સંગીતની ધરોહર સમાન ડો.અશ્વીનીજીએ માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં ઓલ ઈન્ડિયા રેડીયો મ્યુઝિક કોમ્પિટીશનમાં રાષ્ટ્રપતિ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો
નીયો રાજકોટ ફાઉન્ડેશન આયોજીત શાસ્ત્રીય સંગીતના મેઘ ધનુષ સમાન ‘સપ્તસંગીતી’ કલા મહોત્સવના પાંચમાં દિવસે કંઠય સંગીતના મોટા ગજાના ગાયીકા એવા ડો.અશ્વીની ભીંડે દેશપાંડેએ રાજકોટ શાસ્ત્રીય સંગીતના રસીયાઓને રિયાઝી કંઠથી અદકેરો આનંદ અપાવ્યો હતો. હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયીકા ડો.અશ્વીની ભીંડે દેશપાંડે જયપુર ઘરાનાને અનુસરે છે. તેઓ બંદીશ અને બંદીશની સરચનાને ધનિષ્ઠ સમજ ધરાવે છે.
ઘણી બધી બંદીશ તેમણે કંઠસ્થ કરી છે. ૧૯૭૭માં ફકત ૧૬ વર્ષની ઉંમરે તેમણે ઓલ ઈન્ડિયા રેડીયો મ્યુઝિક કોમ્પીટીશનમાં રાષ્ટ્રપતિનું ગોલ્ડ મેડલ હાંસલ કર્યું હતું. તેમણે વિશ્વભરના સંગીત પ્રેમીઓ પાસેથી ખુબજ સરાહના મેળવી છે. તેમની ગાયીકામાં દુર્લભ અને જટીલ રાગોનું સંયોજન હોવા છતાં રાગની આત્માને પુરતો ન્યાય મળવામાં પોતે સફળતા મેળવી છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન અશ્વીની ભીંડે દેશપાંડેએ જણાવ્યું હતું કે, તેઓ જયપુર અત્રોલી ઘરાનાને અનુસરે છે જેની વિશેષતા છે કે તે સ્વર અને લય બન્નેને એક સરખુ સ્થાન આપી તેને ટ્રીટ કરવામાં આવે છે. જો કે રાગની પોઝીશન થોડી કોમ્પ્લીકેટેડ જરૂર હોય છે. માટે એક ગાયક માટે કયા રાગની પસંદગી કરવી તે પણ એક મહત્વની બાબત છે.
સંગીત તેમનો પ્રથમ પ્રેમ છે. નાનપણમાં તેમણે ગુરુપંડિત નારાયણ રાવ દાતાર પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી હતી ત્યારબાદ ગાધર્વ મહાવિદ્યાલયમાં વિશારદની પદવી હાંસલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, તેમણે કેન્દ્ર સરકારના સંગીત નાટય એકેડમી દ્વારા ૨૦૧૫માં એવોર્ડ આપી સન્માનીત પણ કરવામાં આવ્યા.
નીયો રાજકોટ ફાઉડેશન આયોજીત સપ્તસંગીતીના પાંચમાં દિવસે રાજકોટના નગરજનોને ડો.અશ્વીની ભીંડે દેશપાંડે તેમના શાસ્ત્રીય સંગીતથી રાજકોટવાસીઓને રસ તરબોળ કર્યા હતા. જેની સાથે સંગીતકાર સીમા સીરોડકર અને તબલામાં વિશ્વનાથ સીરોડકર બન્ને કલાકારોની વિશેષ જુગલબંધી જોવા મળી હતી.
ડો.અશ્વીની ભીંડે દેશપાંડેનું પ્રથમ રેકોર્ડીંગ આલ્બમ ૧૯૮૫માં બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને રીધમ હાઉસ, ટાઈમ્સ મ્યુઝીક, સોની મ્યુઝીક, મ્યુઝીક ટુ-ડે, યુનિવર્સલ મ્યુઝિક સહિતના પ્રખ્યાત બેનરો હેઠળ વિવિધ મ્યુઝિકસ આલ્બમનું વિમોચન પણ કર્યું.
ડો.અશ્વીન ભીંડે દેશપાંડેના રાગ ૯૮ જેટલી સ્વર બંદીશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવા મહાન શાસ્ત્રીય સંગીતના ગાયીકાએ હેમુગઢવી હોલ ખાતે યોજાયેલી સપ્તસંગીતી મહોત્સવ શોભામાં સ્વરથી ચાર ચાંદ લગાવ્યા હતા.