15 દિવસમા મીડિયા મારફત કોલેજની માફી માંગવા અને વળતર ચૂકવવા નોટિસમાં માંગ: કાર્યકારી કુલપતિ સમક્ષ 6 કરોડ અને કાર્યકારી કુલસચિવ સમક્ષ 5 કરોડનો દાવો
રાજ્યમાં સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓકટોબરમા સતત વિવાદમાં રહી હતી. 13 ઓક્ટોબર 2022ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકની ઘટના બની હતી. પરીક્ષાનું પેપર લીક સમાચાર વહેતા બીકોમની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. તો બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું. સમગ્ર મામલે 111 દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ત્યારે એચ.એન.શુક્લ કોલેજના કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ-કુલસચિવ વિરુદ્ધ શુક્લ કોલેજના ટ્રસ્ટી અને ભાજપના કોર્પોરેટરે બદનક્ષીની નોટિસ ફટકારી છે. 15 દિવસમા મીડિયા મારફત કોલેજની માફી માંગવા અને વળતર ચૂકવવા નોટિસમાં માંગ કરાઈ છે.કાર્યકારી કુલપતિ સમક્ષ 6 કરોડ અને કાર્યકારી કુલસચિવ સમક્ષ 5 કરોડનો દાવો કરવામાં આવ્યો છે.
ત્યારે આ ઘટનાને લઈ નેહલ શુક્લા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ તમામ માહિતી લઈ તમામ વસ્તુ જાહેર કરવામાં આવશે. એચ એન શુક્લા કોલેજ આમાં ક્યાંય પણ સંડોવાયેલી નથી એ સ્પષ્ટ છે. જે કઈ વિગતો છે અને સંપૂર્ણ પ્રકરણનો ખુલાસો હું કરીશ. એચ. એન શુક્લા કોલેજ પર લાગેલ ડાંગ દૂર કરવાની મારી જવાબદારી છે અને આખરે સૌ.યુનિ.ના કુલપતિ-કુલસચિવ વિરુદ્ધ બદનક્ષીની નોટિસ ડો. નેહલ શુક્લએ ફટકારી છે.
પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થયા હતા.
નેહલ શુક્લએ આપેલી નોટિસનો જવાબ આપીશું: કુલપતિ ભીમાણી
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પેપર લીક મામલે એફએસએલના રિપોર્ટ આધારે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આજે અમને નેહલ શુક્લએ નોટિસ મળી ગઈ છે અને 15 દિવસમાં તેનો જવાબ આપવાનો છે અને તે જવાબ અમે આપીશું.
કુલપતિ-કુલસચિવ વિરુધ્ધ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરાશે: ડો.નેહલ શુક્લ
પેપરલીકના સમગ્ર મામલે ડો.નેહલ શુક્લએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિ અને કાર્યકારી કુલસચિવ વિરુદ્ધ બદનક્ષીની નોટિસ ફટકારી છે અને તેમને સમગ્ર મામલે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, શુક્લ કોલેજના કર્મી અને કોલેજને બદનામ કરવા બદલ કુલપતિ ભીમાણી અને કુલસચિવ વિરુદ્ર બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આઈપીસી 500ની જોગવાઈ મુજબ બદનક્ષી અંગેનો ફોજદારી ગુનો કુલપતિ અને કુલસચિવ વિરુદ્ધ દાખલ કરવામાં આવશે.