મગજની ઈજાગ્રસ્ત ધોરી નસને ખોલ્યા વગર જ સફળ સારવાર: સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર અત્યાધુનિક કોઈલિંગ ટેકનીક અપનાવાઈ
સ્ટર્લિંગ હોસ્પિટલનાં ન્યુરોસર્જન ડો.ગૌરાંગ વાઘાણીએ સફળતાપૂર્વક મગજની જટિલ સમસ્યાની કોઈલિંગ નામની અત્યાધુનિક પઘ્ધતિ દ્વારા સર્જરી કરી ૨૨ વર્ષનાં યુવાનને નવી જિંદગી આપી છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડો.ગૌરાંગ વાઘાણીએ સર્જરીની વિગતવાર માહિતી આપી હતી. આવો જ કિસ્સો કચ્છનાં રહેવાસી ૨૨ વર્ષના યુવાન મહાવીરસિંહ પરમાર અકસ્માતનો ભોગ બન્યા જેથી માથાના ભાગે ઈજા થઈ અને સાથે આંખની નસની રોશની જતી રહી તથા ખોપરીના / તળિયામાં અનેક ફેકચર થયા. જેના લીધે મગજની ધોરી નસમાં ઈજા થઈ અને આંખની પાછળ આવેલી નસો સાથે સંપર્કમાં આવી ગઈ. આ ઈજાને કેરોટીડ કેવરનસ ફિસ્યુલા નામની બિમારી કહેવાય છે. જે ખુબ જ જટીલ બિમારી છે. ખુબ જ ઓછા કિસ્સામાં જોવા મળે છે. જેની સારવાર ખુબ જ જટીલ અને જોખમ ભરેલી હોય છે. આ બિમારીમાં અત્યાધુનિક પઘ્ધતિ કે જેને એન્ડોવાસ્કયુલર ટ્રીટમેન્ટ એટલે કે લોહીની નળીની અંદર તાર દ્વારા થતી સારવાર કે જેમાં ચેકા કે કાપા વગર/ ખોપરીનું હાડકું ખોલ્યા વગર સારવાર કરવામાં આવે છે.
સમગ્ર ભારતમાં આવા કિસ્સાઓની સારવાર આધુનિક પઘ્ધતિથી કરી શકે તેવા જૂજ કેન્દ્રો છે. જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટનાં નિષ્ણાંત ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણીએ આ કેસમાં મગજની એન્જીયોગ્રાફી દ્વારા આ બિમારીનું નિદાન તુરંત જ કર્યું હતું અને તેના સારવારનાં વિકલ્પો દર્દીનાં પિતા/ પરિવારને વિસ્તારથી સમજણ અને સાથે સાંત્વના પણ આપી હતી. પરિવારે આ સારવારની મંજુરી આપતા આ એન્ડોવાસ્કયુલર પઘ્ધતિથી કોઈલીંગની સારવાર કરી હતી. ચાર કલાક ચાલેલી આ સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ દર્દી સંપૂર્ણ ભાનની પરિસ્થિતિમાં બોલવા તથા વાત સમજવા મંડયા હતા. બે દિવસનાં ટુંકા રોકાણ બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલી. ખુબ જટીલ ગણાતી અને વધારે જોખમી ઓપરેશનની સરખામણીએ ચેકા વગર તારથી થતી આ પઘ્ધતિથી દર્દીનો જીવ ડો.ગૌરાંગ વાઘાણી દ્વારા સમય સુચકતાપૂર્વક સારવારથી બચાવી લેવામાં આવ્યો.
આ એન્ડોવાસ્કયુલર ન્યુરો સર્જરીની પઘ્ધતિ પક્ષઘાતના હુમલામાં મિકેનીકલ થ્રોમ્બેકટોમી દ્વારા તુરંત અને અસરકારક સારવાર, લોહીની નળીની મોરલી (એન્યુરીઝમ)ની સારવાર કોઈલીંગની પઘ્ધતિથી, ગળાની ધોરી નસના બ્લોક કે સંકોચન (કેરોટીડ સ્ટેનોસીસ)ની સારવાર કેરોટીડ સ્ટેટીંગ અને લોહીની નળીના ગુંચળાની સારવાર એમ્બોલાઈઝેસન નામની પઘ્ધતિથી થાય છે.
ડો.ગૌરાંગ વાઘાણી કે જે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગનાં વડા છે, એ રાજકોટનાં એકમાત્ર ન્યુરો સર્જન છે, જેમણે વિશ્ર્વવિખ્યાત એઈમ્સ ન્યુ દિલ્હીમાંથી ન્યુરો સર્જરીનું પ્રશિક્ષણ મેળવેલ છે. તેમજ એન્ડોવાસ્કયુલર ન્યુરો સર્જરીની ફેલોશીપ સાઉથ કોરીયા તથા દિલ્હીની મેકસ હોસ્પિટલ ખાતેથી મેળવેલ છે. તેઓ મગજ તથા કરોડરજજુની દરેક બિમારીનાં ઓપરેશનનાં નિષ્ણાંત છે. છેલ્લા ૬ વર્ષમાં રાજકોટમાં ૩૦૦૦થી વધારે મગજ તથા કરોડરજજુના સફળ ઓપરેશન કરેલ છે. સ્ટર્લિંગ હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ન્યુરોસર્જન દ્વારા થતી આ પઘ્ધતિની સૌપ્રથમ સારવાર થવાનો શ્રેય પણ ધરાવે છે, એમ ઝોનલ ડાયરેકટર ઘનશ્યામભાઈ ગુસાણીએ જણાવ્યું હતું. આ સારવારમાં ન્યુરોસર્જન ડો.હાર્દ વસાવડા, એનેસ્થેટીસ ડો.હેતલ વડેરા, ડો.ચિરાગ પટેલ, ડો.નિકુંજ પટેલ તથા ડો.શૈલેષ ભીમાણીની કુશળ ટીમે ખુબ જ અગત્યનો ભાગ ભજવેલ હતો.