- માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ડેટા રાખવો કે જોવો ગુનો નથી તેવો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે પલટાવી નાખ્યો
- સુપ્રિમના ઐતિહાસિક ચુકાદા બાદ હવે આવા કિસ્સામાં પોકસો અને આઇટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની છૂટ મળશે
સુપ્રીમ કોર્ટે આજે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને મદ્રાસ હાઈકોર્ટના આ નિર્ણયને રદ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ પોક્સો એક્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નથી. જે બાદ મદ્રાસ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આજે આ નિર્ણયની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફોન પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી, રાખવી અને જોવી એ પોકસો અને આઇટી એક્ટ હેઠળ ગુનો છે.
આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી ફરી શરૂ કરતા સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટપણે જણાવ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર કરવી, જોવી, બનાવવી અને ડાઉનલોડ કરવી એ તમામ સજાપાત્ર અપરાધો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બે અરજદાર સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ એચએસ ફૂલકાની દલીલોની નોંધ લીધી હતી કે હાઇકોર્ટનો નિર્ણય આ સંદર્ભમાં કાયદાની વિરુદ્ધ છે. વરિષ્ઠ વકીલ ફરીદાબાદ સ્થિત એનજીઓ જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ અને નવી દિલ્હી સ્થિત બચપન બચાવો આંદોલન વતી કોર્ટમાં હાજર થયા હતા. સંસ્થાઓ બાળકોના કલ્યાણ માટે કામ કરે છે.
વાસ્તવમાં, સર્વોચ્ચ અદાલત હાઇકોર્ટના નિર્ણયને અત્યાચારી ગણાવીને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બાળ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ – પોકસો એક્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી- આઇટીએક્ટ હેઠળ ગુનો નથી.
હાઈકોર્ટે તેના 11 જાન્યુઆરીના ચુકાદામાં 28 વર્ષીય વ્યક્તિ સામેની ફોજદારી કાર્યવાહીને પણ રદ કરી દીધી હતી જેના પર તેના મોબાઈલ ફોન પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી સામગ્રી ડાઉનલોડ કરવાનો આરોપ હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે આજકાલ બાળકો પોર્નોગ્રાફી જોવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને સમાજે તેમને સજા કરવાને બદલે તેમને શિક્ષિત કરવા પરિપક્વ બનવું જોઈએ.
મદ્રાસ હાઈકોર્ટે પોક્સો એક્ટ, 2012 અને આઈટી એક્ટ, 2000 હેઠળ એસ હરીશ સામેના ફોજદારી કેસને રદ કર્યો હતો. આઇટી એક્ટની કલમ 67બી હેઠળ ગુનો બનાવવા માટે, આરોપીએ લૈંગિક-સ્પષ્ટ કૃત્યો અથવા આચરણમાં બાળકોને દર્શાવતી સામગ્રી પ્રકાશિત, પ્રસારિત અથવા બનાવવી આવશ્યક છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, ’આ જોગવાઈને કાળજીપૂર્વક વાંચવાથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી એ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 67બી હેઠળ ગુનો નહીં બને.’
‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને બદલી નાખવાનું સુપ્રીમનું સંસદને સૂચન
આજે આ કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે બાળ પોર્નોગ્રાફી સંબંધિત ફોટો-વિડિયો સ્ટોર કરવો એ બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે સંસદને પોક્સો એક્ટમાં સુધારો કરવા માટે કાયદો લાવવાનું સૂચન કર્યું. જેમાં ’ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ’બાળ જાતીય શોષણ અને અપમાનજનક સામગ્રી’ સાથે બદલવો જોઈએ.