દર 6 વર્ષે એજન્સીએ ટીપરવાન બદલી નાંખવી પડશે: વોર્ડ વાઇઝ ચાર સેનેટરી ઇન્સ્પેક્ટરનું સુપર વિઝન રહેશે: ન્યૂસન્સ પોઇન્ટ પરથી દિવસમાં બે વખત કચરો ઉપાડવો પડશે: ત્રણેય ઝોનમાં ઓટોમેટેડ મટીરીયલ રિક્વરી ફેસેલીટી પ્લાન્ટ સ્થપાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના ત્રણેય વોર્ડમાં 325 મીની ટીપર દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016ની હવે રાજકોટમાં પણ ટૂંક સમયમાં અમલવારી થશે. જે અંતર્ગત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની હયાત સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે. કચરાને અલગ-અલગ ચાર પ્રકારે વર્ગીકૃત કરી તેનો નિકાલ કરવામાં આવશે. આગામી 10 વર્ષ માટે રૂ.1000 કરોડનો કોન્ટ્રાક્ટ આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. કચરાના કલેક્શન માટે ટીપરવાનની સંખ્યા બમણી કરવામાં આવશે. સાથોસાથ ખર્ચનો આંક પણ ડબલ થઇ જશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા સહિતની મહાપાલિકાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 મુજબ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ રૂલની અમલવારી કરવામાં આવશે. જેમાં શહેરના ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં મિની ટીપર મારફત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી, મેઇન્ટેનન્સની કામગીરી, 150 ટીપીડીનો એમ.આર.એફ. પ્લાન બનાવવા તથા 10 વર્ષ સુધી નિભાવવાનો કોન્ટ્રાક્ટ વેસ્ટર્ન ઇમેજીનરી ટ્રાન્સકોમ પ્રાઇવેટ લીમીટેડને આપવા માટેની જ્યારે સેન્ટ્રલ ઝોનનો આ કામગીરીનો કોન્ટ્રાક્ટ ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને આપવાની દરખાસ્ત આવી છે. જેમાં પ્રથમ વર્ષે 96 કરોડ ચુકવવામાં આવશે અને દર વર્ષે પાંચ ટકાનો વધારો અપાશે. એકદંતે 10 વર્ષનો રૂ.1000 કરોડનો કોન્ટ્રાક્ટ છે. હાલ શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની જે કામગીરી થઇ રહી છે. તેમાં ધરમૂળથી ફેરફાર થઇ જશે. હાલ 325 મિની ટીપર દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન મિની ટીપર દ્વારા કરવામાં આવે છે. જે નવો કોન્ટ્રાક્ટ અપાયા બાદ 573 મિની ટીપરે પહોંચી જશે. ઝુંપડપટ્ટી વિસ્તારમાં પણ એક-એક ઘરેથી કચરો એકત્રિત કરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હાલ તમામ પ્રકારનો કચરો શહેરીજનો એક જ ડસ્ટબીનમાં એકત્રિત કરે છે અને ટીપરવાનમાં તેનો નિકાલ કરે છે. જે સિસ્ટમમાં ફેરફાર લાવવામાં આવશે. હવે અલગ-અલગ ચાર પ્રકારના કચરા વર્ગીકૃત કરાશે. જેમાં ભીનો કચરો, સુકો કચરો, જોખમી કચરો અને સેનેટરી કચરો અલગ-અલગ એકત્રિત કરવામાં આવશે. જેના માટે એજન્સી દ્વારા ત્રણ મહિનાની સર્વેની કામગીરી દરમિયાન શહેરીજનોને વિસ્તૃત સમજણ આપવામાં આવશે. હાલ કોર્પોરેશન પોતાના ખર્ચે ટીપરવાનની ખરીદી કરે છે અને તેની આયુષ્ય પૂરી થઇ જવા છતાં તેને ચલાવે છે. નવા કોન્ટ્રાક્ટમાં એજન્સીએ દર છઠ્ઠા વર્ષે મિની ટીપરવાન ખરીદવા પડશે. દરેક વોર્ડમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ગાર્બેજ કલેક્શનની કામગીરીના સુપર વિઝન માટે ચાર-ચાર સેનેટરી ઇન્સ્પેક્ટરને સુપર વાઇઝર તરીકે રાખવામાં આવશે. જ્યારે ઝોનની કામગીરીના મેનેજમેન્ટ માટે બીબીએ કે બી.કોમ કરેલા વ્યક્તિને કે જેની પાસે મેનેજર તરીકેનો પાંચ વર્ષનો અનુભવ હોય તેને રાખવા પડશે. કોન્ટ્રાક્ટરે રોડ સાઇડના ડસ્ટબીનમાંથી પણ કચરો ઉપાડવાનો રહેશે. દરેક વોર્ડમાં બે વખત ન્યૂસન્સ પોઇન્ટ પરથી કચરો ઉપાડી ત્યાં ચૂનાનો છંટકાવ કરવાનો રહેશે. મિની ટીપરવાનમાં જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેનો સોફ્ટવેર બનાવી એજન્સીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવાનું રહેશે.

ન્યૂસન્સ પોઇન્ટની સફાઇ માટે એજન્સીએ 10 સફાઇ કામદારોની ફાળવણી કરવી પડશે અને પ્રતિ પીઓઆઇ માટે 60 મિનિટને આવરી લેવાની જોગવાઇ કરવામાં આવી છે. હાલ ટીપરવાનના ડ્રાઇવર કે ક્લિનર દ્વારા દરેક ઘરેથી કચરો એકત્રિત કરવામાં આવતો નથી. નવા કોન્ટ્રાક્ટમાં લોકોએ ટીપરવાન સુધી જવું નહિં પડે પરંતુ ટીપરવાનનો સ્ટાફ જ ઘર પાસે રાખેલી ડસ્ટબીનમાંથી કચરો એકત્રિત કરી લેશે. એજન્સીએ ઝોન વાઇઝ ત્રણ ઓટોમેટેડ મટીરીયલ રિક્વરી ફેસેલીટી પ્લાન્ટ બનાવવાનો રહેશે. જેમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં એકત્રિત થતો 40 ટકા જેટલો કચરો આપોઆપ રિ-સાયકલ થઇ જશે. હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો વાર્ષિક ખર્ચ રૂ.33 કરોડ થાય છે અન્ય છૂપા ખર્ચનો હિસાબ કરવામાં આવે તો ખર્ચનો આંક રૂ.52.57 કરોડએ પહોંચી જાય છે. નવી સિસ્ટમ મુજબ વાર્ષિક ખર્ચ રૂ.96 કરોડ એટલે લગભગ બમણો જેવો થઇ જશે. જેની સામે સફાઇની કામગીરી ખૂબ જ સુદ્રઢ બની જશે. કોર્પોરેશન પરથી મોટાભાગનું ભારણ ઘટી જશે અને ટીપરવાનની સંખ્યા પણ બમણી થઇ જશે. હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રાધાન્ય સફાઇ પર કેન્દ્રીત કરી રહી છે. પ્રથમ તબક્કામાં રાજ્યની મહાપાલિકાઓમાં નવો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ અમલમાં લાવ્યા બાદ નગરપાલિકા વિસ્તારમાં પણ આ એક્ટ લાગૂ કરવામાં આવશે.

ત્રણેય ઝોનમાં ડામર એક્શન પ્લાનના બે વર્ષના કોન્ટ્રાક્ટ અપાશે

વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં પવન ક્ધસ્ટ્રક્શનને 14 ટકા ઓન સાથે જ્યારે સેન્ટ્રલ ઝોનમાં રાજ ચામુંડા ક્ધસ્ટ્રક્શનને 13.50 ટકા ઓન સાથે કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત

કોર્પોરેશન દ્વારા શહેર સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનમાં વર્ષ-2024-2025 અને વર્ષ-2025-2026 માટે ડામર એક્શન પ્લાનના કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. જેમાં ઝોન વાઇઝ 10 કરોડની મર્યાદામાં ડામર કામ દર વર્ષે કરવામાં આવશે. ઇસ્ટ ઝોનમાં એલ-1 એજન્સી પવન ક્ધસ્ટ્રક્શનને 14.04 ટકા ઓન સાથે સેન્ટ્રલ ઝોનમાં શ્રી રાજ ચામુંડા ક્ધસ્ટ્રક્શન કં5નીને 13.50 ટકા ઓન સાથે અને વેસ્ટ ઝોનમાં પવન ક્ધસ્ટ્રક્શન કંપનીને 14 ટકા ઓન સાથે બે વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

જેમાં એજન્સીએ વર્ક ઓર્ડર મુજબ પ્રતિ વર્ષ પ્રતિ ઝોન જીએસટી સહિત 10 કરોડના કામ કરવાના રહેશે. ચોમાસાના સમયગાળાને  નોન વર્કીંગ પિરીયડ તરીકે બાદ કરી 12 માસમાં કામગીરી કરવાનું રહેશે. જો કોઇ ઝોનમાં 10 કરોડ સુધીનું કામ ન થયું હોય તો એજન્સીએ જેટલી રકમ બચી હોય તેટલી રકમનું ડામરનું કામ અન્ય સ્થળે જ્યાં કોર્પોરેશન સૂચવે ત્યાં કરી આપવાનું રહેશે. તેવી પણ ટેન્ડરમાં જોગવાઇ કરવામાં આવી છે. બે વર્ષ માટે ડામર એક્શન પ્લાનના ટેન્ડરો પ્રસિદ્વ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.