શહેરના રેસકોર્સ રીંગ રોડ ખાતે તાજેતરમાં એક દુ:ખદ ઘટના બની હતી. રીંગ રોડ ખાતે વહેલી સવારે વોકિંગ માટે આવેલા પ્રૌઢ ગુલામ હુસેનને એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તેમને ઢળેલા જોઈને ત્યાં લોકો એકઠા થયા હતા. વહેલી સવારે વોકિંગમાં આવેલા લોકો ગુલામ હુસેનની હાલત જોઈ ખળભળી ગયા હતા. ત્યારે ત્યાં સ્થળ પર હાજર ડો.અજીતભાઈ વાઢેર સહિતના સેવાભાવી લોકોએ દર્દીને બચાવવાના પ્રયાસો કર્યા હતા.
રેસકોર્સ ખાતેના આ બનાવ સમયે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલીક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જો કે હૃદય રોગનો હુમલો આવ્યો હોવાથી તેમને પમ્પીંગ કર્યું હતું. સ્થળ પર હાજર રહેલા ડોકટરે ગુલામ હુસેનભાઈને બચાવવા માટે બનતા પ્રયાસો કર્યા હતા. પરંતુ એક તબક્કે સ્થિતિ કાબુ બહાર ચાલી ગઈ હતી અને ઘટના સ્થળે હાજર લોકોની મહામહેનત છતાં પણ ગુલામ હુસેનભાઈને મોતના મુખમાં ધકેલાતા બચાવી શકાયા નહોતા.
નોંધનીય છે કે, ડો.અજીતભાઈ વાઢેર વર્તમાન સમયે સ્ટર્લીંગ હોસ્પિટલમાં સેવા આપી રહ્યાં છે. તેઓ સ્ટર્લીંગ હોસ્પિટલના દર્દીઓની સેવા કરી પુણ્યનું ભાથુ બાંધે છે. તાજેતરમાં રેસકોર્સ ખાતે બનેલા આ બનાવ સમયે પણ તેઓ સ્થળ પર હાજર રહ્યાં હતા અને પોતાની ફરજ ચૂકયા ન હતા. તેમણે દર્દીને બચાવવા અથાક પ્રયત્નો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.