ભારત સરકાર સાથે સોશિયલ મીડિયા ટ્વીટરની આડોડાઈ હવે તમામ હદો પાર કરી રહી છે. ગઈકાલે કેન્દ્રના આઈટી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ અકારણે 1 કલાક સુધી બ્લોક કરી દેવામાં આવ્યું હતું. એ પછી દેકારો થતાં ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ માઈક્રો બ્લોગની આ જાયન્ટ કંપની ભારત સરકારના નવા નિયમોની સામે બળવો પોકારવામાંથી પીછેહટ કરી રહી નથી પરંતુ હવે એવું લાગે છે કે, કેન્દ્રીય મંત્રીનું એકાઉન્ટ બંધ કરવાની કિંમત ટ્વીટરે ચૂકવવી પડશે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર ખુદ જાણ કરી હતી કે, મારા એક ટ્વીટના કારણે અમેરિકાના કોપીરાઈટના કાયદાના ઓઠા હેઠળ મારૂ એકાઉન્ટ લગભગ 1 કલાક સુધી ટ્વીટરે બંધ કરી દીધુ હતું, મેં ભારતના નિયમોને નહીં અનુસરવા બદલ ટ્વીટર કંપની સામે કડક વલણ અખત્યાર ર્ક્યું છે. જેના કારણે કંપનીએ મારી સાથે આવું વર્તન ર્ક્યું હોય તેમ માનુ છું.
ટ્વીટરના આવા પગલા સુચવે છે કે, આ કંપની અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની ઝંડાધારી નથી જ. તેઓ જે દાવો કરે છે તેનાથી ઉલ્ટુ થઈ રહ્યું છે, કંપનીને માત્ર પોતાનો એજન્ડા લાગુ કરવામાં રસ હોય તેવું દેખાય છે. જો ટ્વીટરે દોરેલી લક્ષ્મણ રેખા તમે ઓળંગો તો તુરંત જ તમને તેમના મંચ પરથી દૂર કરી દેવામાં આવે છે.
રવિશંકર પ્રસાદે ડિસેમ્બર 2017માં એક ટ્વીટ ર્ક્યું હતું. જેમાં ભારતના પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં ભવ્ય વિજયનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે સાથે એ.આર.રહેમાનના માં તુજે સલામના વિખ્યાત ગીતનો વિડીયો પણ સાથે મુક્યો હતો. આ ટ્વીટને કોપીરાઈટનો ભંગ માની કંપનીએ કેન્દ્રીય મંત્રીનું એકાઉન્ટ જ બંધ કરી દીધું હતું. આ વર્ષે કંપનીએ આવી ઘણી આડોડાઈ કરી છે. આ વર્ષે જુન મહિનામાં કોંગ્રેસના સાંસદ શશી થરુરના એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું હતું. શશી થરૂરે બોની એમ. નામના પોપ સંગીતકારના રાસ્પુતીન ગીતનો વિડીયો મુક્યો હતો. જેના કારણે તેમનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. જુન મહિનામાં જ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ અને આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતના એકાઉન્ટ બ્લોક કરી દેવાયા હતા. ભારે દેકારો થયા પછી એકાઉન્ટ ફરી શરૂ કરવાની ફરજ પડી હતી. ટ્વીટરે એ પહેલા પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહનું એકાઉન્ટ કામચલાઉ ધોરણે બંધ કર્યું હતું. ત્યારથી આ કંપની વિવાદોમાં સપડાતી રહી છે.