વડાપ્રધાનના 20 મુદાના સપનાના રાષ્ટ્રની કથાવસ્તુ પરના આ પુસ્તકની ચોમેર ‘સરાહના’
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા “મોદી એટ્ ટ્વેન્ટી ડ્રિમ મીટ ડિલેવરી” પુસ્તક પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આરોગ્ય અને કલ્યાણ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વની સફળ વિકાસયાત્રાની ઉજવણીના ભાગરૂપે “મોદી એટ્ ટ્વેન્ટી ડ્રિમ મીટ ડિલેવરી” પુસ્તક પર વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન ડો.મનસુખભાઈ માંડવિયા, માનનીય કુલપતિ પ્રો.(ડો.) અમી ઉપાધ્યાય, ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ જગદીશ ભાવસાર, ચાંદલોડિયા વોર્ડના કોર્પોરેટર રાજેશ્ર્વરીબેન પંચાલ અને કા. કુલસચિવ ભાવિન ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. (ડો.) અમી ઉપાધ્યાયે ડો.મનસુખભાઈ માંડવીયાજી તેમજ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ, સ્મૃતિચિહ્નથી અને શાબ્દિક સ્વાગત પણ કર્યું હતું.
“મોદી એટ્ ટ્વેન્ટી ડ્રિમ મીટ ડિલેવરી” પુસ્તકના વિશે ડો.મનસુખભાઇ માંડવીયાએ અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકાસલક્ષી કાર્યોની છણાવટ કરી, દેશની પ્રગતિ અને વીસ વર્ષના કાર્યસૂચિમાં રાષ્ટ્રને પ્રાથમિકતા આપનાર વડાપ્રધાન મોદીની કાર્યશૈલી વિશે વાત કરતા રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણના 20 વર્ષોમાં મોદીજીના નેતૃત્વમાં સામાન્ય જનતાના વિશ્ર્વાસ વિશે ચર્ચા કરી હતી.
કોવિડ મહામારી દરમિયાન મેડિસીન, મહિલાઓનો વિકાસ, સફળ કોવિડ રસીકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં મોદીજીના સર્વગ્રાહી અભિગમની તથા સિદ્ધિઓની ચર્ચા કરી, “મોદી એટ્ ટ્વેન્ટી ડ્રિમ મીટ ડિલેવરી” પુસ્તકમાં વડાપ્રધાનની કાર્યસિદ્ધિ વિશે અભિપ્રાય આપનાર તમામ વિદ્વાનોના સંદર્ભોનો હવાલો આપીને રજૂ થયેલા વક્તવ્યની અસરકારકતાથી શ્રોતાઓ પ્રભાવિત થયા. સમગ્ર રાજ્યમાં પથરાયેલા અભ્યાસ કેન્દ્રોના સંચાલકો તથા વિશાળ વિદ્યાર્થી સમુદાયે વક્તવ્યનો લાભ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.નિગમ પંડ્યાએ તથા આભારદર્શન કા. કુલસચિવ ડો.ભાવિનભાઈ ત્રિવેદીએ કર્યા બાદ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.