સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એનએફડીડી હોલ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ચેર સેન્ટર દ્વારા સર્વસમાવેશ દર્શન કાર્યક્રમ યોજાયો
ચેર સેન્ટરના પ્રથમ પુસ્તક ‘ડો.આંબેડકર રાષ્ટ્રદર્શન’નું લોકાર્પણ કરાયું: રાજયકક્ષાના નિબંધ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એનએફડીડી હોલ ખાતે શુક્રવારે ડો.બાબા સાહેબ આંબેડકર ચેર સેન્ટર દ્વારા સર્વ સમાવેશ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનકુમાર પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, મુંબઈથી આવેલા રમેશ પતંગેજી, પૂ.ભીખુપ્રજ્ઞારત્નજી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ૨૮૦થી વધારે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી પોતાની ખાસ ઉપસ્થિતિ આપી હતી. કાર્યક્રમના પ્રથમ સત્રમાં સ્વતંત્રતા, ક્ષમતા અને બંધુતાનું સામાજીક દર્શન વિષયક ડો.નાથાલાલ ગોયલ, પ્રો.રવિસિંહ ઝાલા, પ્રો.મહેશ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બીજા સત્રમાં ડો.આંબેડકરજીનું સ્ત્રી સ્વાતંત્ર્ય અને શિક્ષણ અંગેનો દર્શન વિષયક અનિતાબેન પરમાર, હેમીક્ષાબેન રાવ,પુષ્પાબેન વાઢેર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તૃતીય સત્રમાં ડો.આંબેડકરજીનું આર્થિક અને રાજનૈતિક દર્શન વિષયક કિશોરભાઈ મકવાણા, જયદિપસિંહ ડોડીયા અને ડો.કાંતિલાલ કાથડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચોથા સત્રમાં શોધપત્ર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પાંચમાંસત્રમાં ડો.આંબેડકરજીનું સાંસ્કૃતિક અને ધાર્મિક દર્શન વિષયક પ્રો.મનુભાઈ મકવાણા, પ્રો.બી.એન.પરમાર અને ડો.નવીનભાઈ શાહ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.આર.આંબેડકર ચેર સેન્ટરના ચેરમેન તેમજ સંસ્કૃત ભવનના પ્રોફેસર ડો.રાજાભાઈ કાથડે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજના આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે સેન્ટર દ્વારા ડો.આંબેડકરજીના જીવન, કાર્યો, તત્વોજ્ઞાન અને દર્શનને અનુલક્ષીને સંશોધન, અધ્યન કરતા અધ્યાપકોને ચેર સેન્ટર દ્વારા પ્રતિવર્ષ પાંચ વ્યકિતઓને ૫૦-૫૦ હજારના ડો.આંબેડકર સંશોધન એવોર્ડ આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૮-૧૯માં આપવામાં આવેલ પાંચ સંશોધકોને પીએચડી અથવા એમફીલ થયા હોય તેમજ અનુસ્નાતકમાં પ્રથમ વર્ગ હોય તેવા વિધવાનોને પ્રોજેકટ આપવામાં આવે છે. જેમાં આ પાંચેય સંશોધકોને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડો.આંબેડકરજીના કાર્યો અને તત્વજ્ઞાન સંબંધિત પોતાના લઘુશોધ નિબંધના વિષય પર સંશોધન કરી રહેલા ૧૦ સંશોધકોને સ્પેશિયલ એલઓસી એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ ડો.બી.આર.આંબેડકર ચેર સેન્ટર પ્રતિ વર્ષ ત્રિસ્તરીય રાજયકક્ષાની નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં કોલેજ કક્ષા, ઉચ્ચ અને માધ્યમિક શાળા કક્ષા તથા ઉચ્ચ પ્રાથમિક શાળા પ્રત્યેક સ્તરમાં ૧ થી ૫ નંબર પ્રાપ્ત વિદ્યાર્થીઓનું ભીમપ્રજ્ઞા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૨૦૧૮-૧૯માં ચેર સેન્ટર દ્વારા સાહિત્ય એકાદમીની જેમ ડોકટર આંબેડકર પર લેખન કાર્ય કરનાર લેખકોને પુસ્તક પ્રકાશન માટે સહાય આપવાનું નકકી કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટી દ્વારા ૩ લેખકોની પસંદગી કરવામાં આવી હતી તેઓને ભીમ સન્માન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.