વાદલડી વરસી રે…સરોવર છલી વળ્યા
જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ-આણંદપુર, રાજકોટનો ભાદર-2, સુર્વો, મોરબીનો મચ્છુ-3-બ્રાહ્મણી-2, જામનગરનો સપડા-કંકાવટી-રૂપારેલ-ઉમીયા સાગરના સહિતના ડેમોમાં પાણીની ભારે આવક થતા દરવાજા ખોલવા પડ્યા
સૌરાષ્ટ્રમાં જાણે મેઘરાજાએ સટાસટી બોલાવી હોય તેમ સૌરાષ્ટ્રના ડઝનેક ડેમ ઓવરફ્લો થયા છે. મોટાભાગના નદી-નાળાઓ પણ છલકાયા છે. જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ-આણંદપુર, રાજકોટનો ભાદર-2, સુર્વો, મોરબીનો મચ્છુ-3-બ્રાહ્મણી-2, જામનગરનો સપડા-કંકાવટી-રૂપારેલ-ઉમીયા સાગરના સહિતના ડેમોમાં પાણીની ભારે આવક થતા દરવાજા ખોલવા પડ્યા હતા. શહેરમાં અને ગિરનાર પર વરસેલા ધોધમાર વરસાદના કારણે નીચલા દાતાર વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં મકાનની અંદર પાણી ઘૂસી ગયા હતા. શહેરમાં અને ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે આજે શહેરને પાણી પૂરું પાડતો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો.
રાજકોટ શહેર અને જિલ્લાના તમામ ગામોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 2 ઇંચ સહિત જિલ્લામાં સાર્વત્રિક 1થી 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જામકંડોરણા તાલુકામાં 6 ઇંચ વરસાદ અને સૌથી ઓછો લોધિકા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ વરસાદને લઈ જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. જેમાં ઉપલેટનો વેણુ-2 અને ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2 ડેમ 80%, જ્યારે ઉપલેટાનો મોજ ડેમ 70% ભરાયો છે. સાથે જ ભાદર-2 ડેમના 6 દરવાજા 5 ફુટે ખોલી 38674 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર-169 સુરવો ડેમ તેની નિર્ધારિત સપાટીએ 100 ટકા ભરાઈ ગયો છે.
ડેમમાંથી હાલ 355 કયુસેકના પ્રવાહનુ પાણી છોડવામાં આવ્યું છે. તથા ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા છે. આથી આ ડેમની હેઠવાસમાં આવેલા જેતપુર તાલુકાના થાણાગાલોળ, ખીરસરા, ખજુરી ગુંદાળા, ચારણીયા અને ચારણ સમઢીયાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામનો સિંચાઈ યોજના નંબર 153 વેણુ-2 ડેમ ભારે વરસાદને કારણે 80% ભરાઈ ગયો છે.
ડેમમાં હાલ 16,666 કયુસેક પ્રવાહની આવક ચાલુ છે. ડેમની કુલ સપાટી 55 મી. તથા હાલની સપાટી 53.21 છે, પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.
રાજકોટ ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર-152 મોજ ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 21,045 કયુસેકના પ્રવાહની આવક છે. ડેમની કુલ ઊંચાઈ 72.54 મીટર છે, જ્યારે ભરાયેલી ઉંચાઈ 71.08 મીટર છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીલા, ગઢાવા, કેરાળા, ખાખી જાળિયા, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
જેતપુરનો સુરવો ડેમ ઓવરફલો
અબતક, કરણ બારોટ, જેતપુર
જેતપુર તાલુકાના છ ગામોના સિંચાઈ માટે બનેલ સુરવો ડેમ ઓવરફ્લો થઈ જતા એક દરવાજો ત્રણ ઇંચ ખોલતા નીચાણવાળા ગામોને નદીના પટમાં ન જવા ચેતવણી આપવામાં આવી હતી.
જેતપુર તાલુકાના ચારણીયા, સ્ટેશન વાવડી, ખીરસરા, ચારણ સમઢીયાણા, થાણાગાલોર અને ખજુરીગુંદાણા એમ છ ગામોના સિંચાઈ માટે બનેલ સુરવો ડેમ આજે ઉપરવાસમાં સારા વરસાદને કારણે ઓવરફલો થયો6 હતો. ડેમના એસ,ઓ. ભુવાના જણાવ્યા મુજબ ડેમ સો ટકા ભરાય ગયો છે. અને હાલ ડેમમાં ભારે પાણી આવક છે જેથી વધારાનું પાણી ડેમમાંથી કાઢવા માટે ડેમનો ત્રણ દરવાજો બે ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. અને ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઉપરોક્ત છ ગામોમાં નદીના પટમાં ન જવા લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે. ડેમ ઓવરફ્લો થવાથી છ ગામોના ખેડૂતો શિયાળું પાક પણ લઈ શકવાના હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
મોરબી મચ્છુ 3 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા
મોરબી પંથકમાં સાર્વત્રિક વરસાદ પડયો છે. જેને પગલે મચ્છુ 3 ડેમના કુલ બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવેલ હતા. જેને લઇ હેઠવાસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. રાજકોટ સિંચાઈ વર્તુળ (ફ્લડ સેલ)ફોકલ ઓફીસર અને અધિક્ષક ઇજનેર,રાજકોટ તરફથી જણાવવામાં આવ્યું હતું કે મોરબી તાલુકાના જુના સાર્દુળકા ગામ પાસેનો મચ્છુ-3 ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયેલ છે અને ડેમના 2 દરવાજા 1 ફુટ ખોલવામાં આવેલ છે તો ડેમની હેઠવાસમાં આવતા ગોરખીજડીયા, વનાળીયા, સાર્દુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર 3, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા તથા માળીયા-મીંયાણાના દેરાળા, મહેન્દ્રગઢ, મેધપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, ફતેપર, માળીયા-મીંયાણા 9 હરીપર ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.વધુમાં ડેમમાં 1676 ક્યુસેકના પ્રવાહની આવક છે, હાલમાં ડેમમાંથી 1676 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે. જળાશયની ભરપુર સપાટી 2870 મી.છે જ્યારે જળાશયની હાલની જળસપાટી 27 મી.છે.
ભાદર-2 ડેમના 6 દરવાજા પાંચ ફૂટ ખોલાયા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2 સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે અને ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના 6 દરવાજા વારે 07:45 વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે, તથા 38674 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવા વદર અને સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.