રાજ્ય સરકારની રૂ. ૯૦ હજારની સહાયથી ઓમ સખી મંડળ દ્વારા શરૂ કરાયેલા કેન્ટીનમાં ભોજન ઉપરાંત ઉપાહાર, ઠંડા પીણા મળશે
શહેરમાં શ્રોફ રોડ સ્થિત કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી શરૂ કરવામાં આવેલી કેન્ટીનનું કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ ઉદ્દઘાટન કર્યું હતું. આ કેન્ટીનની વ્યવસ્થા ઓમ સખી મંડળ દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકારની રૂ. ૯૦ હજારની આર્થિક સહાયથી શરૂ કરવામાં આવેલા કેન્ટીનમાં ભોજન ઉપરાંત, ઉપાહાર, ઠંડાપીણા, ચા મળશે.
રાજ્ય સરકારની નારી ગૌરવ નીતિમાં મહિલાઓને આર્થિક ઉપાર્જનની સમાન તક મળે એવો સ્પષ્ટ હેતું છે અને તે અનુસાર રાજ્ય સરકાર દ્વારા મિશન મંગલમ યોજના શરૂ કરવામાં આવી છે. આ મિશન મંગલ યોજના અંતર્ગત મહિલાઓના નાના સમુહને વિવિધ પ્રકારના ગૃહ ઉદ્યોગ કે પરંપરાગત વેપાર કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
તદ્દાનુસાર સુલતાનપુરના ઓમ સખી મંડળને કલેક્ટર કચેરીમાં કેન્ટીન શરૂ કરવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી રૂ. ૮૦ હજારની સીસી લોન અને તાલુકા પંચાયત દ્વારા રૂ. ૧૦ હજાર ઉપરાંત સ્ટ્રક્ચર ઉભું કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાનો આર્થિક સહયોગ લેવામાં આવ્યો છે.
કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં જામ ટાવર સામેના દરવાજા પાસે આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. જેમાં કલેક્ટર કચેરીના કર્મયોગીઓ ઉપરાંત, જી. ટી. શેઠ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સગવ્હાલાઓને શુદ્ધ, સાત્વિક ભોજન, ઠંડા પીણા, ઉપાહાર મળશે. કેન્ટીનનું સંચાલન ઓમ સખી મંડળના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન બાબુલાલ તેરૈયા, મંત્રી શ્રીમતી મંજુલાબેન વાઘેલા સહિતની બહેનો સંભાળવાના છે.
આ ઉદ્દઘાટન સમારોહમાં કલેક્ટર ડો. ગુપ્તા સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. કે. પટેલ, નાયબ કલેક્ટર શ્રી તુષાર જોશી, જિલ્લા લાઇવલીહૂડ મેનેજર શ્રી બસિયા, શ્રી જયેશભાઇ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.