- રૂ.100 કરોડના ખર્ચે 60 એકરમાં 4000 કેદીઓને રાખી શકાય તેવું બાંધકામ બે વર્ષમાં પૂર્ણ કરી દેવાશે
સૌરાષ્ટ્રની પ્રથમ હાઈટેક જેલ રાજકોટની ભાગોળે ન્યારા ખાતે બનવા જઈ રહી છે. રૂ. 100 કરોડના ખર્ચે 60 એકરની વિશાળ જગ્યામાં 4000 બંદીવાનોને રાખી શકાય તેવું બાંધકામ બે વર્ષમાં પૂર્ણ કરી લેવામાં આવનાર છે. જેનું ખાતમુહૂર્ત રાજ્યની જેલોના વડા ડો. કે. એલ. એન. રાવના હસ્તે કરાયું હતું.
ન્યારા ખાતે નિર્માણ પામનાર હાઇટેક જેલનું ભૂમિપૂજન રાજ્યની જેલના વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટની મધ્યસ્થ જેલ હાલ નાની પડી રહી છે. કેદીઓની સંખ્યા સામે કેપેસિટી ખૂબ ઓછી છે. ત્યારે અમારા વર્ષોથી પ્રયાસો હતા કે રાજકોટને એક નવી અત્યાધુનિક જેલ મળે. જે બાદ રાજ્ય સરકારે અમને જમીનની ફાળવણી કરી છે. ન્યારામાં 60 એકર જગ્યામાં આધુનિક જેલનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. જ્યાં 4000 કેદીઓ રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં પુરુષો ઉપરાંત મહિલા કેદીઓની સાથે અન્ડર ટ્રાયલ તેમજ પાકા કામના કેદીઓ માટેની અલગ જેલ હશે. રાજકોટની આ નવી જેલમાં જેલ ઉદ્યોગ હશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પણ આધુનિક હશે. ન્યાયપાલિકા સાથે સંપર્કમાં રહી શકાય તે માટે વિડીયો કોન્ફરન્સ હોલ હશે. આગામી 2 વર્ષમાં નવી અત્યાધુનિક જેલ આકાર પામશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતની લાજપોર જેલ અત્યાર સુધીની સૌથી પહેલી આધુનિક જેલ ગણવામાં આવે છે જેનું વર્ષ 2017 માં ઉદ્ઘાટન થયું હતું. જોકે હવે રાજકોટની નવી જેલ સુરત જેલ કરતા પણ વધુ આધુનિક હશે. નવી જેલમાં સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા, ફૂલ બોડી સ્કેનર, નોન લીનીયર જંક્શન ડિટેક્ટર અને ડીપ સર્ચ મેટલ ડિટેક્ટર સહિતનાં આધુનિક ઉપકરણો રાખવામાં આવશે. આ સાથે જ હાઈ સિક્યુરિટી જેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી ખૂંખાર કેદીઓને પણ અહીં રાખી શકાશે. આ સાથે જ ઓપન જેલનો કોન્સેપ્ટ પણ રાખવામાં આવ્યો છે જેથી જેમનું વર્તન સારું હોય તેઓને ઓપન જેલમાં રાખવામાં આવશે. આ ઉપરાંત ગૌ શાળા બનાવવાનું આયોજન છે. આઈટીઆઈ સાથે એમઓયુ કરી ઇન્ડસ્ટ્રીઝ યુનિટમાં ડાયમંડ અને કાર્પેન્ટર ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવામા આવશે.
નવી મધ્યસ્થ જેલ બનાવવા માટે પડધરી તાલુકાના ન્યારા ગામના સર્વે નં-200 પૈકીની હે.24-74-48 ચો.મી. એટ્લે કે 60 એકર જમીન રાજકોટ મધ્યસ્થ જેલના જેલ અધિક્ષકને ફાળવવામાં આવેલ છે. ફાળવવામાં આવેલ જમીન ખાતે જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ તથા શિક્ષણવિદ્દ શ્રીમતિ ડો.ઈન્દુ રાવના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજે ભુમિપુજન કરવામાં આવેલ હતુ. આ ભૂમિપુજન કાર્યક્રમમાં રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક રાઘવ જૈન તેમજ પોલીસ આવાસ નિગમના કાર્યપાલક ઇજનેર એમ.જી.પાનસુરીયા પણ ઉપસ્થિત રહેલ હતા. પડધરી તાલુકાના ન્યારા ગામ ખાતે ફાળવવામાં આવેલ જમીનમાં સૌરાષ્ટ્ર ઝોનની અતિ આધુનિક મધ્યસ્થ કક્ષાની જેલ બનાવવામાં આવનાર છે.
જેલમાં કંઈ કંઈ સુવિધાઓ હશે?
આ મધ્યસ્થ જેલમાં બંદીવાનો માટે રહેવા માટે પુરૂષ તથા મહિલા વિભાગ, હાઇસિક્યુરિટી વિભાગ, વોકેશનલ તાલીમ વિભાગ, વીડિયો કોન્ફરન્સ વિભાગ, આર્ટ ગેલેરી, જનસેવા કેન્દ્ર, લીગલ એડ ક્લીનિક, ઓડીટોરીયમ, શૈક્ષણિક તથા લાઇબ્રેરી વિભાગ, મુલાકાતીઓ માટેનો અધત્તન મુલાકાત રૂમ, વિડીયો મુલાકાત વિભાગ, સરકારી ટેલિફોન બુથની સુવિધા, ઉદ્યોગ વિભાગ, ગૌશાળા, આંગણવાડી, જેલ હોસ્પિટલ વિભાગ, સોસ્યો સાયકો કેર, જેલ ઉત્પાદિત ચીજવસ્તુઓનુ વેચાણ કેન્દ્ર, બંદીવાનો માટે જેલમાં આઉટડોરની રમતો માટેનુ મેદાન, વગેરે નિર્માણ થનાર છે. ઉપરાંત એડમીન ઓફિસ, વીડિયો કોન્ફરન્સ, સ્ટોર, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, જનસેવા કેન્દ્ર, લીગલ એઈડ ક્લિનિક, ઓડીટોરિયમ, સ્ટડી એન્ડ લાઈબ્રેરી, કિચન વિથ સ્ટોર, લોન્ડ્રી એન્ડ શોપ, કેન્ટીન, કુકિંગ સ્ટાફ બેરેક, હોસ્પિટલ, ઓપન એર થિયેટર, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગ, આંગણવાડી, ગાર્ડ રૂમ, ડિસ્પ્લે રૂમ, વેલફેર રૂમ, વિઝીટર્સ ઓફિસ, પાસિંગ રૂમ, યુટીલીટી રૂમ, સબ સ્ટેશન, વોચ ટાવર, સિટિંગ કોર્ટ.