સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે ત્યારે કોલેજોનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.શહેરની કણસાગરા કોલેજના આચાર્ય ડો. રાજેશ કાલરિયાની આચાર્ય તરીકેની માન્યતા રદ કરવા અને ફોજદારી કાર્યવાહી કરવા કુંડલિયા કોલેજના પ્રોફેસર ડો. રતિલાલ ડોબરિયાએ સીએમઓમાં ફરિયાદ કરી છે.

કુંડલીયા કોલેજના પ્રોફેસર ડોબરિયાએ ડો. કાલરિયા સામે લેખિત ફરિયાદ કરી છે,
આ ચર્ચાએ શિક્ષણ વિભાગમાં અનેક સવાલો ઉઠાવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સીધી રજૂઆત કરવા માટે વોટ્સએપ નંબરની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રોફેસર ડોબરિયાએ ડો. કાલરિયા સામે લેખિત ફરિયાદ કરી છે. બીજી બાજુ ડો.રાજેશ કાલરિયાએ આ અંગે અગાઉ પણ ફરિયાદ થયા બાદ યુનિવર્સિટીએ તપાસ કરી હતી અને નિયમ મુજબ જ ભરતી થયાનું બહાર આવ્યું હતું આ અંગે શિક્ષણ વિભાગને પણ જાણ કરી હતી.

 

કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી નહીં મળતા રાગદ્વેષમાં

ડો. ડોબરીયા અવાર નવાર ફરિયાદો કરી રહ્યા છે: ડો. રાજેશ કાલરીયા

આ અંગે ડો. રાજેશ કાલરિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડો. ડોબરિયાએ અગાઉ પણ મારા વિરુદ્ધ યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી, જે-તે સમયે તપાસ પણ થઇ હતી જેમાં મને ક્લિનચીટ મળી હતી. આ તપાસનો રિપોર્ટ શિક્ષણ વિભાગને પણ મોકલ્યો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ કરી હતી તેમાં પણ કોઈ તથ્ય નહીં હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ તેઓને કણસાગરા કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી નહીં મળતા રાગદ્વેષમાં છેલ્લા કેટલાક સમયથી આવી ફરિયાદો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ડો. ડોબરીયાએ જે મારી લાયકાત અને વગ અંગે આક્ષેપ કર્યો છે તે તેમની અજ્ઞાનતાને આધીન છે. મેં એમ.એસ.ડબ્લ્યુ.ની ડીગ્રી મેળવી છે તે વાત સાચી છે પરંતુ સામાજિક વિજ્ઞાન અને સોશ્યલ વર્ક બંને એકબીજા સાથે જોડાયેલા વિષયો છે તેથી તેને અલગ ગણી જ શકાય નહીં. મને પાલનપુરમાં નોકરી મળી અને ત્યાં મેં હિન્દી, અંગ્રેજી અને ઇતિહાસ વિષયોનો અભ્યાસ કરાવ્યો તેવું મેં અનુભવના પ્રમાણપત્રમાં લખ્યું છે પણ કોલેજોમાં એવું બિલકુલ હોતું નથી કે, મારી પાસે એમ.એસ.ડબ્લ્યુ.ની ડીગ્રી છે તો હું અન્ય કોઈ વિષ્યનો અભ્યાસ કરાવી ન શકું. ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે, મારી વગને આધારે મેં નિમણુંક મેળવી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે પણ વગ અને મિત્રતાને સાચવવા કોઈ યુજીસીના નિયમોનું ઉલ્લંઘન ન કરે તે બાબત તેમણે સમજવી જોઈએ. તેમણે અંતમાં કહ્યું હતું કે, જો મુખ્યમંત્રી કાર્યાલયથી મને જવાબ આપવા આદેશ કરવામાં આવશે તો હું ચોક્કસ મારો પક્ષ મુકીશ અને તેનાથી મને કોઈ જ વાંધો નથી.

ખોટા પ્રમાણપત્રો ઊભા કરી કાલરીયાએ ગંભીર ગુનો આચર્યા:  ડો. રતિલાલ ડોબરીયા

Screenshot 4 11

ડો. રતિલાલ ડોબરિયાએ ફરિયાદ વિશે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સીએમઓમાં મેં ગઈકાલે ફરિયાદ કરી છે પરંતુ આજથી પાંચ વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડો. નીતિન પેથાણીને ફરિયાદ કરી હતી પરંતુ ત્યાંથી મને ઉડાઉ જવાબ મળી હતી. ત્યારબાદ શિક્ષણ વિભાગના સચિવને ફરિયાદ કરી પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહિ. ત્યારબાદ મેં રાજકોટ પોલીસ કમિશ્નરને ખોટા દસ્તાવેજો ઉભા કરવા બદલ ફરિયાદ કરી હતી પરંતુ તેમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ અને ફરિયાદ પણ લેવામાં આવી નહિ. ત્યારબાદ મેં સીએમઓમાં ફરિયાદ દાખલ કરી છે.

તેમણે કહ્યું હતું કે, ડો. રાજેશ કાલરિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક ઓફિસર તરીકે ખોટા પ્રમાણપત્ર ઊભા કરીને નોકરી મેળવ્યા બાદ લાયકાત ન હોવા છતાં બીજા પ્રમાણપત્રો ઊભા કરીને પ્રિન્સિપાલ તરીકે નોકરી મેળવી છે. તેઓ જે વિષયના સ્નાતક, અનુસ્નાતક છે તે વિષય કોલેજમાં ચાલતો નહીં હોવા છતાં ખોટું રેકોર્ડ ઊભું કરીને આચાર્ય તરીકે નોકરી મેળવી છે. અનુભવના સર્ટિફિકેટથી માંડી કણસાગરા કોલેજ સુધીમાં નિમણુંક માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા છે જે આઇપીસીની કલમ 467,468 હેઠળ ગંભીર ગુન્હો બને છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું અગાઉ પણ ફરિયાદ દાખલ કરવા ગયો હતો પરંતુ મારી ફોજદારી ફરિયાદ દાખલ કરાઈ ન હતી અને હજુ પણ હું ફરિયાદ દાખલ કરવા તૈયાર છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.