ્લામાં ૨૬ લીટર દૂધ આપનારી દેશી ગાયો પણ ઉપલબ્ધછે. બનાસ ડેરીની દૂધ સંપાદન ઉપરાંત બટકા પ્રોડક્ટ, હની (મધ) પ્લાન્ટ,બનાસનું નવરસ તેલ, બાયોગેસ પ્લાન્ટ, ૨૪૦ જેટલાં વેટર્નરી ડોકટરો દ્વારા પશુઓને અપાતી સારવાર, પશુઓની ઓલાદ સુધારણા માટે સીમેન સેન્ટર, પશુઓના દાણ માટેના કેટલ પ્લાન્ટ,વૃક્ષારોપણ, બનાસ ડેરી સંચાલિત ૨૦૦ બેડની બનાસ મેડીકલ કોલેજ, દિયોદરતાલુકાના સણાદર ખાતે આકાર પામી રહેલા ડેરીના નવા પ્લાન્ટ સહિત ડેરીદ્વારા કરવામાં આવી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની તેમણે વિગતવાર માહિતીઆપી હતી. તેમણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયેલ નવા સંશોધનો અંગેની પણ જાણકારી મેળવી યુનિવર્સિટીના કાર્યને બિરદાવ્યું હતું. બનાસ ડેરીની મુલાકાત પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા, બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી માવજીભાઇ દેસાઇ, બનાસ
બેંકના ચેરમેનશ્રી એમ.એલ.ચૌધરી, ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી સર્વશ્રી અણદાભાઇ પટેલ, શ્રી પી.જે.ચૌધરી, શ્રી ભાવાઇ રબારી, શ્રી ફલજીભાઇ પટેલ, એમ.ડી. શ્રી કામરાજભાઈ ચૌધરી સહિત ડેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.