- પૂર્વ સાંસદ ડો.કથીરિયાએ શહેર ભાજપના તમામ જૂના જોગીઓને આગ્રહપૂર્વક બોલાવ્યા: સંગઠનના વર્તમાન હોદ્ેદારોને નોતરૂં ન આપ્યું
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ પરષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. છેલ્લા એક પખવાડીયાથી તેઓ આ બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારમાં જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે અને કાર્યકરો અને આગેવાનોના ઘરે સવારના નાસ્તા માટે, બપોરના ભોજન અને રાતના વાળું માટે જઇ રહ્યા છે. રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભભાઇ કથીરિયાએ આજે સવારે રૂપાલાને પોતાના ઘરે નાસ્તા-પાણી માટે બોલાવ્યા હતા. જેમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિત સંગઠનના વર્તમાન હોદ્ેદારોની બાદબાકી કરવામાં આવતા ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યું છે. લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ શહેર ભાજપ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું હતું. તેનો બદલો ડો.કથીરિયાએ લીધો હોવાની કાર્યકરોમાં રમૂજ ચાલી રહી છે.
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને આજે જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઇ કથીરિયા દ્વારા સવારના નાસ્તા માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે તમામ જૂના જોગીઓને આગ્રહપૂર્વક તેડાં કરાયા હતા. પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા પણ હોંશભેર આ સિરામણમાં સામેલ થયા હતા. આ ઉપરાંત કેટલાક જૂના જોગીઓની પણ સૂચક હાજરી જોવા મળી હતી. જો કે, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિત મહામંત્રી કે સંગઠનના અન્ય કોઇ હોદ્ેદારોને બોલાવવામાં આવ્યા ન હતા. એકમાત્ર મહામંત્રી માધવ દવે ઇન્ચાર્જ હોવાના કારણે હાજર રહ્યા હતા. ડો.કથીરિયાએ શહેર ભાજપના વર્તમાન હોદ્ેદારોને નોતરૂં જ આપ્યુ ન હોવાના કારણે તેઓ નાસ્તા પાર્ટી સામેલ થયા ન હોવાનું કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પૂર્વે જ્યારે ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠક માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઇ કથીરિયા સાથે સારૂં વર્તન કરવામાં આવ્યું ન હતું. તેઓના હોદ્ાને છાજે તેવી બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી ન હતી. આ અપમાનનો બદલો ડોક્ટર સાહેબે લીધો હોવાનું મનાઇ રહ્યું છે.