હાલ જીવીટી ટાઈલ્સ બનાવતા 175 જેટલા એકમો કાર્યરત
મોરબીના સિરામિક ઉદ્યોગમાં હવે ડબલ ચાર્જ ટાઈલ્સની ડિમાન્ડ ઘટી ગઈ છે, ડોમેસ્ટિક માર્કેટમાં લોકો ડબલ ચાર્જ ટાઈલ્સને બદલે જીવીટી ટાઇલ્સ જ લેતા હોય મોરબીમાં આવેલા 55 જેટલા ડબલ ચાર્જ ટાઇલ્સ મેન્યુફેક્ચરર મુશ્કેલીમાં મુકાયા છે જે પૈકી 10 જેટલા યુનિટ ડબલ ચાર્જમાંથી ક્ધવર્ટ થઇ જીવીટી પ્રોડક્શનમાં આવી ગયા છે, બીજી તરફ હજુ પણ નવા જીવીટી ટાઇલ્સ યુનિટ આવી રહ્યા હોય આવનાર દિવસોમાં જીવીટીમાં ઓવર પ્રોડક્શન થવાની દહેશત પણ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સીરામીક ક્લસ્ટરમાં 750 થી વધુ એકમો વોલ, ફ્લોર, સેનેટરીવેર્સ, ડબલ ચાર્જ, વિટ્રિફાઇડ,જીવીટી અને પીજીવીટી ટાઇલ્સનું ઉત્પાદન કરી રહ્યા છે. ખાસ કરીને વર્તમાન સ્થિતિ જોતા મોરબીમાં વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે એક્સપોર્ટ બિઝનેશ અને ડોમેસ્ટિક માર્કેટમાં થોડી ઘણી ખરીદી નીકળતા ઉદ્યોગકારો રાહત અનુભવી રહ્યા છે તેવામાં ડબલ ચાર્જ ટાઇલ્સ ઉત્પાદકો માટે ઉપાધિ આવી પડી છે, હાલમાં ગ્રાહકો ડબલ ચાર્જ ટાઈલ્સને બદલે જીવીટી ટાઇલ્સ જ માંગતા હોય અંદાજે ડબલ ચાર્જના 55 જેટલા કારખાનાઓ પૈકી 10 કારખાનેદારોએ ડબલ ચાર્જને બદલે પોતાના એકમોને જીવીટીમાં ક્ધવર્ટ કરી વૈશ્વિક માર્કેટ સાથે કદમ મિલાવ્યા છે.
ડબલ ચાર્જ ટાઈલ્સની વર્તમાન સ્થિતિ અંગે મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, મજબૂતાઈની દ્રષ્ટિએ ઉત્તમ એવી ડબલ ચાર્જ ટાઇલ્સ હવે ભૂતકાળ બનવા જઈ રહી છે માત્ર ભારતમાં લોકલ ડિમાન્ડ મુજબ અત્યાર સુધી મોરબીના 55 જેટલા સીરામીક એકમો ડબલ ચાર્જ ટાઇલ્સનું ઉત્પાદન કરી સરવાઈવ કરતા હતા પરંતુ છેલ્લા વર્ષોમાં ગ્રાહકો ડિઝાઇન, કલર વેરિએશનથી ભરપૂર એવી જીવીટી ટાઇલ્સ માંગી રહ્યા હોય ડબલ ચાર્જની માંગ ઘટીને તળિયે બેસી જતા હાલમાં મોરબીમાં ફક્તને ફક્ત 45 ડબલ ચાર્જ એકમો જ પ્રોડક્શન કરી રહ્યા છે અને 10 જેટલા એકમોએ અંદાજે 6 થી 7 કરોડના ખર્ચે પોતાના પ્લાન્ટ અપગ્રેડ કરીને ડબલ ચાર્જને બદલે જીવીટીનું ઉત્પાદન શરૂ કર્યું છે.
બીજી તરફ મોરબીમાં હાલમાં જીવીટી પ્રકારની ટાઇલ્સ બનાવતા 175 જેટલા એકમો કાર્યરત છે અને નજીકના ભવિષ્યમાં જ વધુ 30 જેટલા જીવીટી ટાઇલ્સ પ્રોડક્શન કરતા એકમો નવા કાર્યરત થનાર હોય સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ આવનાર દિવસમાં જીવીટી સેગમેન્ટમાં ઓવર પ્રોડક્શન થવાની દહેશત વ્યક્ત કરી ચિંતા વ્યક્ત કરી હતી.