રસીની “રસ્સાખેંચ” ભારતની વિજય દોટ…!!
ભારતમાં હવે કયારેય રસીની અછત નહીં સર્જાય… વપરાશ કરતા ઉત્પાદન અનેક ગણું વધ્યું
ડિસેમ્બર માસમાં કોવિશિલ્ડ અને કોવેકિસનના 31 કરોડ ડોઝનું ઉત્પાદન થવાની ધારણા
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા હાલ રસીકરણ અને નિયમ પાલન જ એકમાત્ર અમોઘ અસ્ત્ર સમાન રહ્યું છે ત્યારે રસીકરણ ક્ષેત્રે ભારતની સ્થિતિ જોઈ સૌ કોઈ દેશ અચંબિત છે. કોરોના આવતાની સાથે જ રસીની શોધ શરૂ થતાં શરૂ થયેલી રસીની રસ્સાખેંચમાં ભારતે વિજયદોટ ભરી છે. રસીની સંગ્રહ ક્ષમતા, તેની કિંમતો, આડઅસર, ટ્રેડમાર્ક તેમજ પેટન્ટને લઈને ઉભી થયેલી ખેંચતાણ વચ્ચે ભારતે જે સિદ્ધિ હાંસલ કરી છે તેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. અગાઉ પણ ભારતે વિશ્વભરના દેશોને રસીની નિકાસ કરી માનવતા ભર્યું પગલું ઉઠાવ્યું હતું ત્યારે હાલ ભારતમાં જરૂરિયાત કરતા રસીનો વધુ ઉત્પાદનનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે ફરી નિકાસના દ્વાર ખુલશે..!!
ભારતમાં ડિસેમ્બરના અંત સુધીમાં કોવિડ રસીનો મોટો સરપ્લસ હોવાની સંભાવના છે. કારણ કે આ મહિનામાં 15.63 કરોડ ડોઝની આવશ્યકતા હોવાનો અંદાજ છે, જ્યારે ઉત્પાદન ક્ષમતા સતત વધી રહી છે. કોવિડ રસીના ઓછામાં ઓછા 31 કરોડ ડોઝ (કોવિશિલ્ડ અને કોવેક્સિન)નું ઉત્પાદન ડિસેમ્બરમાં થવાની સંભાવના છે, જે મે મહિનામાં બનેલા 7.9 કરોડ ડોઝ કરતાં લગભગ ચાર ગણી છે, જે ઉત્પાદનમાં થયેલો વધારો દર્શાવે છે.
અત્યાર સુધીમાં લગભગ 10.4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે સોમવારે સવાર સુધીમાં 21.64 કરોડ નહિ વપરાયેલ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે. સરકાર આ મહિનાના અંત સુધીમાં ઉપલબ્ધ સ્ટોકનો મહત્તમ ઉપયોગ કરવાની યોજના ધરાવે છે જેથી 100% પ્રથમ ડોઝ કવરેજ ટૂંકાગાળામાં શક્ય બને.
આ અંગે માહિતી આતા અધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ મહિના દરમિયાન 19 નવેમ્બર સુધી કુલ 28 કરોડથી વધુ ડોઝ (કોવિશિલ્ડ અને કોવેક્સિન)નું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તેમાંથી કોવિશિલ્ડનો હિસ્સો 22.3 કરોડ છે, જ્યારે બાકીના 5.6 કરોડ કોવેક્સિનનો છે. જ્યારે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 15.8 કરોડ ડોઝ સપ્લાય કર્યા હતા. ખાનગી ક્ષેત્રે મહિના દરમિયાન માત્ર 36,200 ડોઝની ખરીદી કરી હતી. જ્યારે આ મહિનાના અંત સુધીમાં સરકાર દ્વારા આશરે 30 કરોડ ડોઝ ખરીદવાનો અંદાજ છે, તેમાંથી વધેલો જથ્થો નિકાસ પણ કરાશે.