- 5 લાખની લીડ સાથે જીત મળશે તેવા વિશ્વાસ સાથે પોરબંદર ભાજપના લોકસભા-વિધાનસભા ઉમેદવારો એ નામાંકન કર્યું
- ઠેર ઠેર ભવ્ય સ્વાગત: પોરબંદરના રાજમાર્ગ ઉપર જોવા મળ્યા અભૂતપૂર્વ દ્રશ્યો, મોટી સંખ્યામાં પોરબંદરવાસીઓ ઉમટ્યા
- પોરબંદર લોકસભા ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાના સમર્થનમાં સુદામાચોકમાં જંગી જાહેરસભા યોજાઈ
Loksabha Election 2024 : પોરબંદર લોકસભાના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા એ આજે તા. 15 એપ્રિલ 2024 ના રોજ 5 લાખની લીડ સાથે જીત મેળવવાના વિશ્વાસ સાથે નામાંકન ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરતા પૂર્વે પોરબંદરના સુદામાચોક ખાતે વિશાળ સભા યોજવામાં આવી હતી. આ સભા માં ગુજરાત ભાજપના હોદેદારો તેમજ સંતો મહંતો અને મોટી સંખ્યામાં પોરબંદરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાબાદ વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી, આ રેલી નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદરના રાજમાર્ગ ઉપર અભૂતપૂર્વ દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં પોરબંદરવાસીઓ જોડાયા હતા. ઉમેદવારો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
ગુજરાત ભાજપના હોદેદારોની વિશેષ ઉપસ્થિતિ
આ પ્રસંગે પોરબંદર લોકસભા બેઠક ના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા એ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડવા માટે આવ્યો નથી લોકોના દિલ જીતવા માટે આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ મારા નામાંકનમાં સમર્થન આપ્યું છે. વિધાનસભા ના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે હજુ પણ સતત ત્રીજી વખત ભાજપ 400થી પણ વધુ બેઠકો મેળવશે. પોરબંદરને મનસુખ માંડવીયા જેવા કેન્દ્રીય મંત્રી ઉમેદવાર તરીકે આપ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપને પાંચ લાખથી પણ વધુની લીડ મળશે.
રેલીમાં ઠેર ઠેર ઉમેદવારો નું અભિવાદન
વિશાળ બાઈક રેલી
નામાંકન માટે સુદામા ચોક ખાતેથી રેલી સ્વરૂપે કમલાબાગ સુધી ફોર્મ ભરવા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાદી ભંડાર પાસે ખારવાસમાંજ દ્વારા, અરુણ ઝેરોક્ષ પાસે લોહાણા સમાજ દ્વારા, સ્વાગત હોટેલ પાસે અનુસૂચિત સમાજ દ્વારા, સોનેરી મેડિકલ પાસે કોળી સમાજ દ્વારા, બાલુબા કન્યા વિદ્યાલય પાસે સાફા સાથે બહેનો દ્વારા, હોટેલ હાર્મની પાસે મહેરસમાજ ના અગ્રણી દ્વારા તથા માહેર રસ યોજાયો હતો. તેમજ બિરલા હોલ પાસે ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ વેપારીઓ દ્વારા, તાજાવાલા હોલ પાસે પટેલ સમાજ ના અગ્રણીઓ દ્વારા, ભાવેશ્વર મંદિર પાસે પ્રજાપતિ, લુહાર, ભોઈ, કડિયા, ધોબી, વાણંદ, દરજી સમાજ અને સલાટ સમાજ દ્વારા સ્વાગત, ખીજડી પ્લોટ ખાતે રબારી સમાજના અગ્રણીઓ દ્વારા , સહયોગ હોસ્પિટલ પાસે આહીર સમાજ દ્વારા, પ્રકાશપાન પાસે મુસ્લિમ સમાજ દ્વારા, કમલાબાગ પાસે બ્રહ્મ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડો. મનસુખ માંડવિયાએ ફોર્મ ભરતા પૂર્વે જુદા જુદા મંદિરે કર્યા દર્શન
પોરબંદર લોકસભાના ઉમેદવાર ડો.મનસુખભાઇ માંડવિયા એ નામાંકન કરતા પહેલા વિવિધ મંદિરો એ દર્શન કર્યા હતા. જેમાં ભોજેશ્વર મંદિર, ખારવાસમાજ પંચાયત મંદિર, કીર્તિ મંદિર, હનુમાનમંદિર (સુદામા ચોક), સુદામાજી મંદિર વગેરે સ્થળો એ દર્શન કર્યા હતા.
અશોક થાનકી