- પોરબંદર હોસ્પિટલમાં નોકરી મેળવવાના પ્રકરણમાં
- આરટીઆઇની માહિતીમાં ઉદયપુરની દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના કોર્ષનું સર્ટી. ખોટુ હોવાનું સામે આવતા ગુનો નોંધાયો
- એસ્ટ્રોન ચોકના હરસિધ્ધિ ડેન્ટલ કિલનીકના તબીબે 80 હજારમાં બોગસ સર્ટી. બનાવ્યાનું ખુલતા પોલીસ કસ્ટડી
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોકયુમેન્ટ રજુ કરી ડેન્ટલ ટેકનીશ્યન તરીકે હંગામી નોકરી મેળવવા મામલે ઝડપાયેલ શખ્સ જેલહવાલે થયો છે. ધરપકડ ત્યારે તેને રૂ.80 હજારમાં આ સર્ટી બનાવી આપનાર રાજકોટના ડેંટીસ્ટને પોલીસે ઝડપી લઇ 3 દિવસના રિમાન્ડ પર લીધો છે. રિમાન્ડ દરમ્યાન સૌરાષ્ટ્રભરમાં બોગસ ડોક્યુમેન્ટથી નોકરીનું કૌભાંડ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પીટલના ડી.ઈ.આઈ.સી. (ડ્રીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર) વિભાગમાં 2024ની શરુઆત માં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હોવાથી 11 માસના કરાર અધારિત હંગામી ધોરણે ભરતી માં એક માત્ર દેવ કંદર્પભાઈ વૈદ્યની અરજી આવતા તેને નિમણુક અપાઈ હતી. આ પછી તા.24/7 ના રોજ આર ટી આઈ એક્ટીવીસ્ટ રમેશભાઈ માલદેભાઈ ઓડેદરા એ ડેન્ટલ ટેકનીશીયન દેવના ડોક્યુમેન્ટ ખોટા હોવા અંગેની ફરીયાદ કરી હતી આથી તપાસ થતા દેવે રજુ કરેલ દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પીટલ લોયરા-ઉદયપુર નું કોલેજના ડો.વીવેક શર્મા વાઈસ પ્રિન્સીપાલની સહી તથા કોલેજના સીકકા સાથેનું ડેન્ટલ ટેકનીશીયનના કોર્ષનું સર્ટીફીકેટ ખોટું હોવાનું સામે આવ્યું હતું અને દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનીશીયનનો કોઇ કોર્ષ જ કરાવવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું.
આથી દેવ ને છૂટો કરાયો હતો તેના 3 માસ બાદ ગત 18 ડિસેમ્બરે સિવિલ ના આર એમ ઓ એ તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી 4 દિવસ ના રિમાન્ડ પર લીધો હતો જે રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયો હતો રિમાન્ડ દરમ્યાન દેવે એવું જણાવ્યું હતું કે રાજકોટ ના એસ્ટ્રોન ચોક માં આવેલ હરસિદ્ધિ ડેન્ટલ કલીનીક ધરાવતા ડો.મિલાપ એચ કારિયા એ તેને રૂ.80 હજારમાં આ બોગસ સર્ટી બનાવી આપ્યું હતું આથી પોલીસે ડો મિલાપ ની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટ માં રજુ કરતા કોર્ટે તેના 3 દિવસ ના રિમાંડ મંજુર કર્યા છે ડો મીલાપે માત્ર દેવ જ નહી પરંતુ સૌરાષ્ટ્રભર માં અનેક લોકોના વિવિધ પ્રકારના બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આથી બોગસ ડોકયુમેન્ટથી નોકરી મેળવવાનું સૌરાષ્ટ્ર વ્યાપી કૌભાંડ ખુલે તેવી આશા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે.
રાજકીય અગ્રણીઓની ભલામણનું સુરસુરિયું ???
ઝડપાયેલો તબીબ ડોકટર મિલન કરિયા રાજકીય વગ ધરાવતો હોવાનું જાણવા મળે છે અને પોરબંદર માં પણ કેટલાક રાજકીય અગ્રણીઓ ના સંપર્ક માં હોવાનું જાણવા મળે છે. અને તેના મારફત આ સમગ્ર કેસ માં ભલામણ ના પ્રયાસ થયા હોવાનું પણ સમગ્ર પંથક માં ચર્ચાઈ રહ્યું છે અને ઝડપાયા પછી પણ ભલામણ નો દોર ચાલુ છે પરંતુ અગ્રણીઓ નું કઈ ઉપજ્યું ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.