મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ લીધી સ્થળ વિઝીટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારત દેશના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડો.બાબાસાહેબની કાયમી સ્મૃતિ જળવાઈ તેવા શુભ હેતુથી જીલ્લા ગાર્ડન ખાતે આશરે રૂ.૧.૭૦ કરોડના ખર્ચે ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવનની કામગીરી પૂર્ણતાના આરે છે જેનું ટૂંક સમયમાં લોકર્પણ કરાશે. આજે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ દંડક રાજુભાઈ અઘેરા, રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડી.બી ખીમસુરીયા, શિક્ષણ સમિતિના સભ્ય જગદીશભાઈ ભોજાણી, સીટી એન્જીનીયર કામલીયા, આસિસ્ટન્ટ કમિશનર હર્ષદભાઈ પટેલ વિગેરે સ્થળ મુલાકાત લીધી હતી.
જીલ્લા ગાર્ડન ખાતે રૂ.૧૬૮.૪૨ લાખના ખર્ચે ડો.બાબાસાહેબ આંબેડકર ભવન અને વાંચનાલય બનાવવમાં આવેલ છે. આ ઉપરાંત રૂ.૧૭.૭૮ લાખના ખર્ચે કમ્પાઉન્ડ હોલ, પાર્કિંગની સુવિધા આપવામાં આવેલ છે. આ સ્મારક ભવન ખુબ જ સારું બને તે માટે અધિકારીઓ અને સંબધક પદાધિકારીઓને નાગપુર ખાતે આવેલ બાબા સાહેબ જ્યાં બૌધ ધર્મ અંગીકાર કરેલ તેવી ચૈતન્ય ભૂમિની મુલાકાત માટે મોકલવામાં આવેલ. આ મુલાકાત બાદ કમિટી દ્વારા સ્મારક ભવનની એન્ટ્રીમાં કલાત્મક ગેઈટ બને તે માટે રજૂઆત કરેલ. જેના અનુસંધાને ૨૦૧૭માં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.૨૦.૫૩ લાખના ખર્ચે કલાત્મક ગેઈટ બનાવવાનું મંજુર કરવામાં આવેલ. જેની કામગીરી પણ હાલમાં પૂર્ણ થયેલ છે. આ ઉપરાંત ભવનની સાથે વાંચનાલય સુવિધા પણ મળે તે માટે લાઈબ્રેરીમાં બાંધકામ કરવામાં આવેલ છે. આ લાઇબ્રેરીમાં જુદી જુદી સુવિધાઓ પ્રાપ્ત થઇ તે માટે રૂ.૫૧.૭૦ હજારના ખર્ચે લાઈબ્રેરી ફર્નીચર તથા અન્ય સુવિધા આપવામાં આવેલ. આ લાઈબ્રેરીમાં આકર્ષક ફર્નિચર સાથે ઈ-રીડીંગ માટે ઇન્ટર ઝોન, ન્યુઝપેપર સેક્શન, રીસેપ્શન/વેઇટિંગ, સ્પેશિયલ રીડીંગ રૂમ, સીડી-ડીવીડી લાઈબ્રેરી, ટોય સેક્શન, પ્રોજેક્ટર રૂમ, પી.ઓ.પી. સાથેની આકર્ષણ સીલીંગ બનાવવામાં આવેલ. આ ઉપરાંત સ્મારક ભવનમાં રૂ.૧.૫૦ લાખના ખર્ચે બાબાસાહેબની પ્રતિમા પણ મુકવામાં આવેલ છે. વાંચનાલયમાં રૂ.૧૦.૩૦ લાખના ખર્ચે ડો.બાબાસાહેબના તેમજ અન્ય મહાનુભાવોના પુસ્તકો ખરીદ કરવામાં આવેલ છે.વિશેષમાં સ્મારક ભવનની મુલાકાતએ આવતા લોકો ત્યાં બેસી શકે તે માટે બાકડાઓ, ગાર્ડન, લોન વિગેરેની સુવિધા પણ કરવામાં આવેલ છે. વિશેષમાં ગઈકાલ તા.૨૭/૧૧/૨૦૧૮ના રોજ ડો.બાબાસાહેબ સ્મારક ભવનમાં તેમના બચપણથી લઈને જીવનની ઝાંખી કરાવતા રૂ.૩.૬૦ લાખના ખર્ચે ચિત્રો મુકવાનું મંજુર કરવામાં આવેલ છે. જેનું ટૂંક સમયમાં કામ પૂર્ણ થયા બાદ પુરા સ્મારક ભવનનું લોકર્પણ કરવામાં આવશે.