- બેઠકમાં ન આવ્યું કોઇ નિરાકરણ
- રાજય સરકાર પાસે બાકી પેમેન્ટ મામલે ચાર દિવસ સુધી આયુષ્યમાન કાર્ડ ધારકોને સારવાર નહી આપવાનો ખાનગી હોસ્પિટલોનો નિર્ણય
Gujarat News
આયુષ્યમાન કાર્ડ ધારકોને આગામી સોમવારથી ચાર દિવસ સુધી ખાનગી હોસ્પિટલોમાં સારવાર નહી મળે રાજય સરકાર દ્વારા બાકી પેમેન્ટ નહી ચુકવાતા ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે.
પીએમ જય યોજના હેઠળ કાર્ય કરતી હોસ્પિટલના પ્રશ્નોનું કોઈપણ નિરાકરણ ન આવવાથી સરકારને તથા પીએમજય યોજનાના અધિકારીઓને આખરી ઉપાય તરીકે હોસ્પિટલો 26 થી 29 ફેબ્રુઆરી સુધી પીએમજય યોજનામાં સારવારથી અળગી રહેશે એવું જણાવ્યા પછી સરકારના અને પીએમજય યોજનાના અધિકારીઓએ હોસ્પિટલના એસોસિ.ના સભ્યોને ચર્ચા માટે બોલાવ્યા હતા. પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી ધનંજય દ્વિવેદી, હેલ્થ કમિશનર હર્ષદ પટેલ, પીએમજય યોજનાના ગુજરાતના અધિકારી ડોક્ટર શૈલેષ આનંદ, બજાજ ઇન્સ્યોરન્સના અધિકારીઓ તથા પ્રાઇવેટ હોસ્પિટલના એસોસિએશનના સભ્યો વચ્ચે ખૂબ જ મહત્વની મીટીંગ યોજાઇ. આ મિટિંગમાં અધિકારીઓએ હોસ્પિટલના બાકી નાણાંની ચુકવણી અને અન્ય પ્રશ્નોના ઉકેલનો પ્રયત્ન કરી રહ્યા છીએ એવું જણાવ્યું પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે એની કોઈ બાહેધરી આપી નહીં.
આ ઉપરાંત હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ સાથેની બીજી ફેબ્રુઆરીની મીટીંગ પ્રમાણે તેઓના જણાવ્યા પ્રમાણે લગભગ 300 કરોડ જેટલું હોસ્પિટલનું પેમેન્ટ બાકી છે અને દરેક હોસ્પિટલને ત્રણ દિવસમાં જ પેન્ડિંગ પેમેન્ટ માટેનો દરેક પેશન્ટ વાઇઝ ડેટા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે અને આઠથી દસ દિવસમાં બધું બાકી પેમેન્ટ આવી જશે એવી બાહેધરી આપવામાં આવેલી. પરંતુ તેના લગભગ 20 દિવસ વીતી જવા છતાં પણ કોઈપણ ઈમેલ હોસ્પિટલને મળ્યો નથી અને પેમેન્ટ પણ માત્ર પાંચથી દસ ટકા જેટલું જ આપ્યું છે.
ગઈકાલની મિટિંગમાં અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 120 કરોડ જેટલું પેમેન્ટ બાકી છે. આમ જોઈએ તો બંને મિટિંગમાં પણ બાકી પેમેન્ટ વિશે વિસંગતતાઓ છે. આ સિવાય ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ અને એસએચએ વચ્ચે પણ પેમેન્ટ બાબતે કોણે કેટલું પેમેન્ટ કરવાનું છે એની સહમતી હજુ સુધી થઈ નથી. આ બધી પરિસ્થિતિઓને જોતા અત્યારે તો એવું પ્રતીત થાય છે કે સોમવારથી જરૂરિયાતમંદ દર્દીઓને પીએમજય યોજના હેઠળ સારવાર માટે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ જવું પડશે અને આમ થશે તો આપણા પ્રધાનમંત્રી ના ડ્રીમ પ્રોજેક્ટ કે જેને લીધે સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલના સહિયારા પ્રયાસથી દરેક ગરીબ દર્દીને પણ સર્વશ્રેષ્ઠ સારવાર મળી રહેશે એવી પીએમજય યોજના પોતે જ ગુજરાતમાં જ બાળમરણ પામે તેવી પરિસ્થિતિ સર્જાય છે.
પ્રધાનમંત્રી જ્યારે આરોગ્યની સેવાઓ સુધારવા માટે છ દિવસમાં છ એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે અને એમાંની એક એમ્સ હોસ્પિટલ રાજકોટ અને રાજકોટની બીજી પુન:નિર્મિત જનાના હોસ્પિટલનું લોકાર્પણ પણ આરોગ્ય સેવાઓમાં સુધારો કરવા માટે કરવાના છે. એની સામે ગુજરાતમાં જ ગરીબ દર્દીઓને આશીર્વાદરૂપ પીએમજય યોજનામાં સારવાર આપતી હોસ્પિટલના પૈસા ચૂકવતા નથી અને એનાથી પીએમજય યોજના પોતે જ માંદગીના બીછાને પડી છે.