અઠવાડીયા પહેલા ૧૭ વર્ષની કિશોરી અને ૩૫ વર્ષના યુવકની થયેલી કરપીણ હત્યાનો ભેદ ઉકેલતા કોઠારા પોલીસ અને એલસીબી
ગત પાંચમી માર્ચના રોજ વરાડિયાના સીમાડે આવેલી વાડીની ઓરડીમાંથી રૂકસાના નામની કિશોરી અને ઈશાક આમધ મંધરા નામના યુવકની છરીના સંખ્યાબંધ ઘા મારી રહેંસી નખાયેલી લાશ મળી હતી. રૂકસાના નાનપણથી જ ફોઈ સારૂબેન સાથે રહેતી હતી.ડબલ મર્ડરના આ બનાવે વરાડિયા જ નહીં સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી હતી. બનાવની તપાસમાં કોઠારા પોલીસ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ જોડાઈ હતી. પોલીસે તપાસનું ધ્યાન મોબાઈલ કોલ ડીટેઈલ રેકોર્ડ પર કેન્દ્રીત કર્યું હતું. પોલીસે શકમંદોની સઘન પૂછતાછ હાથ ધરી અને સમગ્ર હત્યાકાંડનું ષડયંત્ર ખુલ્લું પડી ગયુ હતું. હત્યાનો માસ્ટર માઈન્ડ મૃતક રૂકસાનાનો પિતરાઈ ભાઈ સુલેમાન હસણ મંધરા અને તેનો મિત્ર લતીફશા ઊર્ફે અધાયો કાસમશા પીરજાદા છે. રૂકસાના અને ઈશાક મંધરા વચ્ચે લાંબા સમયથી આડાસંબંધો હતા. અગાઉ આ મુદ્દે રૂકસાના અને સુલેમાન વચ્ચે માથાકૂટ પણ થયેલી હતી. છેવટે બંનેના આડાસંબંધોનો કાયમી અંત લાવવા માટે સુલેમાને લતીફશા સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં તેમણે તેમના બીજા બે મિત્ર સલીમ મુસા મેમણ અને સલીમ ઉમર મંધરા ને સામેલ કર્યાં છે. પ્લાન મુજબ પોતાના પર પોલીસને કોઈ શંકા ના જાય તે માટે સુલેમાન બનાવના દિવસે પોતાની કારનું એસી રીપેરીંગ કરાવવાના બહાને ભુજ આવ્યો હતો. જો કે, તે આરોપીઓ સાથે ફોન પર સતત સંપર્કમાં હતો. બાકીના ત્રણ આરોપીઓએ વાડીની ઓરડીમાં રૂકસાના અને ઈશાકની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. જો કે, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય કડીઓના આધારે પોલીસે ગણતરીના ચાર જ દિવસમાં ડબલ મર્ડરના ચકચારી કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે.