- ચાર કારખાના, અજંતા મોટર્સ, જલારામ ભેળ, ચા, પાન–ફાકીની કેબિનને નિશાન બનાવી રોકડ સહિતની મતા ઉઠાવી ગયા
- સીસીટીવી ફૂટેજમાં બે તસ્કરો કેદ : વેપારીઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા
રાજકોટ શહેરમાં દિન–પ્રતિદિન ચોરી લૂંટ સહિતના બનાવમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વધુ એક ચોરીની ચકચારી ઘટના સામે આવી છે. સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તસ્કરો ડઝનબદ્ધ દુકાનના તાળા તોડી રોકડ સહિતની મત્તા ઉઠાવી જતાં વેપારીઓ માલવિયાનગર પોલીસ મથકે દોડી ગયા હતા. એકાદ ડઝન કારખાના, દુકાન અને કેબિનને નિશાન બનાવનાર બે તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મામલામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધવા અને તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
ચોરીની ઘટનામાં પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપની પાછળ આવેલ સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ઔદ્યોગિક વિસ્તારમાં ત્રાટકેલી તસ્કર ટોળકીએ અલગ અલગ ચાર કારખાનાના ડેલાના નકુચા અને શટરના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. અમુક કારખાનાના તાળા તોડવામાં તસ્કરો સફળ થયાં હતા. જ્યાંથી તસ્કર ટોળકીએ રોકડ, માલ–મટીરીયલ સહીતની ચોરીને અંજામ આપ્યો હતો. બાદમાં તસ્કર ટોળકીએ અજંતા મોટર્સના શટરનું તાળું તોડ્યું હતું અને ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ જલારામ ભેળના ડેલાનો નકુચો તોડી નાખવામાં આવ્યો હતો. બાદમાં અન્ય દુકાનોના તાળા તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બાદમાં તસ્કરોએ બહુચર પાન અને ઠાકર પાનની દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ રહ્યા ન હતા. જે બાદ ચાના થડા અને પાન–ફાકીની કેબિનને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યાંથી રોકડ, સિગરેટ, પાન–ફાકીનો સામાન ઉઠાવી ગયા હતા. મોડી રાત્રે 2:05 વાગ્યાં આસપાસ તસ્કરો ત્રાટક્યા હતા અને એક બાદ એક ડઝનેક દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.
ઘટનાની જાણ થતાં કારખાનેદાર, વેપારીઓ એકત્ર થયાં હતા અને ત્યારબાદ માલવિયાનગર પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં સમગ્ર ઘટના અંગે રજુઆત કરી ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી લેવા માંગ કરવામાં આવી હતી. જો કે, ડઝનેક દુકાનના તાળા તૂટ્યા હોવાથી તસ્કરો કેટલી મતા ઉઠાવી ગયા છે તે આંકડો સ્પષ્ટ થયો ન હતો તેવું વેપારીઓએ જણાવ્યું હતું.
લોખંડના સળિયા વડે તાળા તોડ્યા
વેપારીઓએ મોડી રાત્રે તાળા તૂટવા મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં સામે આવ્યું હતું કે, ગત રાત્રીના અંદાજિત 2:05 વાગ્યે બે તસ્કરો હાથમા લોખંડનો સળીયો લઈને ધસી આવ્યા હતા. બાદમાં એક બાદ એક દુકાન, કારખાના અને કેબિનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. મામલામાં વેપારીઓની રજુઆત બાદ માલવિયાનગર પોલીસે સીસીટીવીના આધારે તસ્કર ટોળકીની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
નશેડી તસ્કરો સિગરેટ, પાન–ફાકીનો સામાન ઉઠાવી ગયા
ઘટનામાં વેપારીઓએ જણાવેલી વિગતો મુજબ તસ્કરોએ કારખાના અને દુકાનને નિશાન બનાવ્યા બાદ બે અલગ અલગ પાનની દુકાન, ચાનો થડો અને પાનની કેબિનને પણ નિશાન બનાવ્યા હતા. જ્યાંથી તસ્કર બેલડી સિગરેટ અને પાન–ફાકીનો સામાન પણ ઉઠાવી ગયા હતા.