છેલ્લા ૧૭૫ દિવસથી સતત કોરોનાને નાથવાની કામગીરી કરી રહેલા ડો.પંકજ રાઠોડ સંક્રમિત થતા ચિંતાનું મોજુ: તેમના પુત્ર વરદ રાઠોડને પણ કોરોના, ૧૪ દિવસ હોમ આઈસોલેશનમાં રહેશે
કોરોના સામેનો જંગ લડવા ઈન્ટરવલ બાદ બમણા જોર-જુસ્સાથી સામેલ થઈશ: ડો.પી.પી.રાઠોડનો બુલંદ હોંસલો
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ પી.રાઠોડનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. હાલ તેઓ ૧૪ દિવસ માટે હોમ આઈસોલેશન થયા છે. તેઓ છેલ્લા ૧૭૫ દિવસથી એટલે કે ગત ૧૮ માર્ચથી રાત-દિવસ જોયા વિના કોરોનાને નાથવા માટે એક યોઘ્ધાની માફક લડી રહ્યા છે. તેઓ કોરોના સંક્રમિત બનતા મહાપાલિકામાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. તેઓના પુત્ર વરદ રાઠોડને પણ કોરોના વળગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, અતિશય નબળાઈ લાગતા અને સુકી ઉધરસ આવતી હોવાના કારણે તેઓએ ગઈકાલે કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો. આજે સવારે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બે દિવસ પૂર્વે તેમના પુત્ર વરદ રાઠોડને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વરદ મેડિકલમાં અભ્યાસ કરી રહ્યો છે. હાલ કોલેજ બંધ હોવાથી ઘેર છે.
ડો.રાઠોડે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ કોર્પોરેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી શરૂ કરવામાં આવી છે અને હું સતત ત્યાં ફરજ પર હતો. જેના કારણે પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શંકા છે. મારો પુત્ર વરદ ઘરની બહાર પણ નિકળતો નથી. તેને મારાથી જ કોરોના થયો હોવાની શંકા છે. હાલ હું હોમ આઈસોલેશન થયો છું અને આગામી ૧૪ દિવસ ઘરે જ રહીશ. તેઓના સંપર્કમાં આવેલા લોકોએ પણ કોરોના રીપોર્ટ કરાવી લેવા તેઓએ અપીલ કરી છે. હાલ ઘરના ત્રણ સભ્યો પૈકી ડો.રાઠોડ પોતે અને પુત્ર વરદ કોરોનાની ઝપટે ચડી ગયા છે. એક માત્ર તેમના ધર્મપત્ની કોરોનામુકત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ ગત ૧૮મી માર્ચના રોજ રાજકોટ ખાતે નોંધાયો હતો. ૧૮મી માર્ચે રાત્રીના ૧:૩૦ વાગ્યાથી ગઈકાલ સુધી એટલે કે છેલ્લા ૧૭૫ દિવસથી ડો.પંકજ રાઠોડ સતત કોરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. રાત-દિવસ જોયા વિના કોરોનાને નાથવા જાણે તેઓ જંગે ચઢયા હોય તેમ અવિરતપણે કામગીરી કરી રહ્યા છે. તેઓ કોરોના સંક્રમિત બન્યા હોવા છતાં જુસ્સામાં રતિભારનો પણ ફેર પડયો નથી. તેઓએ જણાવ્યું છે કે રૂકાવટ કે લીયે ખેદ હૈ સો શુભેચ્છાના આશીર્વાદથી ૧૪ દિવસ હોમ આઈસોલેશન અર્થાત વનવાસ વિતાવ્યા બાદ હું ફરી કોરોના સામેની જંગ લડવા માટે બેવડા જોશ જુસ્સા સાથે સામેલ થઈશ. તેમનો આ હોંસલો ખરેખર કાબીલેદાદ છે. કોર્પોરેશનમાં એક બાદ એક અધિકારીઓ કોરોનાની અડફેટે ચડી રહ્યા હોય તંત્રમાં ફફડાટ મચી જવા પામ્યો છે.