દેશદાઝની આગ સાથે કોરોના વોર્ડમાં ફરજ નિભાવતું યુવાધન

“હમ હોંગે કામિયાબ એક દિન, મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ નીદેશદાઝ સાથે દેશનું યુવાધન સંનિષ્ઠતાપૂર્વક કોરોના વોર્ડમાં ફરજ નિભાવી રહ્યા છે. આ વિકટ પરિસ્થિતિમાં એવા દેવદુતો સામે આવ્યા છે જેઓ વિદેશમાં મેડીકલ અભ્યાસ કરીને સ્થાયી થવાના સ્વપ્નને ગુડ બાય કરીને કોરોના દર્દીઓની સેવાર્થે જન્મભુમિમાં પરત ફર્યા છે અને કોરોનાને ખાળવાની કામગીરીમાં મહત્વનો ફાળો આપ્યો છે.

વાત છે રાજકોટ સિવિલના કોરોના વોર્ડમાં ફરજ નિભાવતા ૨૪ વર્ષીય ઈન્ટર્ન્સ ડો. પ્રતિક ગણાત્રાની કે જેઓએ રશિયામાં એમ.બી.બી.એસનો અભ્યાસ કર્યો છે અને હાલ રાજકોટની કોવીડ-૧૯ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહ્યા છે. આ સંદર્ભે વિગતો આપતા ડો. પ્રતિકે જણાવ્યું હતું કે,”રશિયામાં મેડીકલનો અભ્યાસ પૂર્ણ થયા બાદ હું રાજકોટ આવ્યો ત્યાં કોરોના વાયરસે પોતાનો કાળ શરૂ કર્યો. પરંતુ મેં કોરોનાની આફતને મેં અવસરમાં પલટી છે. હું પોતાને નસીબદાર માનું છું કે,મને મારી જન્મભુમિ પર લોકોની સેવાનો અવસર મળ્યો. ડો. ગણાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે,”કોરોના વોર્ડમાં હું મલ્ટીપલ કામગીરી કરું છું. જેમ કે, દર્દી આવે તો તેની ફાઈલ મેઈન્ટેઈન કરવી, ઓ.પી.ડીના દર્દીઓના આરોગ્યની તપાસ કરવી, સ્થાનિક તબીબ અને નર્સિંગ સ્ટાફ સાથે કોરોના દર્દીઓના સ્વાસ્થ્યની તપાસ અંગે દિવસમાં ચાર વખત રાઉન્ડ લેવા, ક્યારેક દર્દી જમવાનું જમી ન શકતા હોય તો તેમને ભોજન પણ જમાડી આપતા સહિતની લાગણીસભર કામગીરીનો સમાવેશ થાય છે. એક વખત એવું થયું કે કોરોનાથી સંક્રમિત એક વયોવૃધ્ધ માજીને દાખલ કરવાના હતા.  બાને દાખલ કરીએ એ પહેલા જરૂરી દવા તેમના પરિવારના સદસ્ય પાસે મંગાવાની હતી. પરંતુ અમે તેમના પરિવારજનોને કહીએ એ પહેલા જ તેઓ જતા રહ્યા હતા. વડીલ માજીનું સ્વાસ્થ્ય મારા માટે મેઈન હતું. તેથી સૌ પહેલા તેમને દાખલ કર્યા અને ત્યાર બાદ હોસ્પિટલના મેડીકલ વિભાગમાંથી દવા લઈને આપી. આ સમય ગાળામાં મને થયું કે જો હું રશિયામાં હોત તો મારી જન્મભુમિ રાજકોટનું ઋણ અદા કરવાનો આ મોકો ચુકી ગયો હોત તેમ ડો. પ્રતિકે જણાવ્યું હતું. ડો. પ્રતિક ગણાત્રાની જેમ આત્મીયતા અને સેવાની પ્રતિબધ્ધતા કામ કરતા દરેક આરોગ્યકર્મીઓ ભવિષ્યની તબીબ પેઢી માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.