સિંહ રાશીના આગેવાનના કનેકશન તપાસમાં આવે તો કેટલીક સ્ફોટક વિગતો આવવાની ચર્ચા: મહારાષ્ટ્રના શાર્પ શુટરની મદદથી કાવતરૂ પાર પાડયું?
કચ્છના અબડાસા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની બે દિવસ પહેલાં સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી ધરબી કરાયેલી હત્યાની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા વિવિધ દિશામાં શરૂ કરાયેલી તપાસ દરમિયાન ભાનુશાળી સમાજના એક ધર્મગુરૂ જેવા આગેવાન ઘણી સ્ફોટક વિગતો જાણતા હોવાનું પોલીસના ધ્યાને આવતા ખળભળાટ મચી ગઇ છે.
જયંતીભાઇ ભાનુશાળીને છબીલ પટેલ ઉપરાંત અનેક સાથે દુશ્મની ચાલતી હત્યા કોને અને શા માટે કરી તે અંગેના અંકોડા મેળવવા પોલીસની વિવિધ ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીધામ, ભૂજ અને અબડાસા ખાતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અબડાસા ખાતેથી પોલીસને એક બેગ મળી હતી જે અંગે પોલીસ દ્વારા બેગ એચ-૧ કોચમાં જયંતીભાઇ ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલા પવન મોર્યાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જયંતી ભાનુશાળીને સેકસકાંડમાં સંડોવવાની ચકચારી ઘટનાનું સમાધાન કરાવનાર ધર્મગુરૂ જેવા આગેવાન ઘણી વિગતો જાણતા હોવાનું અને પોલીસ ભાનુશાળી સમાજના સિંહ રાશીના નામધારી આગેવાનની પૂછપરછ કરે તો કેટલીક ચોકવાનારી વિગતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
સેકસકાંડ સમયે પણ મહારાષ્ટ્રના કેટલાક ભાડુતી મારાની મદદ લેવામાં આવ્યાનું પ્રકાશમાં આવ્યું હોવાથી જયંતી ભાનુશાળીની હત્યામાં પણ મહારાષ્ટ્રના કિલરને કોન્ટ્રાકટ આપવામાં આવ્યાની ચર્ચાએ ચકચાર જગાડી છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની ચાલુ ટ્રેને થયેલી હત્યાનો ભેદ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ગાંધીધામ, ભૂજ અને અબડાસા ખાતે જીણવટભરી તપાસ કરી છ જેટલા શકમંદની અટકાયત કરી તપાસ અર્થે અમદાવાદ લઇ જવામાં આવ્યા છે.
સયાજીનગરી એક્સપ્રેસના એચ-૧ કોચમાં સિટ નંબર ૧૯માં મુસફરી કરી રહેલા જયંતીભાઇ ભાનુશાળી પર પોઇન્ટ બ્લેક ફાયરિંગ કરી કરાયેલી હત્યા અંગે તેમના ભત્રીજા સુનિલ વસંતભાઇ ભાનુસાળીએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, વિવાદાસ્પદ મહિલા મનિષા ગૌસ્વામી, જયંતી જેઠાલાલ ઠક્કર, ઉમેશ પરમાર, સિધ્ધાર્થ છબીલ પટેલ અને વાપીના સુર્જત નામના શખ્સો સામે પૂર્વ યોજીત કાવત‚ રચી ગોળીબાર કરી હત્યા કર્યા અંગેની ગાંધીધામ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જયંતીભાઇ ભાનુશાળીને કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સાથે રાજકીય દુશ્મનાવટ ઉપરાંત બેન્ટોનાઇટની ખીણનું પ્રકરણ માનવામાં આવી રહ્યું છે. જયંતીભાઇ ભાનુશાળીએ તાજેતરમાં જ બેન્ટોનાઇટની લગતી છ ફાઇલ પાસ કરાવવાના રૂ.૩૫ કરોડના વહીવટ પૈકી રૂ.૧૦ કરોડ સામેની પાર્ટીને ચુકવવાના બદલે અમુક રકમ ચુકવી હોવાથી વિવાદ થયાનું માનવામાં આવી રહ્યું છે. વાપીની કરોડોની જમીન પ્રકરણ પણ હત્યા પાછળ કારણભૂત હોવાની શંકા સાથે પોલીસની એક ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જયંતી ભાનુશાળી પર ફાયરિંગ કરનાર હત્યારો સયાજીનગરી ટ્રેનના ટીસી સાથે સેટીંગ કરી ટ્રેનમાં ચડયો હોવાની શંકા સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજ મેળવી ટીસીની પૂછપરછ હાથધરી છે. તેમજ મોબાઇલ ડીટેઇલ કઢાવી છે.