ત્રણેય ઝોન કચેરીમાં 10ના બદલે હવે આધાર કાર્ડની કામગીરી માટે 19 કીટની સુવિધા, ટૂંકમાં વધુ પાંચ કીટ શરૂ કરાશે: સેન્ટ્રલ ઝોનમાં વડીલો માટે ખાસ વ્યવસ્થા
આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવા માટે અથવા નવા કાર્ડ કઢાવવા માટે કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરીમાં કામગીરી કરવામાં આવે છે. છેલ્લા એકાદ સપ્તાહથી આધારની કીટ બમણી કરી દેવામાં આવી છે. જેના કારણે કેન્દ્રો પર લાગતી મોટી લાઇનોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં વધુ પાંચ કીટ શરૂ કરવામાં આવશે. સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત કેન્દ્રનું હાલ રિનોવેશન ચાલી રહ્યું હોવાના કારણે આધાર કેન્દ્રનું બીજા માળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આવામાં વડીલોને સીડી ચઢીને ઉપર ન આવવું પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરીમાં અગાઉ માત્ર 10 કીટ દ્વારા આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતી હતી. તાજેતરમાં કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી કીટ વસાવવામાં આવી છે. દરમિયાન યુઆઇડી દ્વારા કીટ શરૂ કરવા માટેની મંજૂરી અને ઓન બોર્ડને બહાલી આપવામાં આવતા નવી 9 કીટનો વધારો કરવામાં આવ્યો છે. હાલ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સાત કીટ જ્યારે વેસ્ટ અને ઇસ્ટ ઝોન કચેરી ખાતે 6-6 કીટ રાખવામાં આવી છે. દૈનિક સરેરાશ 600થી વધુ લોકો આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવા માટે આવે છે. અગાઉ માત્ર 10 કીટ હોવાના કારણે ત્રણેય ઝોન કચેરીમાં કેન્દ્ર પર લાંબી લાઇનો લાગતી હતી. જે છેલ્લા એકાદ સપ્તાહથી ઘટી ગઇ છે. સવારના સમયે કેન્દ્રો પર થોડું ટ્રાફિક જોવા મળે છે. ત્યારબાદ બપોર બાદ ઉડે-ઉડે જેવી પરિસ્થિતિ જોવા મળે છે.
આધાર કાર્ડમાં સુધારા-વધારા કે નવા કાર્ડ કઢાવવા માટે અરજદારોનો સૌથી વધુ ધસારો કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રહે છે. અહિં આધાર કેન્દ્રનું રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે અને કેન્દ્રનું બીજા માળે સ્થળાંતર કરવામાં આવે છે. વડિલોએ બે માળ ચઢીને કેન્દ્ર સુધી જવા માટે પરેશાનીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ કોર્પોરેશન દ્વારા સિવિક સેન્ટર ખાતે સિનિયર સિટીઝન કે દિવ્યાંગો માટે બે કીટ રાખવામાં આવી છે. કુલ 14 નવી કીટની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી 9 કીટ શરૂ કરવા મંજૂરી મળી ચુકી છે. બાકીની પાંચ કીટના ઓનબોર્ડ માટે મંજૂરી માંગવામાં આવી છે. જે ટૂંક સમયમાં મળતાની સાથે જ વધુ પાંચ કીટ શરૂ કરી દેવામાં આવશે.