લોકડાઉન દરમિયાન વિપરીત સંજોગો વચ્ચે ઇમરજન્સિમાં કરાયું ઓપરેશન
ઉના ખાતે આવેલી નિરામય આઇ કેર આંખની હોસ્પિટલમાં ગત મહિને તાલુકાના છેવાડાના ગામના રહીશના ૩ મહિનાના પુત્રને લઇને આવ્યા હતા. જેમને જમણી આંખ તદ્દન સફેદ થઇ ગઇ હતી અને આંખમાંથી પાણી પણ પડતું હતું.
વિગતવાર તપાસને અંતે બાળકને બાળઝામર હોવાનું નિદાન કરાયું હતું. બાળકોમાં ઝામર એ એક અસામાન્ય નિદાન છે અને ભારતમાં લગભગ ૩૩૦૦ બાળકોએ ૧ માં જોવા મળે છે. આ બિમારીમાં બાળકની આંખમાંનું પ્રવાહી બહાર નીકળવાનો માર્ગ અલ્પવિકસિત હોય છે, જેને કારણે આંખમાં પ્રવાહીનો ભરાવો થાય છે અને આંખનુ દબાણ વધી જાય છે. વધતું દબાણ આંખની નસને નુકશાન કરે છે અને સમયસર સારવાર ન થાય તો નસ કાયમ માટે સૂકાઇ જાય છે – જે નાની ઉંમરમાં જ અંધત્વનું કારણ બને છે. સામાન્ય રીતે દવાઓ આવા કિસ્સામાં ઓછી અસરકારક રહે છે અને ઓપરેશનની જરૂર પડતી હોય છે.
અત્યાર સુધી આવા કિસ્સામાં ઓપરેશન માટે અમદાવાદ કે વડોદરા સુધી જવું પડતું હતું. પરંતુ હવે ઝામરના નિષ્ણાંત ડૉ. ચિંતન ધોળકિયા ઉનામાં જ ઉપલબ્ધ છે. આ કિસ્સામાં બાળકનિ ઉંમર નાની હોવાથી એનેસ્થેશિયાને લગતું જોખમ વધુ હતું – આથી ઓપરેશન બાદ જરૂર પડ્યે મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલની સારવારની જરૂરિયાત ઊભી થાય તેવી શક્યતા ને ધ્યાનમાં લઇને અંબુજાનગર હોસ્પિટલનો સંપર્ક કરાયો હતો. તેમણે હાલના કપરા સંજોગોમાં માનવીય અભિગમ દાખવીને તેમને ત્યાં ઓપરેશનની મંજૂરી આપી હતી. ડૉ. ચિંતન ધોળકિયાએ તેમની તમામ સાધનસામગ્રી સાથે દર્દીને લઇને અંબુજાનગર જઇને ઓપરેશન પાર પાડ્યું હતું. આમ લોકડાઉન અને કોરોના મહામારીના વિપરીત સંજોગો છતાં સુમિતની દ્દષ્ટિને નવજીવન મળ્યું.