કોરોના કેસમાં ઉછાળો આવતા નોડલ ડો. રાહુલ ગુપ્તાની રાજકોટમાં રી એન્ટ્રી, જિલ્લા કલેકટર સાથે મળી તમામ અધિકારીઓ સાથે બેઠક
કોરોનાના કેસો ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસો : 60થી વધુ ઉંમર ધરાવતા હજુ મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લેવામાં બાકી, તમામને રસી લેવા અનુરોધ
કોરોનાના કેસોમાં જબરો ઉછાળો નોંધાતા નોડલ અધિકારી ડો. રાહુલ ગુપ્તાની રાજકોટમાં રીએન્ટ્રી થઈ છે.
તેઓ દ્વારા આજે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કલેકટર તંત્ર દ્વારા વેકસીનેશનની સાઈટો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાએ બ્રેક લીધા બાદ કેસોમાં વધારો નોંધાયો છે.
જેને પગલે કલેકટર તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આજે નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા રાજકોટ દોડી આવ્યા છે અને તાકીદે જિલ્લાભરના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. ઉપરાંત હવે ગાઈડલાઈનની કડક અમલવારી કરાવવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.
કોરોના નિયંત્રણ માટે જિલ્લામાં નોડલ ઓફિસર તરીકે કાર્યરત ડો. રાહુલ ગુપ્તા આજે ફરી રાજકોટ આવ્યા છે. અહીં આવતા વેંત તેઓએ જિલ્લા કલેકટર રેમ્યા મોહન સાથે મળીને જિલ્લાભરના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિકારીઓ દ્વારા નક્કી કરાયા મુજબ હવે વેકસીનેશન સાઇટ વધારવામાં આવશે. હાલ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મોટી સંખ્યામાં લોકોએ હજુ કોરોના વેકસીન લીધી નથી. પણ હવે તે લોકો જરૂરથી વેકસીન લ્યે તેવા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવશે. હાલ સાઈટ વધારવા માટે લોકેશનો શોધવામાં આવી રહ્યા છે. શાળા કોલેજો અને કોમ્યુનિટી હોલની પસંદગી કરી ત્યાં વેકસીનેશનની વ્યવસ્થા ગોઠવવાનું આયોજન ઘડાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડો. રાહુલ ગુપ્તાએ આજે કોરોના સેન્ટરની પણ મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
લોકોએ હવે ચુસ્ત રીતે તકેદારી રાખવી પડશે : ડો. રાહુલ ગુપ્તા
નોડલ ઑફિસર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે રાજકોટમાં કોરોનાના કેસો વધ્યા છે. સામે તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે. લોકોએ ડરવાની જરૂર નથી. પણ હવે અગાઉ જે ભૂલો થઈ છે તે ભુલોનું પુનરાવર્તન કરવાનું નથી.લોકોએ ચુસ્તરીતે તકેદારી રાખવી હવે અનિવાર્ય છે. આજરોજ વિવિધ અધિકારીઓ સાથે કોરોનાના વધતા કેસ સંદર્ભે બેઠક યોજવામાં આવી છે. જેમાં અધિકારીઓએ વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી છે. આ મુદ્દે રાજ્ય સરકાર સાથે પણ જરૂરી ચર્ચાઓ કરવામાં આવશે.
કોરોનાના કેસ વધ્યા, પણ હોસ્પિટલાઈઝ દર્દીઓની સંખ્યા નથી વધી : કલેકટર રેમ્યા મોહન
જિલ્લા કલેકટર રેમ્યા મોહને એવું જણાવ્યું હતું કે આ વખતે બેનિફિટ એ છે કે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તમામ વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે. અગાઉ જ્યારે કોરોના નવો હતો. ત્યારે વ્યવસ્થા ગોઠવવામાં સમય લાગે તેમ હતો. પણ હવે તમામ વ્યવસ્થાઓ અગાઉથી જ ઉપલબ્ધ છે. હાલ રાજકોટ જિલ્લામાં કેસો વધ્યા છે. પણ હોસ્પિટલાઈઝ થતા દર્દીઓની સંખ્યા વધી નથી. સિવિલ હોસ્પિટલમાં 590 બેડ છે.જેમાંથી 66 બેડ જ ઉપયોગમાં લેવાયા છે. અંતમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે રાજકોટ સમરસ હોસ્ટેલ હાલ કોવિડ માટે ઉપયોગમાં નહિ લેવાય. આગામી દિવસોમાં જો જરૂર પડશે તો તે અંગે વિચારણા હાથ ધરાશે.