વહેલી સવાર અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ: બપોરે ઉનાળા જેવો આકરો તડકો
નૈઋત્યનું ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ત્યારે છેલ્લા એકાદ સપ્તાહી સૌરાષ્ટ્રમાં બેવડી સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે રોગચાળાએ માથુ ઉંચકયુ છે. વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે બપોરના સમયે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યાં છે. દિવાળી પછી શિયાળાની સીઝનમાં વિધિવત પ્રારંભ થશે ત્યાં સુધી બેવડી સીઝન ચાલુ રહેશે.
ગુજરાતમાંથી ચોમાસાની સીઝને વિદાય લેવાની શરૂઆત કરી છે ત્યારે હવે બેવડી સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. આજે સવારે ગુલાબી ઠંડીનો અનુભવ યો હતો. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યાં છે જ્યારે બપોરના સમયે તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી જતો હોવાના કારણે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યાં છે. બેવડી રૂતુના કારણે રોગચાળાએ માથુ ઉંચકયું છે. દવાખાનાઓ દર્દીથી ઉભરાઈ રહ્યાં છે. ઘેર-ઘેર માંદગીના ખાટલા પડયા છે. શિયાળાની સીઝનનો વિધિવત આરંભ નવેમબર માસમાં થાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
છેલ્લા ૫૮ વર્ષના ઈતિહાસમાં આ વર્ષે ચોમાસાની સીઝન ખુબજ લાંબી ચાલી છે. ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે છતાં હજુ વરસાદ પડવાનું ચાલુ છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટા પડયા હતા.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૧.૩ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને પવનની ઝડપ સરેરાશ ૩ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૨૫.૬ ડિગ્રી સેલ્સીયન નોંધાયું હતું. ગઈકાલનું મહતમ તાપમાન ૩૫.૫ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. દિવાળી સુધી બેવડી સીઝનનો અનુભવ તો રહેશે. નવેમ્બર માસી ક્રમશ: ગરમીનું ઝોર ઘટશે અને ઠંડી શરૂ થશે. બેવડી ઋતુના કારણે રોગચાળાએ માથુ ઉંચકયું છે. ડેંન્ગ્યુ અને મેલેરીયા સહિતના તાવના કેસો સતત નોંધાઈ રહ્યાં છે.