- નિવાસી અધિક કલેક્ટર સહિત કલેકટર કચેરીના અધિકારીઓએ કલેકટરને આવકાર્યા
- જિલ્લા કલેકટરનું પુષ્પગુચ્છના સ્થાને “ખિલોના ખુશીયો કા” અંતર્ગત ગેમ્સ આપીને સ્વાગત કરાયું
-આજ રોજ ભાવનગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ડૉ. મનીષ કુમાર બંસલે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી સહિત કલેકટર કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓએ કલેકટરને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેકટરનું પુષ્પગુચ્છના સ્થાને “ખિલોના ખુશીયો કા” અંતર્ગત ગેમ્સ આપીને સ્વાગત કરાયું હતું. નવ નિયુક્ત કલેકટરએ જણાવ્યું હતું કે, પુષ્પગુચ્છ બદલે રમકડાં થી સ્વાગત કરવામાં આવે તો તે રમકડાં કોઈ જરૂરિયાતમંદ બાળકને આપી શકાય અને તેમના જીવનમાં ખુશી વહેંચી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. મનીષ કુમાર બંસલ વર્ષ-૨૦૧૩ ની કેડરના આઈએએસ (IAS) અધિકારી છે. મૂળ રાજસ્થાનના વતની એવા ડૉ. મનીષ કુમાર બંસલ MBBS ની પદવી ધરાવે છે. ડૉ. મનીષ કુમાર બંસલ છેલ્લે ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની લી., ગાંધીનગરમાં મેનેજીંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આ ઉપરાંત તેઓ મહીસાગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. છેલ્લાં ૧૨ વર્ષથી સનદી અધિકારી તરીકે સેવારત ડૉ. મનીષ કુમાર બંસલ પ્રશાસનનો બહોળો અનુભવ ધરાવે છે.