ભાજપના ગઢ સમી રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ લડશે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી
રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાદીઠ ઓછામાં ઓછી એક મહિલાને ટિકિટ આપવાનો અને મહાનગરોમાં બે મહિલાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય છેલ્લી ઘડીએ જાહેર કર્યો હતો. આ નિર્ણય ડે.મેયર ડો.દર્શિતા શાહ માટે આશિર્વાદરૂપ સાબિત થયો છે. શહેરની ચારેય બેઠકો પર ભાજપે વર્તમાન ધારાસભ્યોના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જેમાં શહેરની બે બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.
સંઘ પરિવાર સાથે જોડાયેલા ડો.દર્શિતાબેન શાહને પ્રથમ વખત ભાજપે વર્ષ-2015માં રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.2માંથી મેદાનમાં ઉતાર્યા હતા. પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો વચ્ચે પણ તેઓ જનાદેશ મેળવવામાં સફળ રહ્યા હતા અને તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા. પ્રથમ ટર્મમાં જ પક્ષે તેઓના પર વિશ્ર્વાસ મૂક્યો હતો અને તા.14/12/2015 થી તા.17/06/2018 સુધીની ટર્મ માટે ડે.મેયર બનાવ્યા હતા.
આ જવાબદારી તેઓએ ખંતપૂર્વક નિભાવતા પાછલી અઢી વર્ષની ટર્મ માટે તેઓની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે નિયુક્તી કરવામાં આવી હતી. 2021માં યોજાયેલી મહાપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ફરી એકવાર દર્શિતાબેન શાહ પર વિશ્ર્વાસ મૂક્યો હતો અને તેઓને વોર્ડ નં.2માંથી ટિકિટ આપવામાં આવી હતી. પક્ષનો વિશ્ર્વાસ વધુ એક વખત ચરિતાર્થ કરવામાં તેઓ સફળ રહ્યા હતા અને સતત બીજી વખત નગરસેવીકા તરીકે ચૂંટાઇ આવ્યા હતા. બીજી ટર્મમાં પણ ભાજપ દ્વારા ગત તા.12/03/2021 થી તેઓની ફરી મહાપાલિકાના ડે.મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. હાલ તેઓ જવાબદારી નિભાવી રહ્યા હતા.
રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક ભાજપ માટે અડીખમ ગઢ મનાઇ રહી છે. છેલ્લી બે ટર્મથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ બેઠક પરથી વિજેતા બની રહ્યા છે. તેઓએ હવે વિધાનસભાની ચૂંટણી નહી લડવાની જાહેરાત કરતા આ બેઠક પર જૈન સમાજના અગ્રણી અને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. છેલ્લા એક દશકાથી સતત પ્રજા વચ્ચે રહી પ્રજાના પ્રશ્ર્નો હલ કરવા માટે સખત પરિશ્રમ કરતા પાયાના કાર્યકર સમા નેતાને વિધાનસભાની ચૂંટણી આપવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. સામાન્ય રીતે એક શહેરમાંથી બે મહિલાઓને ટિકિટ આપવામાં આવતી નથી પરંતુ રાજનીતીમાં પણ મહિલા સશક્તિકરણ ખીલી ઉઠે તે માટે ખૂદ વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલો નિર્ણય ડો.દર્શિતાબેન શાહને ફળ્યો છે.