એનસીપીના ૩, વીપીપીના ૩ અને ૮ અપક્ષોએ ફોર્મ પરત ખેંચ્યા: સાંજે અપક્ષોને ચિન્હોની ફાળવણી કરાશે: સાંજે ચૂંટણી વિભાગ દ્વારા ઉમેદવારોનું અંતિમ લીસ્ટ જાહેર કરાશે
મહાપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ડઝનેક ઉમેદવારોએ મેદાન છોડ્યું હોવાનું સામે આવ્યું છે. અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચવામાં પણ ઉમેદવારોની ગીરદી જોવા મળી હતી. મહાપાલિકાના ૧૮ વોર્ડમાં એનસીપીના ૩, વીપીપીના ૩ અને ૮ અપક્ષોએ ફોર્મ પરત ખેંચ્યાનું જાણવા મળ્યું છે. હવે સાંજે અંતિમ યાદી બહાર પાડી ચૂંટણી વિભાગ દ્વારા અપક્ષોને ચિન્હોની ફાળવણી કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે જેમાં મહાપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા અત્યારે જોરશોરથી ચાલી રહી છે. આજરોજ ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ભારે રાજકીય ગરમાવો જામ્યો હતો. આજે ૧૮ વોર્ડમાં કુલ ડઝનથી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનું જાણવા મળી રહ્યું છે. આ ઉમેદવારોમાં એનસીપીના ૩, વીપીપીના ૩ અને ૮ અપક્ષ ઉમેદવારો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણષ વોર્ડ નં.૧માં હર્ષાબેન સિધ્ધરાજસિંહ જાડેજા વોર્ડ નં.૨માં સિક્ંદર બેલીમ, વોર્ડ નં.૩માં દેગામા સંજયભાઈ નાગજીભાઈ, વોર્ડ નં.૧૭માં ચેતનભાઈ સિંધવ, વોર્ડ નં.૧૮માં વીરડીયા નિલેશભાઈ સહિતના ઉમેદવારોએ મેદાન છોડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોર્ડ નં.૧૬માં હાલ ૧૫ ઉમેદવારો નોંધાયા છે. આ વોર્ડમાં આજે એકપણ ફોર્મ પરત ખેેંચાયું ન હતું. વોર્ડ નં.૧૭માં અપક્ષ ઉમેદવાર ચેતનભાઈ સુખદેવભાઈ સિંધવે ફોર્મ પરત ખેંચતા હવે ૧૬ ઉમેદવારો વધ્યા છે. જ્યારે વોર્ડ નં.૧૮માં એનસીપીના ઉમેદવાર નિલેશભાઈ વિરડીયા ફોર્મ પરત ખેંચતા હવે ૧૯ ઉમેદવારો વધ્યા છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારોએ મોટા પ્રમાણમાં ફોર્મ પરત ખેંચી મેદાન છોડ્યું છે. અંદાજે ૮ જેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણી વિભાગ દ્વારા બપોરે ૪ વાગ્યા સુધી આ પ્રક્રિયામાં દોડધામ ચલાવી હતી. આજે સાંજના અરસામાં ઉમેદવારોનું અંતિમ લીસ્ટ ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવનાર છે. આ ઉપરાંત સાંજે અપક્ષ ઉમેદવારોને ચિન્હોની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવનાર હોવાનું ચૂંટણી વિભાગે જાહેર કર્યું છે.
૧૮ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, આપ, એનસીપી સહિતના પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવામાં ભારે રસ દાખવ્યો હતો. બાદમાં ગઈકાલ અને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો સમય હોય બે દિવસ દરમિયાન અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી મેદાન છોડ્યું છે. ચૂંટણી વિભાગ દ્વારા હાલ ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો તો અગાઉથી નક્કી થયા મુજબના જ છે. એનસીપી અને અપક્ષ ઉમેદવારોએ મેદાન છોડ્યું હોય માત્ર તેઓની યાદીમાં ફેરફાર થયો છે. હવે અપક્ષ અને એનસીપીના મેદાન છોડી ચૂકેલા ઉમેદવાર કોને ફાયદો કરાવશે તે સમય જ બતાવશે.
ઉલ્લેખનીય છે કે, હવે સાંજના અરસામાં ચૂંટણી વિભાગ દ્વારા તમામ ૧૮ વોર્ડમાં વધેલા ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદી ઉપરથી ક્યાં વોર્ડમાં કેટલા ઈવીએમ ગોઠવાશે તેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવશે. ઉપરાંત ચિન્હોની ફાળવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી માટે નિમાયેલા સ્ટાફને બાકી રહેલી તાલીમ આપીને ચૂંટણી પ્રક્રિયામાં લગાડી દેવામાં આવશે. ઉમેદવારીને લગતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય હવે આવતીકાલથી ચૂંટણી વિભાગ દ્વારા અન્ય તૈયારીની ધમધમાટ ચલાવવામાં આવનાર છે.
મતદાનના આડે ગણીને ૧૨ દિવસ બાકી રહ્યા હોવા છતાં હજી શહેરમાં ચુંટણીલક્ષી માહોલ જોવા મળતો નથી. આજે સાંજે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે. કયાં વોર્ડમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ છે તે નકકી થતાની સાથે જ ચુંટણીનો ગરમાવો જોવા મળશે જોકે ભાજપે વોર્ડવાઈઝ પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ આજે અંતિમ ઘડી સુધી પોતાનો વધુ એક પણ ઉમેદવાર ન ખડે તે માટે સતત દોડતું રહ્યું હતું. મહાપાલિકાની ચુંટણીમાં આમ તો અત્યાર સુધી રાજકોટવાસીઓએ એક પણ અપક્ષ ઉમેદવારને નગરસેવક બનવાની તક આપી નથી પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ચુંટણી લડી રહી છે. ત્રિપાંખીયો જંગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે મતદારો તમામ વાતથી પર છે. શહેરમાં કયાંય ચુંટણી જેવું લાગતું નથી. આજે સાંજે વોર્ડ વાઈઝ કેટલાક ઉમેદવારો મેદાનમાં છે તેની ફાઈનલનું લીસ્ટ જાહેર થયા બાદ થોડો-થોડો માહોલ બનશે. આવતીકાલથી તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ચુંટણી લડી રહેલા ઉમેદવારો જોરશોરથી ચુંટણી પ્રચાર શરૂ કરી દેશે. કોરોનાના કારણે પ્રચાર-પ્રસારમાં પણ કેટલીક પાબંધી લગાડી દેવામાં આવી છે જેમાં ડોર ટુ ડોર પ્રચારમાં પણ પાંચ વ્યકિતથી વધુને પણ નહીં લઈ જવાનું જાહેર કરાયું છે જયારે રોડ-શોમાં પણ કેટલાક નિયમો લાદી દેવાયા છે. આ તમામ વસ્તુ ચુંટણીનો માહોલ બનવા દેતો નથી.