સલીમ સાંધની હત્યાનો બદલો લેવા ખુરી અને હુસેને ઘડ્યું’તું કાવતરું : જયપુરથી મુખ્ય સૂત્રધાર ઝડપાતા તમામ કડીઓ મળી આવી

વંથલી તાલુકાના રવની ગામે સીમ વિસ્તારમાં ગત તા. 11મેના રાત્રિના સમયે ડબલ મર્ડરની ઘટના બની હતી. કુખ્યાત પિતા-પુત્રને ગોળીઓ ધરબી રવની ગામના જ સાત ઈસમોએ આ હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારે પછ દિવસ બાદ પિતા-પુત્રની હત્યા કરનાર 7 આરોપીઓને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે.

રવની ગામે રહેતા રફીક આમદ સાંધ અને તેનો પુત્ર જીહાલ સાંધ વાડીએથી જમી અને બીજી વાડીએ જતા હતા ત્યારે અચાનક જ આવેલા 5 ઈસમોએ પિતા પુત્ર પર ફાયરિંગ કર્યું હતું. જેમાં પિતા-પુત્રના ઘટના સ્થળે જ મોતની નિપજ્યા હતા.

ડબલ મર્ડરની ઘટનાની જાણ થતા ડિવાયએસપી સહિતનો કાફલો રવની ગામે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને આ ડબલ મર્ડરના આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. જુનાગઢ એલસીબી દ્વારા ડબલ મર્ડર 7 આરોપીઓ રહીમ ઉર્ફે ખુરી ઇસાભાઈ સાંધ, જુમાં હબીબ સાંધ, હનીફ ઈસ્માઈલ સાંધ, અબ્દુલ ઉર્ફે ઈબ્રાહીમભાઇ સાંધ, ઈસ્માઈલ ઇબ્રાહીમભાઇ સાંધ, પોલાભાઈ યુસુફભાઈ સાંધ, હુસેન અલારખા સાંધે રવની ગામે પિતા પુત્રની હત્યા કરી ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો. ત્યારે હત્યા કરનાર આરોપીઓ રવની ગામના અને સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલ્લારખાના ભાઈ અને નજીકના સગા હોવાનું સામે આવ્યું છે.

રવની ગામે થયેલ પિતા પુત્રની હત્યાનું પહેલેથી જ કાવતરું ઘડી કાઢવામાં આવ્યું હતું. આ હત્યાને અંજામ આપવા માટે ઝાપોદડના ખુરી ઉર્ફે રહીમ અને રવની ગામના હુસેન અલ્લારખાં સાંધ સહિત સાત શખ્સોએ આ ગુનાનું કાવતરું રચ્યું હતું.

જુનાગઢ એસ.પી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે ગઈ તારીખ 11 મેના રોજ રવની ગામે પિતા પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જે મામલે 7 આરોપીઓ વિરૂદ્ધ હત્યા, આર્મ્સ એક્ટ, રાયોટિંગનો વંથલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવી હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જુનાગઢ એલસીબીને ડબલ મર્ડરની તપાસો આપવામાં આવી હતી. જુનાગઢ એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી સૌરાષ્ટ્ર અને રાજ્ય બહાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ત્યારે ખાનગી બાતમીદારોના આધારે આરોપીઓ અન્ય રાજ્યોમાં ભાગી ગયા હોવાની બાતમી મળી હતી જેને લઇ જુનાગઢ એલસીબી દ્વારા ડબલ મર્ડરના મુખ્ય બે આરોપી ખુરી ઉર્ફે રહીમ અને હુસેન અલ્લારખા સાંઘને રાજસ્થાન જયપુરની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા અન્ય આરોપીઓ ક્યાં છુપાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે ડબલ મર્ડરમાં સંડોવાયેલ અન્ય પાંચ આરોપીઓની પણ જુનાગઢ એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે ચાર બંધુક અને 6 કાર્ટિસ સાથે રૂ. 15.90. લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

જુનાગઢ એલસીબી દ્વારા હત્યામાં વપરાયેલ દેશી બનાવટની જામગરી, એક બાર બોર જોટો, એક દેશી હાથ બનાવટનો તમંચો, એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, 6 જીવતા કાર્ટિસ, 40 છરા, 50 ગ્રામ ગન પાવડર, મોબાઇલ ફોન 4, જીઓ કંપનીનું ઇન્ટરનેટ ડોંગલ અને એક કિયા કાર સહીત કુલ રૂ. 15,90,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

હત્યા પૂર્વે 15 દિવસ સુધી પિતા-પુત્રની કરાઈ’તી રેકી

પકડાયેલ 7 આરોપીઓની પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે એક વર્ષ પહેલા સલીમ સાંઘની હત્યા કરનાર આરોપીઓમાં મૃતક જીહાલ સાંધ અન્ય વ્યક્તિઓ સાથે મળી પકડાયેલ સાતે આરોપીઓને મારી નાખવાનું પ્લાન કરતા હોવાની પકડાયેલા આરોપીઓને માહિતી મળી હતી.જેને લઇ તમામ આરોપીઓ ભેગા મળી એક વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું હતું તેનો બદલો લેવા આ હત્યાનું કાવતરું કર્યું હતું. પકડાયેલ 7 આરોપીઓ છેલ્લા 15 દિવસથી મૃતક પિતા પુત્ર પર નજર રાખી તેના પર રેકી શરૂ કરી હતી. આરોપીઓએ નક્કી કરેલા પ્લાન મુજબ રહીમ ઉર્ફે ખુરી અને હુસેન અલ્લારખા સાંધ હત્યા બાદ ફરિયાદમાં નામ ન આવે તે માટે પહેલેથી જ જુનાગઢ છોડી ગોધરા જતા રહ્યા હતા અને હત્યાને અંજામ આપ્યા બાદ પ્લાન મુજબ મોબાઇલ બંધ કરવાના હોય તે માટે એક ઇન્ટરનેટ વાપરવા ડોંગલ ખરીદ્યું હતું જેથી આરોપીઓ અલગ અલગ નંબરથી વોટ્સઅપ શરૂ કરી શકે.રહીમ ઉર્ફે ખુરી અને હુસેન સાંધ સિવાયના પાંચે આરોપીઓ રાતના સમયે મૃતક રફીક સાંધની વાડીની આસપાસ હથિયારો ધારણ કરી છુપી રીતે ગોઠવાઈ ગયા હતા. અને જ્યારે મૃતક રફીક અને તેનો દીકરો જીહાલ વાળી તરફ જતા હતા ત્યારે ઓચિંતો હુમલો કરી બંને પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.