આખરે 27 વર્ષની લાંબી રાહ જોયા બાદ હવે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મહિલાઓની એક અલગ વોટ બેંક તરીકે ઉભરી આવવાને કારણે અને મતદાનની બાબતમાં પુરૂષો પર વધુ પડતા હોવાને કારણે મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં આ બિલ લાવવાની હિંમત બતાવી છે. અત્યાર સુધી ત્રણ વડાપ્રધાન અને ઘણી સરકારો આ બિલને આકાર આપવામાં નિષ્ફળ રહી છે. તેવામાં હવે કેબીનેટની લીલીઝંડી મળતા આ બિલ આજે સંસદમાં મુકાવાનું છે.
શાસક પક્ષ અને વિપક્ષ એક થઇ બિલને પાસ કરાવશે: 2029થી અમલવારી શરૂ થવાની શકયતા
મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની પહેલ દેવેગૌડાની રાષ્ટ્રીય મોરચાની સરકાર દ્વારા વર્ષ 1996માં કરવામાં આવી હતી. બિલ કોઈ નિષ્કર્ષ પર પહોંચે તે પહેલા જ દેવેગૌડાની સરકાર પડી ગઈ. આ પછી, બિલમાં એસસી-એસટી-ઓબીસી અનામતની માંગ ઉગ્ર બનતાં ગુજરાલ સરકારે તેને અટકાવી દીધી. તે પછી પાછળથી આવેલી વાજપેયી સરકાર ક્વોટા-અનામત વિવાદને કારણે આ બિલ લાગુ કરી શકી ન હતી.
હકીકતમાં છેલ્લા એક દાયકામાં મહિલાઓની વોટિંગ પેટર્નમાં મોટો ફેરફાર થયો છે. મહિલાઓ માત્ર પુરૂષોથી વિપરીત તેમની પસંદગી મુજબ મતદાન કરી રહી છે, પરંતુ તેમની મતદાનની ટકાવારી પણ પુરૂષોની સરખામણીએ વધી છે. મોદી સરકારના નવ વર્ષના કાર્યકાળ દરમિયાન ભાજપને તેની મહિલા કેન્દ્રિત યોજનાઓને કારણે આ વર્ગનું સમર્થન મળ્યું છે. આવી સ્થિતિમાં મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં આ સમર્થનનો વ્યાપ વધારવા માંગે છે.
યુપીએ-2 સરકારે ફરી એકવાર આ બિલ પસાર કરવાની પહેલ કરી. તે પછી વર્ષ 2010 માં, તે રાજ્યસભામાં પસાર થયું હતું, પરંતુ સામાજિક ન્યાયની રાજનીતિને અનુસરતા પક્ષોના વિરોધને કારણે તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું. આ પછી આવેલી મોદી સરકાર પણ પ્રથમ ટર્મમાં અનુકૂળ વાતાવરણની રાહ જોતી રહી અને બીજી ટર્મના અંતે સક્રિય થઈ ગઈ.
છેલ્લી લોકસભા ચૂંટણીમાં પુરૂષોની સરખામણીમાં મહિલાઓની મતદાનની ટકાવારી એક ટકાથી વધુ હતી. ગત ચૂંટણીમાં કુલ 67 ટકા મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસને 20 ટકાની સરખામણીમાં ભાજપને 35 ટકા મહિલાઓના વોટ મળ્યા છે. 2014 પછી, ઘણા રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં, મહિલાઓની મતદાન ભાગીદારી વધી છે અને આ શ્રેણીમાં ભાજપનો પ્રવેશ વધ્યો છે. આ પછી મોદી સરકારે આ બિલ પર આગળ વધવાનો નિર્ણય કર્યો.
હાલ લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 15 ટકાથી પણ ઓછું
લોકસભામાં 78 મહિલા સભ્યો ચૂંટાયા હતા. જે કુલ 543 ની સંખ્યાના 15 ટકા કરતા પણ ઓછા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકાર દ્વારા સંસદમાં શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યસભામાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ લગભગ 14 ટકા છે. આ સિવાય 10 રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. જેમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડુચેરીનો સમાવેશ થાય છે.