પ્રદેશ ભારત અઘ્યક્ષ સી.આર.પાટીલને પણ કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવવામાં આવે તેવી અટકળો
લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે નવ માસ જેટલો જ સમય ગાળો બાકી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ કરે તેવી સંભાવના જણાય રહી છે. ગુજરાતના બે થી ત્રણ સાંસદોને મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવે તેવી સંભાવના હાલ દેખાય રહી છે. ડો. મહેન્દ્ર મુંજપરા, દર્શનાબેન જરદોશ અને દેવુંસિંહ ચૌહાણ પૈકી બેને પડતા મુકવામા: આવશે. નવા મંત્રી મંડળમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ અને ભાવનગરના સાંસદ તથા ભાજપના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ભારતીબેન શિયાળનો સમાવેશ કરવામાં આવે તેવી શકયતા હાલ દેખાય રહી છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીન ઘ્યાનમાં રાખી બે વર્ષ પહેલા કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલા મંત્રી મંડળના વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદોને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જયારે ડો. મનસુખભાઇ માંડવીયા અને પરસોતમભાઇ રૂપાલાને પ્રમોશન આપી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. હાલ કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતના સાત સાંસદો મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.
મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા કે જેઓ હાલ કેન્દ્ર સરકારમાં રાજયકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ત્રણ પૈકી ગમે તે બેને પડતા મૂકવામાં આવશે અને પ્રદેશ સંગઠનમાં કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવશે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની પ્રમુખ તરીકેની ત્રણ વર્ષની મુદત આગામી ર0મી જુલાઇના રોજ પૂર્ણ થઇ રહી છે. ત્યારે તેઓને કેન્દ્રમાં કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. તેઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે અને કોઇ મોટુ મંત્રાલય સોંપવામાં આવશે આ ઉપરાંત ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ડો. ભારતીબેન શિયાળને પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે.
ગુજરાતના લોકસભાના સાંસદ અમિતભાઇ શાહ, રાજયસભાના સાંસદ એસ. જયશંકર, ડો. મનસુખભાઇ માંડવીયા અને પરસોતમભાઇ રૂપાલાના પોર્ટફોલીયોમાં કોઇ મોટો ફેરફાર કરવામાં આવે તેવી શકયતા હાલ દેખાતી નથી. ટુંક સમયમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે જો સી.આર. પાટીલને કેન્દ્રમાં લઇ જવામાં આવશે તો પ્રદેશ ભાજપ પ્રમુખ પદે પણ નવો ચહેરો આવશે. સરકાર અને સંગઠનમાં બન્નેમાં એક સાથે ફેરફાર કરવાનું જોખમ ભાજપ ગુજરાતમાં ગમે ત્યારે ઉઠાવી શકે છે. કારણ કે આવું કરવાથી ગુજરાતમાં પક્ષ માટે મોટું જોખમ રહેતું નથી.
રાજયસભાની 3 બેઠકો માટે ભાજપ આવતા સપ્તાહે ઉમેદવારો જાહેર કરશે
વિદેશ મંત્રી એસ.જયશંકરને રિપીટ કરવામાં આવે તે લગભગ ફાઇનલ: બે નવા ચહેરા હશે
ગુજરાતની રાજયસભાની 3 બેઠકો માટે આગામી ર4મી જુલાઇના રોજ મતદાન યોજવાનું છે આગામી ગુરુવારે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. હાલ આ ત્રણેય બેઠકો ભાજપ પાસે છે. વિધાનસભાની ચુંટણીમાં ભાજપની શાનદાર જીત થઇ હોય આ ત્રણેય બેઠકો ભાજપ પાસે જ રહેશે. ભાજપ દ્વારા આવતા સપ્તાહે રાજયસભાની ત્રણ બેઠકો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે વિદેશ મંત્રી એસ. જયશંકરને ફરી ટિકીટ આપવામાં આવશે જયારે અન્ય બે બેઠકો માટે નવા ચહેરાને તક આપવામાં આવશે.ગુજરાતના રાજયસભાના સાંસદ અને વિદેશ મંત્રી એસ. જયશંકર જુગલજી ઠાકોર અને જગદીશ અનાવડિયાની મુદત આગામી 8 ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગત સપ્તાહે ગુજરાતની 3, બંગાળની 6 અને ગોવાની 1 રાજયસભાનીની બેઠક માટે ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. આગામી ગુરુવારે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થશે. કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યોનું સભ્ય સંખ્યા બળ હોય કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખે તેવી સંભાવના ખુબ જ નહિવત છે ભાજપના ત્રણેય ઉમેદવારો બિન હરિફ જાહેર થવાની પ્રબળ સંભાવના જણાય રહી છે.રાજયસભાની અલગ અલગ રાજયોની 10 બેઠક માટે ઉમેદવારોના નામો નકકી કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં ઉંડાણપૂર્વકની ચર્ચા કર્યા બાદ તમામ સમીકરણોને ઘ્યાનમાં ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવશે. ગુજરાતના એક ખુબ જ સિનીયર નેતાને ભાજપ રાજયસભામાં લઇ જાય તેવી સંભાવના જણાય રહી છે.
આગામી ગુરુવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે ટુંક સમયમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં રાજયસભાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવશે ઉમેદવારી ફોર્મના અંતિમ બે દિવસ બાકી હશે ત્યારે ઉમેદવારોના નામ જાહર કરવામાં આવશે અને બીજા દિવસે ફોર્મ ભરશે.