ડેન્ગ્યૂના 13, ચિકન ગુનિયાના ત્રણ અને મેલેરિયાનો એક કેસ નોંધાયો: મચ્છરોની ઉત્પતિ સબબ 619 આસામીઓને ફટકારાઇ નોટિસ
ચૂંટણી સમયે જ શહેરમાં ફરી રોગચાળાએ માથું ઉંચક્યું છે. રાજકોટમાં હાલ માંગો તે તાવ હાજરમાં હોય તેવો માહોલ રચાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ડેન્ગ્યૂએ બેવડી સદી ફટકારી દીધી છે. આ ઉપરાંત ચીકન ગુનિયા અને મેલેરિયાએ માઝા મૂકી છે.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે ડેન્ગ્યૂના નવા 13 કેસ નોંધાયા છે. આ સાથે આજ સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના કુલ 211 કેસ નોંધાયા છે. જ્યારે ચીકન ગુનિયાના નવા ત્રણ કેસ સાથે 24 કેસો નોંધાયા છે. મેલેરિયાનો પણ એક કેસ મળી આવ્યો છે. આ સાથે ચાલુ વર્ષે મેલેરિયાના કુલ કેસનો આંક 45એ પહોંચી ગયો છે. શરદી-ઉધરસના 245 કેસ, સામાન્ય તાવના 41 કેસ અને ઝાડા-ઉલ્ટીના 52 કેસ મળી આવ્યા છે. રોગચાળાની અટકાયત માટે 70,309 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 1784 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. અલગ-અલગ 544 સ્થળોએ ચેકીંગ હાથ ધરાયું હતું. જ્યારે મચ્છરોની ઉત્પતિ સબબ 498 રહેણાંક મિલકતો અને 121 કોમર્શિયલ મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે.