ધારાસભ્ય બનતા ડે.મેયર પદ છોડવા પ્રદેશ હાઇકમાન્ડમાંથી આદેશ છૂટતા મેયર ડો.પ્રદિપ ડવને રાજીનામું સુપ્રત કરી દીધું
રાજકોટ મહાનગરપાલિકાના ડે.મેયર પદેથી આજે સવારે ડો.દર્શિતાબેન શાહે રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયાના બે મહિના બાદ પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા આદેશ આપવામાં આવતા ગણતરીની કલાકોમાં દર્શિતાબેન શાહે સવારે મેયર ડો.પ્રદિપ ડવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને ડે.મેયર પદેથી રાજીનામું આપતો પત્ર આપ્યો હતો. તેઓના રાજીનામાનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં નવા ડે.મેયરની વરણી કરવા માટે કોર્પોેરેશનમાં ખાસ બોર્ડ બોલાવવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં ડો.દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા કોર્પોરેટર પદે ચાલુ હોવા છતાં તેઓને પક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હતી. ડો.દર્શિતાબેન શાહ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી જ્યારે ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી વિજેતા બન્યાં હતાં. રાજ્યની અલગ-અલગ પાંચ મહાપાલિકાના કોર્પોરેટરો ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોય તેઓની પાસેથી ગમે ત્યારે કોર્પોરેટર પદેથી રાજીનામા લઇ લેવામાં આવશે. તેવી અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી. જો કે, પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા હજુ સુધી એકપણ ધારાસભ્યને કોર્પોરેટર પદેથી રાજીનામું આપવા માટે આદેશ આપવામાં આવ્યો નથી.
ધારાસભ્ય બનેલા અને મહાપાલિકામાં પદાધિકારીનો હોદ્ો ભોગવતાં કોર્પોરેટરને પદાધિકારીનો હોદ્ો ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેનું પાલન કરતા આજે સવારે વોર્ડ નં.2ના કોર્પોરેટર અને ગત તા.12/03/2021 થી રાજકોટ મહાનગરપાલિકામાં ડે.મેયર તરીકેની જવાબદારી સંભાળી રહેલા ડો.દર્શિતાબેન શાહે આજે ડે.મેયર પદેથી રાજીનામું આપતો પત્ર મેયરને સોંપી દીધો હતો. તેઓનું રાજીનામું પણ મંજૂર કરી લેવામાં આવ્યું છે.
આ પત્રમાં ડો.દર્શિતાબેન શાહે એવો ઉલ્લેખ કર્યો હતો કે હાલ હું વોર્ડ નં.2ના કોર્પોરેટર તરીકે અને ડે.મેયર તરીકેની જવાબદારી સંભાળી રહી છું. વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇ ધારાસભ્ય બની હોય મારા વારંવાર ગાંધીનગર જવાનું થતું હોવાના કારણે હું ડે.મેયર તરીકેની મારી કામગીરીને સમય આપી શકતી નથી. આ બાબતને ધ્યાનમાં રાખી હું ડે.મેયર પદેથી રાજીનામું આપું છું. તેઓના રાજીનામાનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે.
ધારાસભ્યોના કોર્પોરેટર પદેથી રાજીનામા લેવા પ્રદેશમાંથી કોઇ સૂચના નથી: કમલેશ મિરાણી
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ પત્રકારો સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે મને પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા માત્ર એટલી જ સૂચના આપવામાં આવી છે કે ધારાસભ્ય બનેલા ડો.દર્શિતાબેન શાહને ડે.મેયર પદેથી રાજીનામું આપી દેવું તેવી સૂચના આપી દેવામાં આવે, રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન બે કોર્પોરેટરો વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બની
ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પાસેથી કોર્પોરેટર પદેથી રાજીનામું લઇ લેવું તેવી જ કોઇ સૂચના પ્રદેશ દ્વારા આપવામાં આવી નથી. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા વોર્ડ નં.1ના નગરસેવિકા છે. સાથોસાથ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પણ છે. તેઓને કોર્પોરેટર પદ ખાલી કરાવવામાં આવે તેવી કોઇ જ શક્યતા હાલ દેખાતી નથી.
નવા ડેપ્યૂટી મેયરની વરણી માટે ટૂંકમાં બોર્ડ બોલાવાશે: મેયર
બીપીએમસી એક્ટના નિયમ મુજબ ડે.મેયરએ મેયરને જ્યારે મેયરે પોતાના હોદ્ા પરથી રાજીનામું આપતો પત્ર ડે.મેયરને આપવાનો રહે છે. આજે સવારે ડો.દર્શિતાબેન શાહે ડે.મેયર પદેથી રાજીનામું આપતો પત્ર મેયર ડો.પ્રદિપ ડવને સુપ્રત કર્યો હતો. રાજીનામું મંજૂર કર્યા બાદ મેયરે પત્રકારોની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે નવા ડે.મેયરની વરણી કરવા માટે ટૂંક સમયમાં ખાસ બોર્ડ-બેઠક બોલાવવામાં આવશે. જેમાં ખાલી પડેલી ડે.મેયરની જગ્યા માટે નવી નિયુક્તી કરવામાં આવશે.
નવા ડે.મેયરની માત્ર 6 મહિના માટે થશે નિયુક્તી
રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન પાંચેય પદાધિકારીઓની મુદ્ત આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે. ત્યારે ડે.મેયર પદેથી ડો.દર્શિતાબેન શાહે રાજીનામું આપી દેતાં આગામી દિવસોમાં નવા ડે.મેયરની વરણી કરવા માટે બોર્ડ-બેઠક મળશે. નવા ડે.મેયરની નિયુક્તી માત્ર 6 મહિના માટે કરવામાં આવશે. જો ત્યારબાદ પ્રદેશ હાઇકમાન્ડ ડે.મેયરને રિપીટ કરવાનો આદેશ આપશે તો આગામી દિવસોમાં ડે.મેયર બનનાર કોઇ નગરસેવક આ પદ 6 મહિના માટે નહિં પરંતુ ત્રણ વર્ષ સુધી ભોગવી શકશે.
ઇન્દ્રનીલ રાજગુરૂએ 2003માં આપ્યું હતું ડેપ્યૂટી મેયર પદેથી રાજીનામું
રાજકોટ મહાનગરપાલિકાના 50 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બે વાર એવી ઘટના બની છે. જેમાં ડે.મેયરે મુદ્ત પૂર્ણ થાય તે પૂર્વે જ રાજીનામું આપી દીધું હોય, આજથી 20 વર્ષ પહેલા તા.27 માર્ચ-2003ના રોજ ઇન્દ્રનીલભાઇ રાજગુરૂએ ડે.મેયર પદેથી રાજીનામું આપતો પત્ર
મેયર અશોક ડાંગરને સોંપ્યો હતો. તેઓનું રાજીનામું મંજૂરી કર્યા બાદ ખાસ બોર્ડ-બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજકોટના નવા ડે.મેયર તરીકે મોહનભાઇ સોજીત્રાની નિયુક્તી કરવામાં આવી હતી. આજે ડો.દર્શિતાબેન રાજીનામું આપતા 20 વર્ષમાં ડે.મેયર પદેથી રાજીનામું આપવાની ઘટના બીજીવાર બની છે.