કાર્યકારી અધ્યક્ષ પદેથી ડો.નિમાબેન આચાર્યનું રાજીનામુ: સોમવારે થશે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી
ભુજના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે. તેઓએ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ પદેથી ગઈકાલે સાંજે રાજીનામુ આપી દીધુ છે. આગામી સોમવારે અધ્યક્ષની ચૂંટણી યોજાશે. જેમાં તેઓની સર્વાનુમતે અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપે વિધાનસભાની ચૂંટણીના સવા વર્ષ પૂર્વે નેતૃત્વ પરિવર્તન કર્યું છે. મુખ્યમંત્રી સાથે મંત્રી મંડળના તમામ સભ્યો તરીકે નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જેના કારણે ગૃહમાં અધ્યક્ષની જગ્યા ખાલી પડી છે. ગઈકાલે સાંજે વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ પદેથી ડો.નિમાબેન આચાર્યએ પણ રાજીનામુ આપી દીધુ છે.
આગામી સોમવારથી વિધાનસભામાં બે દિવસનું ટૂંકુ ચોમાસુ સત્ર મળનાર છે. જેમાં પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. શનિવારે અધ્યક્ષની ચૂંટણી માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે. સામાન્ય રીતે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન યોજાતુ નથી. સર્વાનુમતે વરણી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ સોમવારે વિધાનસભાને મહિલા અધ્યક્ષ મળે તેવી સંભાવના છે. કાર્યકારી અધ્યક્ષ તરીકે સહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની નિમણૂંક કરવામાં આવશે.
આ અગાઉ કચ્છમાંથી કુંદનભાઈ ધોળકીયા અને ધીરૂભાઈ શાહ વિધાનસભાના અધ્યક્ષ બન્યા હતા. હવે ભુજના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય વિધાનસભાના અધ્યક્ષ બનશે. અધ્યક્ષની ચૂંટણી માટે શનિવારે જાહેરનામુ પ્રસિધ્ધ થશે. કાર્યકારી અધ્યક્ષ હોય તો અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી કરી શકાતી નથી. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીમાં ઝંપલાવવા ડો.નિમાબેન આચાર્યએ રાજીનામુ આપ્યું છે.