ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં ટીપર વાનનો કોન્ટ્રાકટ પુરો: કંપનીને કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં રસ નથી: એક જ ટેન્ડર આવતા હવે ૨૪મીએ ફરી ટેન્ડર પ્રસિઘ્ધ કરાશે: ટીપરવાનનાં નબળા ટાયરોથી ડ્રાઈવરોમાં પણ ભારે રોષ: હડતાલ પર ઉતરી જવાની ચીમકી

શહેરનાં ૧૮ વોર્ડમાં હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ૩૨૫ ટીપરવાન દોડી રહી છે જેમાં વેસ્ટ અને ઈસ્ટ ઝોનનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો છે. નવી એજન્સી નિયુકત ન થાય ત્યાં સુધી જુના કોન્ટ્રાકટર પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે. એક જ ટેન્ડર આવતા આગામી ૨૪મીએ રી-ટેન્ડરનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી ખોરંભે ચડે તેવી ભીતિ પણ વર્તાય રહી છે. ટીપરવાનનાં નબળા ટાયરોથી પરેશાન ડ્રાઈવર અને હેલ્પરોએ પણ હવે હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલ શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૧૨ ટીપરવાન, ઈસ્ટ ઝોનમાં ૭૮ ટીપરવાન અને વેસ્ટ ઝોનમાં ૧૩૫ સહિત કુલ ૩૨૫ ટીપરવાન દોડી રહી છે. ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનો કોન્ટ્રાકટ વેસ્ટન ઈમેજ ટ્રાન્સફોર્મ પ્રા.લી. પાસે છે જેનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો છે. આ એજન્સી બહારની હોવાનાં કારણે તે શહેરમાં પુરતું ધ્યાન આપી શકતી નથી. નજીવા ખર્ચનાં પણ તોતીંગ બીલ મુકવામાં આવતા હોવાનાં કારણે કંપનીને નુકસાની જઈ રહી છે. નવી એજન્સી મળતી ન હોવાનાં કારણે હાલ કંપની પાસેથી વધારે કામ લેવામાં આવી રહ્યું છે જો એજન્સી હાલ કામ છોડી દે તો તેની ડિપોઝીટની રકમ જપ્ત થાય તેવું છે એટલે પરાણે ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં ગાર્બેજ કલેકશનની કામગીરી પી.જી.નાકરાણી નામની કંપની સંભાળી રહી છે જેનો કોન્ટ્રાકટ પૂર્ણ થવામાં હજી એક વર્ષ બાકી છે. શહેરનાં ત્રણેય ઝોનને અલગ-અલગ ૬ ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે. કોઈપણ ઝોન માટે એક ટેન્ડર આવે તો ફરજીયાત રી-ટેન્ડર કરવું પડે છે. ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં ગાર્બેજ કલેકશનનો કોન્ટ્રાકટ આપવા માટે એક જ એજન્સીનું ટેન્ડર આવતા આગામી ૨૪મીએ રી-ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ એક ટીપરવાન દીઠ એજન્સીને જે ભથ્થુ આપવામાં આવે છે તેમાં ૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવશે.

ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો હોય તેને કોઈપણ વધારાનાં ખર્ચમાં રસ નથી. આવામાં ટીપરવાનનાં ટાયર બદલવાની જવાબદારી એજન્સીની છે તે ટાયર-ટયુબ બદલાતા ન હોવાનાં કારણે મોટાભાગની ટીપરવાનમાં દિવસ દરમિયાન ૧ થી ૨ વખત પંચર પડતું હોવાનાં કારણે હેલ્પરો અને ડ્રાઈવરો તોબા પોકારી ગયા છે અને હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી છે. શહેરમાં આગામી દિવસોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી ખોરંભે ચડે તેવી ભીતી પણ વર્તાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.